1. હે યહોવાહ, હું તમને વિનંતિ કરું છું; તમે મારી પાસે ઉતાવળથી આવો.
જ્યારે હું તમને પોકારું ત્યારે મારું સાંભળો.
2. મારી પ્રાર્થના તમારી સંમુખ ધૂપ જેવી થાઓ;
મારા ઊંચા થયેલા હાથો સંધ્યાકાળના અર્પણ જેવા થાઓ.
3. હે યહોવાહ, મારા મુખની ચોકી કરો
અને મારા હોઠનું દ્વાર સંભાળો.
4. અન્યાય કરનારાઓની સાથે
હું દુષ્ટ કર્મ કરવામાં સામેલ ન થાઉં તેથી
મારા હૃદયને કોઈ પણ દુષ્ટ વાતને વળગવા ન દો.
તેઓના મિષ્ટાનમાંથી મને ખાવા ન દો.
5. જો કોઈ ન્યાયી માણસ મને ફટકા મારે; તો હું તે કૃપા સમજીશ.
તે મને સુધારે; તો તે મારા માથા પર ચોળેલા તેલ જેવો થશે;
મારું માથું તેનો નકાર નહિ કરે.
પણ દુષ્ટ લોકોનાં કર્મોની વિરુદ્ધ હું પ્રાર્થના કર્યા કરીશ.
6. તેઓના ન્યાયધીશોને પર્વતની ટોચ ઉપરથી પાડી નાખવામાં આવ્યા છે;
તેઓ સાંભળશે કે મારા પોતાના શબ્દો સુખદ છે.
7. તેઓ કહેશે, “જેમ કોઈ જમીન પર લાકડાંને કાપીને ચીરે છે તેમ,
અમારાં હાડકાં કબરના પ્રવેશ આગળ વિખરાયેલાં હતાં.”
8. હે પ્રભુ, યહોવાહ, નિશ્ચે મારી દ્રષ્ટિ તમારા તરફ છે;
હું તમારા પર ભરોસો રાખું છું; મારા આત્માનો નાશ થવા ન દો.
9. તેઓએ મારા માટે ગોઠવેલા ફાંદાથી તથા
દુર્જનોએ ગોઠવેલી જાળમાંથી મને બચાવો.
10. દુષ્ટો પોતાની જાળમાં ફસાઈ જાય,
એટલામાં તો હું બચી જાઉં. PE