Bible Versions
Bible Books

Psalms 51 (GUV) Gujarati Old BSI Version

1 મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત; બાથ-શેબાની પાસે ગયા પછી તેની પાસે નાથાન પ્રબોધક આવ્યો, તે વખતનું. હે ઈશ્વર, તમારી કૃપા પ્રમાણે મારા પર દયા કરો; તમારી પુષ્કળ રહેમ પ્રમાણે મારાં ઉલ્લંઘન ભૂંસી નાખો.
2 મારા અન્યાયથી મને પૂરો ધૂઓ, અને મારા પાપથી મને શુદ્ધ કરો.
3 કેમ કે મારાં ઉલ્લંઘન હું જાણું છું, અને મારું પાપ નિત્ય મારી આગળ છે.
4 તમારી, હા, તમારી વિરુદ્ધ મેં પાપ કર્યું છે, અને જે તમારી દષ્ટિમાં ભૂંડું છે તે મેં કર્યું છે; તેથી જ્યારે તમે બોલો ત્યારે તમે ન્યાયી ઠરો, અને તમે ન્યાય કરો ત્યારે તમે નિર્દોષ ઠરો.
5 હું અન્યાયીપણામાં જન્‍મ્યો, અને મારી માએ પાપમાં મારો ગર્ભ ધર્યો હતો.
6 તમે અંત:કરણથની સત્યતા માગો છો; અને મારા હ્રદયને તમે જ્ઞાન શીખવશો.
7 ઝૂફાથી મને ધોજો એટલે હું શુદ્ધ થઈશ; મને નવડાવો, તો હું હિમ કરતાં ધોળો થઈશ.
8 મને હર્ષ તથા આનંદ સંભળાવો; એટલે જે હાડકાં તમે ભાંગ્યાં છે તેઓ આનંદ કરે.
9 મારાં પાપ તરફ નજર કરો; મારા સર્વ અન્યાય ભૂંસી નાખો.
10 હે ઈશ્વર, મારામાં શુદ્ધ હ્રદય ઉત્પન્ન કરો; અને મારા આત્માને નવો અને દઢ કરો.
11 તમારી સંમુખથી મને કાઢી મૂકતા નહિ; અને તમારો પવિત્ર આત્મા મારી પાસેથી લઈ લેતા નહિ.
12 તમારા તારણનો હર્ષ મને પાછો આપો; અને ઉદાર આત્માએ કરીને મને નિભાવી રાખો.
13 ત્યારે હું ઉલ્લંઘન કરનારાઓને તમારા માર્ગ શીખવીશ; અને પાપીઓ તમારી તરફ ફરશે.
14 હે ઈશ્વર, મારા તારણના ઈશ્વર, ખૂનના દોષથી મને મુક્ત કરો; એટલે મારી જીભ તમારા ન્યાયીપણા વિષે મોટેથી ગાશે.
15 હે પ્રભુ, તમે મારા હોઠ ઉઘાડો; એટલે મારું મુખ તમારી સ્તુતિ પ્રગટ કરશે.
16 કેમ કે તમે યજ્ઞથી રીઝતા નથી, નહિ તો હું તે અર્પણ કરત; તમે દહનીયાર્પણથી આનંદ પામતા નથી.
17 ઈશ્વરના યજ્ઞો તો રાંક મન છે; હે ઈશ્વર, તમે રાંક અને નમ્ર હ્રદયને ધિક્કારશો નહિ.
18 તમે કૃપા કરીને સિયોનનું કલ્યાણ કરો; યરુશાલેમના કોટોને ફરી બાંધો.
19 ત્યારે ન્યાયીપણાના યજ્ઞોથી, દહનીયાર્પણ તથા સકળ દહનીયાર્પણથી તમે આનંદ પામશો; ત્યારે તેઓ તમારી વેદી પર ગોધાઓનું અર્પણ કરશે.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×