Bible Books

:

1. રૂપાને માટે ખાણ હોય છે,
અને સોનાને ગાળીને તેને શુદ્ધ બનાવવા માટે જગ્યા હોય છે.
2. લોખંડ જમીનમાંથી ખોદી કાઢવામાં આવે છે,
અને તાંબુ ખડકમાંથી ગાળવામાં આવે છે.
3. માણસ અંધકારને ભેદે છે,
અને ઘોર અંધકાર તથા મૃત્યુછાયાના પથ્થરોને પણ,
છેક છેડાથી શોધી કાઢે છે.
4. માણસની વસ્તીથી દૂર તેઓ ખાણ ખોદે છે.
ત્યાંથી પસાર થનાર તે ખાણ વિષે જાણતા નથી,
તેઓ માણસોથી દૂર લટકે છે તેઓ આમતેમ ઝૂલે છે.
5. ધરતીમાંથી અનાજ ઊગે છે
અને તેની નીચે તો જાણે અગ્નિથી ઊકળતો હોય એવું છે.
6. તેના ખડકોમાંથી નીલમણિઓ મળે છે,
અને તેમાંથી સોનાના ગઠ્ઠા નીકળે છે.
7. કોઈ શિકારી પક્ષી તે રસ્તો જાણતું નથી.
બાજ પક્ષીની આંખે પણ તે રસ્તો જોયો નથી.
8. વિકરાળ પશુ પણ ત્યાં પહોંચ્યું નથી.
મદોન્મત સિંહના પગ પણ ત્યાં પડ્યા નથી.
9. તે ચકમકના ખડક પર પોતાનો હાથ લંબાવે છે.
તે પર્વતોને સમૂળગા ઊંધા વાળે છે.
10. તે ખડકોમાંથી ભોંયરાઓ ખોદી કાઢે છે,
અને તેમની આંખ દરેક મૂલ્યવાન વસ્તુને જુએ છે.
11. તે નદીઓને વહેતી બંધ કરે છે
અને ગુપ્ત બાબતો પ્રગટમાં લાવે છે.
12. પરંતુ તમને બુદ્ધિ ક્યાંથી મળે?
અને સમજશકિતનું સ્થળ ક્યાં છે?
13. મનુષ્ય ડહાપણની કિંમત જાણતો નથી;
પૃથ્વી પરના લોકોમાં જ્ઞાન મળતું નથી.
14. ઊંડાણ કહે છે, 'તે મારી પાસે નથી;'
મહાસાગરો કહે છે, 'તે મારી પાસે નથી.'
15. તે સોનાથી ખરીદી શકાય નહિ.
તેની કિંમત બદલ ચાંદી પણ પર્યાપ્ત નથી.
16. ઓફીરના સોનાને ધોરણે કે
મૂલ્યવાન ગોમેદ કે નીલમને ધોરણે તેની કિંમત થાય નહિ.
17. સોના કે હીરા સાથે તેની તુલના થઈ શકે તેમ નથી.
કે, ચોખ્ખા સોનાનાં આભૂષણ પણ તેને તોલે આવે નહિ.
18. પરવાળાં કે સ્ફટિકમણિનું તો નામ ના લેવું;
જ્ઞાનની કિંમત તો માણેક કરતાં પણ વધુ ઊંચી છે.
19. કૂશ દેશનો પોખરાજ પણ તેની બરોબરી કરી શકે નહિ,
શુદ્ધ સોનાથી પણ તેની બરોબરી થાય નહિ.
20. ત્યારે બુદ્ધિ ક્યાંથી આવે છે?
અને સમજશકિતનું સ્થળ ક્યાં છે?
21. કેમ કે દરેક સજીવ વસ્તુથી તે છુપાયેલું છે.
આકાશનાં પક્ષીઓથી પણ તે ગુપ્ત રખાયેલું છે.
22. વિનાશ તથા મૃત્યુ કહે છે,
'અમે અમારા કાનોએ તેની અફવા સાંભળી છે.'
23. ઈશ્વર તેનો માર્ગ જાણે છે,
અને તે તેનું સ્થળ જાણે છે.
24. કેમ કે ધરતીના છેડા સુધી તેમની નજર પહોંચે છે,
આકાશની નીચે તે બધું જોઈ શકે છે.
25. ઈશ્વર પવનનું વજન કરે છે,
હા, તે પાણીને માપથી માપી નાખે છે.
26. જ્યારે તેમણે વરસાદ માટે નિયમ ઠરાવ્યો,
અને મેઘની ગર્જના સાથે વાવાઝોડાનો માર્ગ નક્કી કર્યો,
27. તે વખતે ઈશ્વરે તેને જોયું અને તેનું વર્ણન કર્યું;
તેમણે તેને સ્થાપન કર્યું અને તેને શોધી પણ કાઢ્યું.
28. ઈશ્વરે માણસને કહ્યું,
જુઓ, પ્રભુનો ડર તે જ્ઞાન છે;
દુષ્ટતાથી દૂર રહેવું તે સમજશકિત છે.''' PE
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×