1. જુઓ, સૈન્યોના પ્રભુ યહોવાહ યરુશાલેમમાંથી તથા યહૂદામાંથી
આધાર, ટેકો, રોટલી તથા પાણીનો આખો પુરવઠો લઈ લેનાર છે;
2. શૂરવીર તથા લડવૈયા, ન્યાયાધીશ તથા પ્રબોધક, જોશી તથા વડીલ;
3. સૂબેદાર, પ્રતિષ્ઠિત પુરુષ, સલાહકાર અને કુશળ કારીગર તથા ચતુર જાદુગરને તે લઈ લેશે.
4. “હું જુવાનોને તેઓના આગેવાન ઠરાવીશ અને બાળકો તેઓના પર રાજ કરશે.
5. લોકો એકબીજાથી અને દરેક વ્યક્તિ પોતાના પડોશીથી પીડા પામશે;
બાળક વડીલનો અને સામાન્ય માણસ પ્રતિષ્ઠિત માણસનો તિરસ્કાર કરશે.
6. તે સમયે માણસ પોતાના ભાઈને તેના પિતાના ઘરમાં પકડીને,
કહેશે કે, 'તારી પાસે વસ્ત્ર છે; તું અમારો અધિપતિ થા અને આ ખંડિયેર તારા હાથ નીચે રહે.'
7. ત્યારે તે મોટા અવાજથી કહેશે,
'હું તો સુધારનાર થવાનો નથી; મારી પાસે રોટલી કે વસ્ત્ર નથી.
તમે મને લોકોનો અધિપતિ ઠરાવશો નહિ.'”
8. કેમ કે યરુશાલેમની પાયમાલી અને યહૂદાની પડતી થઈ છે,
કારણ કે તેઓની વાણી અને કરણીએ યહોવાહની વિરુદ્ધ તેમના રાજ અધિકારની અવગણના કરી છે.
9. તેઓના ચહેરા જ તેમની વિરુદ્ધ સાક્ષી પૂરે છે; અને તેઓ સદોમની જેમ પોતાનું પાપ પ્રગટ કરે છે, તેઓ તેને સંતાડતા નથી.
તેઓને અફસોસ છે! કેમ કે તેઓએ પોતે જ આફત વહોરી લીધી છે.
10. ન્યાયી વ્યક્તિને કહો કે તેનું સારું થશે; કેમ કે તેઓ પોતાની કરણીનું ફળ ખાશે.
11. દુષ્ટને અફસોસ! તે તેના માટે ખરાબ થશે, કેમ કે તે તેના હાથે કરેલાં કૃત્યનું ફળ ભોગવશે.
12. મારા લોક પર તો બાળકો જુલમ કરે છે અને સ્ત્રીઓ તેમના પર રાજ કરે છે.
મારા લોક, તમારા આગેવાનો તમને કુમાર્ગે દોરે છે અને તમારા ચાલવાના માર્ગ ગૂંચવી નાખે છે.
13. યહોવાહ ન્યાય કરવાને ઊઠ્યા છે; પોતાના લોકોનો ન્યાય કરવાને તે ઊભા થયા છે;
14. યહોવાહ પોતાના લોકોના વડીલોનો તથા તેમના સરદારોનો ન્યાય કરશે:
“તમે દ્રાક્ષાવાડીને ખાઈ ગયા છો; ગરીબોની લૂંટ તમારા ઘરમાં છે.
15. તમે કેમ મારા લોકોને છૂંદી નાખો છો અને દરિદ્રીઓના ચહેરાને કચડો છો?”
સૈન્યોના પ્રભુ, યહોવાહ એવું કહે છે.
16. યહોવાહ કહે છે કે સિયોનની દીકરીઓ ગર્વિષ્ઠ છે
અને તેઓ માથું ઊંચું રાખીને, આંખોથી કટાક્ષ મારતી,
પગથી છમકારા કરતી અને ઠમકતી ઠમકતી ચાલે છે.
17. તેથી પ્રભુ સિયોનની દીકરીઓના માથાંને ઉંદરીવાળાં કરી નાખશે અને યહોવાહ તેમને ટાલવાળા કરી નાખશે.
18. તે દિવસે પ્રભુ પગની ઘૂંટીના દાગીનાની શોભા લઈ લેશે, માથાબાંધણ, ચંદનહાર
19. ઝૂમખાં, બંગડીઓ, ઘૂંઘટ;
20. મુગટો, સાંકળા, પગનાં ઝાંઝર, અત્તરદાનીઓ, માદળિયાં. PEPS
21. વીંટી, નથ;
22. ઉત્તમ વસ્ત્રો, ઝભ્ભાઓ, બુરખાઓ અને પાકીટ;
23. આરસીઓ, મલમલનાં વસ્ત્રો, પાઘડીઓ તથા બુરખા તે બધું લઈ લેવામાં આવશે.
24. સુવાસને બદલે દુર્ગંધ; અને કમરબંધને બદલે દોરડું;
ગૂંથેલા વાળને બદલે ટાલ; અને ઝભ્ભાને બદલે ટાટનું આવરણ;
અને સુંદરતાને બદલે કુરૂપતા થશે.
25. તારા પુરુષો તરવારથી અને તારા શૂરવીરો યુદ્ધમાં પડશે.
26. યરુશાલેમના દરવાજા શોક તથા વિલાપ કરશે; અને તે ખાલી થઈને ભૂમિ પર બેસશે. PE