Bible Versions
Bible Books

Ezekiel 7 (GUV) Gujarati Old BSI Version

1 વળી યહોવાનું વચન મારી પાસે આવ્યું,
2 “હે મનુષ્યપુત્ર, પ્રભુ યહોવા ઇઝરાયલ દેશને એમ કહે છે કે, અંત આવ્યો છે; દેશના ચારે ખૂણાઓનો અંત આવ્યો છે.
3 હવે તારો અંત આવ્યો છે, હું મારો કોપ તારા પર રેડીશ, ને તારાં આચરણ પ્રમાણે તારો ન્યાય કરીશ, અને તારાં સર્વ ધિક્કારપાત્ર કામોનો હું બદલો વાળીશ.
4 મારી આંખ તને દરગુજર કરશે નહિ, ને હું દયા રાખીશ નહિ; પણ હું તારા આચરોણોનો બદલો લઈશ, ને તારા ધિક્કારપાત્ર કૃત્યો તારી નજર આગળ લાવીશ; ત્યારે તમે જાણશો કે હું યહોવા છું.”
5 પ્રભુ યહોવા કહે છે, “આફત, એક આફત; જો, તે આવે છે.
6 અંત આવ્યો છે, ખુદ અંત આવ્યો છે; તે તારી વિરુદ્ધ જાગૃત થાય છે! જો, તે આવે છે.
7 હે દેશના રહેવાસી, તારું આવી બન્યું છે! વખત આવી પહોચ્યો છે, દિવસ પાસે છે! એટલે પર્વતો પર હર્ષનાદનો નહિ, પણ ગડબડાટનો દિવસ આવી પહોંચ્યો છે.
8 હવે થોડી વારમાં હું મારો ક્રોધ તારા પર રેડી દઈશ, ને તારા ઉપરનો મારો રોષ પૂરો કરીશ, ને તારાં આચરણ પ્રમાણે તારો ન્યાય કરીશ. અને તારા સર્વ ધિક્કારપાત્ર કૃત્યોનો બદલો હું તને આપીશ.
9 મારી આંખ દરગુજર કરશે નહિ, ને હું દયા રાખીશ નહિ; હું તારા આચરણનો બદલો લઈશ, ને તારાં ધિક્કારપાત્ર કૃત્યો તારી નજર આગળ લાવીશ; ત્યારે તમે જાણશો કે હું યહોવા ખરેખર શિક્ષા કરનારો છું.
10 જો, તે દિવસ, તે આવે છે! તારો નાશ નિર્માણ થયો છે. અન્યાયને મોર આવ્યો છે. ગર્વને ફણગા ફૂટ્યા છે.
11 જોરજુલમ વધીને દુષ્ટતાની ડાળી જેવો થયો છે! તેઓમાંનું ને લોકોના સમુદાયમાંનું કોઈ, તથા તેના દ્રવ્યમાંથી કંઈ પણ વિલાપ કરવામાં આવશે નહિ.
12 વખત આવ્યો છે, દિવસ પાસે આવતો જાય છે! ખરીદ કરનારે હખાવું નહિ, તેમ વેચનારે શોક કરવો નહિ; કેમ કે તેમના આખા સમુદાય પર કોપ છે.
13 કેમ કે વેચનાર તે વેચાયેલી ભૂમિ પર પાછો આવશે નહિ, જો કે તેઓ બન્ને હજી જીવતા હશે તોપણ, કેમ કે સંદર્શન તેઓના આખા સમુદાય વિષે છે, કોઈ પાછો આવશે નહિ; અને કોઈ પોતાના અધર્મથી પોતાનું જીવન સાર્થક કરશે નહિ.
14 તેઓએ રણશિંગડું વગાડીને સર્વ તૈયાર કર્યું છે; પણ કોઈ યુદ્ધમાં જતો નથી; કેમ કે મારો રોષ તેઓના આખા સમુદાય પર છે.
15 બહાર તરવાર, ને માહે મરકી તથા દુકાળ છે. જે કોઈ ખેતરમાં હશે તે તરવારથી માર્યો જશે, અને જે કોઈ શહેરમાં હશે તેને દુકાળ તથા મરકી સ્વાહા કરશે.
16 પણ તેઓમાંથી જેઓ બચવાના છે તેઓ બચી જઈને સર્વ પોતપોતાની અનીતિને લીધે શોક કરતા ખીણના પ્રદેશનાં કબૂતરોની જેમ પર્વતો પર ટોળે થશે.
17 સર્વ હાથ નિર્બળ, ને સર્વ ઘૂટણો પાણી જેવાં ઢીલાં થઈ જશે.
18 તેઓ ટાટ પણ પહેરશે, ને ત્રાસ તેમને ઢાંકી દેશે. અને સર્વના મુખ પર શરમ છવાઈ જશે, ને તે સર્વના માથાં મૂંડાવેલા હશે.
19 તેઓ પોતાનું રૂપુ રસ્તાઓમાં ફેંકી દેશે ને તેમનું સોનું અશુદ્ધ વસ્તુના જેવું થઈ પડશે. યહોવાના કોપને દિવસે તેઓનું સોનુંરૂપું તેમને દુરાચરણ કરાવનાર ઠોકરરૂપ થયું છે.
20 તેઓનાં સુશોભિત આભૂષણો તેઓના ગર્વનું કારણ થયાં છે; અને તેઓ વડે તેઓએ પોતાની તિરસ્કારરૂપ તથા ધિક્કારપાત્ર વસ્તુઓની મૂર્તિઓ બનાવી. માટે મેં તે સોનુંરૂપું તેમની નજરમાં અશુદ્ધ વસ્તુ જેવું કરી નાખ્યું છે.
21 હું તેને પારકાઓના હાથમાં ભક્ષ તરીકે, ને પૃથ્વી પરના દસ માણસોના કબજામાં લૂંટ તરીકે આપી દઈશ, અને તેઓ તેને ભ્રષ્ટ કરશે.
22 તેમનાથી પણ હું મારું મુખ અવળું ફેરવીશ, ને લોકો મારું ગુપ્ત પવિત્રસ્થાન ભ્રષ્ટ કરશે.
23 સાંકળો તૈયાર કરો, કેમ કે દેશ ખૂનના દોષથી, ને નગર જોરજુલમથી ભરપૂર છે.
24 એથી સૌથી અધમ પરદેશીઓને હુ લાવીશ, ને તેઓ તેઓનાં ઘરોના માલિક થશે. હું બળવાનોનો ગર્વ પણ ઉતારીશ. અને તેમનાં પવિત્રસ્થાનોને ભ્રષ્ટ કરવામાં આવશે.
25 મરો આવે છે; તેઓ શાંતિ શોધશે, પણ તે મળશે નહિ.
26 હાનિ પર હાનિ આવશે, ને અફવા પર અફવા ચાલશે; અને તેઓ પ્રબોધક પાસેથી સંદર્શન શોધશે; પણ યાજકમાંથી નિયમશાસ્ત્રના જ્ઞાનનો, ને વડીલોમાંથી બુદ્ધિનો, લોપ થશે.
27 રાજા શોક કરશે, ને સરદાર પાયમાલીથી ઘેરાઈ જશે, ને દેશના લોકોના હાથ કંપશે. તેઓના આચરણ પ્રમાણે હું તેઓને શિક્ષા કરીશ, ને તેઓના ગુણદોષ પ્રમાણે હું તેઓનો ન્યાય કરીશ; ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું.”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×