Bible Language

Psalms 50 (GUV) Gujarati Old BSI Version

1 આસાફનું ગીત. ઈશ્વર, હા, ઈશ્વર યહોવા બોલ્યા છે, તેમણે સૂર્યના ઉદયથી તે તેના અસ્ત સુધી પૃથ્વીને બોલાવી છે.
2 સિયોન જે સૌન્દર્યની સંપૂર્ણતા છે તેમાંથી ઈશ્વર પ્રકાશ્યા છે.
3 આપણા ઈશ્વર આવશે, તે ચૂપ રહેશે નહિ; તેમની આગળ અગ્નિ બાળી મૂકશે, તેમની આસપાસ તોફાન જાગશે.
4 પોતાના લોકનો ન્યાય કરવા તે ઉપરના આકાશને તથા પૃથ્વીને બોલાવશે;
5 “જેઓએ યજ્ઞથી મારી સાથે કરાર કર્યો છે એવા મારા ભક્તોને મારી પાસે ભેગા કરો.”
6 આકાશો તેમનું ન્યાયીપણું પ્રગટ કરશે, કેમ કે ઈશ્વર પોતે ન્યાયાધીશ છે. (સેલાહ)
7 “હે મારા લોકો, સાંભળો, હું બોલીશ; હે ઇઝરાયલ, સાંભળ, હું તારી વિરુદ્ધ સાક્ષી પૂરીશ; હું ઈશ્વર છું, હા તારો ઈશ્વર છું.
8 તારા યજ્ઞોને લીધે હું તને ઠપકો દઈશ નહિ; અને તારાં દહનીયાર્પણ નિરંતર મારી આગળ થાય છે.
9 હું તારી કોડમાંથી ગોધો, અને તારા વાડાઓમાંથી બકરા લઈશ નહિ.
10 કેમ કે અરણ્યનું દરેક પશુ તથા હજાર ડુંગરો ઉપરનાં જનાવર મારાં છે.
11 હું પર્વતોનાં સર્વ પક્ષીઓને ઓળખું છું; અને જંગલનાં હિંસક પ્રાણીઓ મારાં છે.
12 જો હું ભૂખ્યો હોઉં, તોપણ હું તને કહું નહિ; કેમ કે જગત તથા તેનું સર્વસ્વ મારું છે.
13 શું હું ગોધાઓનું માંસ ખાઉં, અથવા બકરાઓનું રક્ત પીઉં?
14 ઈશ્વરને આભારસ્તુતિનાં અર્પણો ચઢાવ. અને પરાત્પર પ્રત્યે તારી માનતાઓ ઉતાર;
15 સંકટને સમયે મને વિનંતી કર; હું તને છોડાવીશ, અને તું મારો મહિમા પ્રગટ કરશે.”
16 પણ ઈશ્વર દુષ્ટને કહે છે, “તારે મારા વિધિઓ શા માટે પ્રગટ કરવા જોઈએ, તથા મારો કરાર શા માટે તારા મુખમાં લેવો જોઈએ?
17 કેમ કે તું મારી શિખામણનો તિરસ્કાર કરે છે, અને મારા શબ્દો તું તારી પાછળ નાખે છે.
18 તેં ચોર જોયો ત્યારે‍ તેં તેને સંમતિ આપી, અને તું વ્યભિચારીઓનો ભાગીદાર થયો છે.
19 તું ભૂંડાઈને તારું મોઢું સોંપે છે, અને તારી જીભ કપટ રચે છે.
20 તું બેસીને તારા ભાઈની વિરુદ્ધ બોલે છે; તું તારી પોતાની માના દીકરાની બદનક્ષી કરે છે.
21 આવાં કામ તેં કર્યાં છે, અને હું ચૂપ રહ્યો; તેથી તેં ધાર્યું છે કે હું છેક તારા જેવો છું, પણ હું તને ઠપકો આપીશ, અને હું તારાં કામ તારી આંખો આગળ અનુક્રમે ગોઠવીશ.
22 હે ઈશ્વરને વીસરનારા, હવે આનો વિચાર કરો, રખેને હું તમારા ફાડીને ટુકડેટુકડા કરું અને છોડાવનાર કોઈ હોય નહિ;
23 જે ઉપકારસ્તુતિનાં અપર્ણ ચઢાવે છે તે મારો મહિમા પ્રગટ કરે છે; અને જે પોતાની વર્તણૂક નિયમસર રાખે છે, તેને હું ઈશ્વરનું તારણ દેખાડીશ.”