Bible Versions
Bible Books

Judges 5 (GUV) Gujarati Old BSI Version

1 તે દિવસે દબોરાએ તથા અબીનોઆમના દીકરા બારાકે ગાયન કરીને કહ્યું:
2 “આગેવાનોએ ઇઝરાયલમાં આગેવાની કરી, અને લોકોએ રાજીખુશીથી પોતાને અર્પી દીધા, માટે તમે યહોવાને ધન્યવાદ આપો.
3 હે રાજાઓ, તમે સાંભળો; હે સરદારો, કાન ધરો; હુ, હા, હું યહોવાની આગળ ગાયન કરીશ; ઇઝરયલના ઈશ્વર યહોવાની હું સ્તુતિ ગાઈશ.
4 હે યહોવા, જ્યારે તમે સેઈરથી સિધાવ્યા, જ્યારે તમારી સવારી અદોમના મેદાનમાંથી નીકળી, ત્યારે ધરતી કાંપી, ને આકાશ પણ ટપક્યું, હા, મેઘોમાંથી પાણી ટપક્યું.
5 યહોવાની આગળ પર્વતો કાંપવા લાગ્યા, ઇઝરાયલના ઈશ્વર યહોવાની સમક્ષ પેલો સિનાઈ પણ કાંપ્યો.
6 આનાથના દીકરા શામ્ગારના વખતમાં, તથા યાએલના વખતમાં, રાજમાર્ગો અવડ પડ્યા હતા, અને વટેમાર્ગુઓ ગલીકૂંચીને માર્ગે ચાલતા હતા.
7 ઇઝરાયલમાં ગામો ઉજ્જડ થયાં, તે નિર્જન થયાં, જ્યાં સુધી કે હું દબોરા ઊઠી, હું ઇઝરાયલમાં મા જેવી ઊભી થઈ, ત્યાં સુધી.
8 તેઓએ નવા દેવોને પસંદ કર્યા; તે વખતે ભાગળોમાં યુદ્ધ હતું; શું ઇઝરાયલના ચાળીસ હજાર મધ્યે કોઈની પાસે ઢાલ કે બરછી દેખાતી હતી?
9 ઇઝરાયલના જે અધિકારીઓએ લોકોની સાથે રાજીખુશીથી પોતાને અર્પી દીધા, તેઓની તરફ મારું હ્રદય છે; યહોવાને ધન્યવાદ આપો.
10 ઊજળા ગધેડાઓ પર સવારી કરનારા, કિંમતી ગાલીચા પર બેસનારા, તથા માર્ગોમાં પગે ચાલનારા, તમે તેનાં ગુણગાન કરો.
11 તીરંદાજોના ઘોંઘાટથી દૂર, પનઘટ આગળ, એવે એવે ઠેકાણે તેઓ યહોવાનાં ન્યાયકૃત્યો, એટલે ઇઝરાયલમાં તેમના રાજ્યનાં ન્યાયકૃત્યો, ગાશે. ત્યારે યહોવાના લોક ભાગળોમાં એકઠા થયા.
12 જાગ, જાગ, હે દબોરા; જાગ, જાગ, ગાયન કર; હે બારાક, તું ઊઠ, અને, હે અબીનોઆમના દીકરા, તને ગુલામ કરનારાને તું ગુલામ કરી લઈ જા.
13 ત્યારે અમીરોમાંથી તથા લોકોમાંથી બચી ગયેલા આવ્યા; યહોવા મારે માટે પરાક્રમીઓની વિરુદ્ધ ઊતરી આવ્યા.
14 જેઓની જડ અમાલેકમાં છે તેઓ એફ્રાઈમમાંથી ઊતરી આવ્યા; તારી પાછળ, તારા લોકોમાં બિન્યામીન આવ્યો; માખીરમાંથી અધિકારીઓ, અને ઝબુલોનમાંથી અમલદારનો દંડ ધારણ કરનારા ઊતરી આવ્યા.
15 ઇસ્સાખારના સરદારો દબોરાની સાથે હતા; ઇસ્સાખાર હતો, તેવો બારાક પણ હતો; તેની પાછળ તેઓ ખીણમાં ધસી ગયા. રુબેનના વહેળાઓ આગળ મોટા મોટા મનસૂબા કરવામાં આવ્યા.
16 ટોળાંને બોલાવવાના વાંસળીના નાદ સાંભળવાને તું શા માટે ઘેટાંના વાડાઓમાં બેઠો? રુબેનના વહેળાઓ પાસે મહા મોટી વિચારણા થઈ.
17 ગિલ્યાદ યર્દનને પેલે પાર રહ્યો. અને દાન તેનાં વહાણોમાં કેમ રહ્યો? આશેર સમુદ્રને કાંઠે શાંત બેસી રહ્યો, અને પોતાની ખાડીઓની પાસે રહ્યો.
18 ઝબુલોનની પ્રજાએ તથા નફતાલીએ મેદાનમાં ઉચ્ચસ્થાનોમાં, પોતાના જીવોને જોખમમાં નાખ્યા.
19 રાજાઓ આવીને લડ્યા; તે વખતે મગિદ્દોનાં પાણીની પાસેના તનાખમાં કનાનના રાજાઓએ યુદ્ધ કર્યું. તેઓને ધનનો કંઈ લાભ મળ્યો નહિ.
20 આકાશમાંના તારાઓએ યુદ્ધ કર્યું તેઓએ પોતપોતાની કક્ષાઓમાં સીસરાની સામે યુદ્ધ કર્યું.
21 કીશોન નદી તેઓને ઘસડી લઈ ગઈ, એટલે પેલી પ્રાચીન નદી, કિશોન નદી. રે મારા જીવ, તું પરાક્રમથી આગળ ચાલ.
22 ત્યારે કૂદવાથી, એટલે તેઓને પાણીદાર ઘોડાઓના કૂદવાથી, તેઓની ખરીઓના ધબકારા વાગ્યા.
23 યહોવાના દૂતે કહ્યું, ‘મેરોઝને શાપ દો, તેની વસતિને સખત શાપ દો; કેમ કે યહોવાની મદદે એટલે બળવાનની સામે યહોવાની મદદે તેઓ આવ્યા નહિ.’
24 બીજી સ્‍ત્રીઓના કરતાં હેબેર કેનીની પત્ની યાએલને ધન્ય છે. તંબુંમાંની સ્‍ત્રીઓના કરતાં તેને ધન્યે છે.
25 તેણે પાણી માગ્યું ત્યારે તેણે તેને દૂધ આપ્યું; મહા મૂલ્યવાન થાળીમાં તેને માટે તે દહીં લાવી
26 તેણે પોતાના એક હાથમાં મેખ લીધી, અને જમણા હાથમાં મજૂરની મોગરી લીધી; અને તે મોગરીથી તેણે સીસરાને મારી નાખ્યો, તેણે તેના માથાની આરપાર મેખ ઠોકી દીધી, હા, તેણે તેનાં લમણાં વીંધી નાખ્યાં, અને તેમની આરપાર તે ઠોકી દીધી.
27 તેના ચરણ અગળ તે નમ્યો, તે પડ્યો, તે સૂતો; તેના ચરણ આગળ તે નમ્યો. તે પડ્યો; તે જ્યાં નમ્યો ત્યાં તેની લાસ પડી.
28 સીસરાની માએ બારીમાંથી જોયું, અને જાળીમાંથી મોટો ઘાંટો કાઢીને કહ્યું, ‘તેના રથને આવતાં આટલી વાર કેમ? તેના રથના પૈડાં કેમ વિલંબ કરે છે?’
29 તેની શાણી સખીઓએ તેને ઉત્તર આપ્યો, હા, તેણે પોતે પણ ઉત્તર આપીને કહ્યું,
30 ‘શું તેઓને લૂટ તો મળી નહિ હોય, શું તેઓએ તે વહેંચી તો લીધી નહિ હોય? પ્રત્યેક પુરુષના હિસ્સામાં એક કે બે કુમારિકાઓ આવી હશે; શું, સીસરાને રંગેબેરંગી વસ્‍ત્રનો હિસ્સો તથા રંગબેરંગી જરીકામનો હિસ્સો, એટલે ગળાની બન્‍ને બાજુએ રંગબેરંગી જરીકામવાળા વસ્‍ત્રની લૂટનો હિસ્‍સો મળ્યો હશે?’
31 હે યહોવા, તમારા સર્વ વેરી એમ નાશ પામે; પણ જેઓ યહોવા પર પ્રેમ રાખે છે તેઓ, જેમ સૂર્ય પૂર્ણ તેજથી ઉદય પામે છે, તેના જેવા થાઓ. ત્યાર પછી ચાળીસ વર્ષ પર્યંત દેશમાં શાંતિ રહી.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×