Bible Versions
Bible Books

Job 17 (GUV) Gujarati Old BSI Version

1 મારો દમ ક્ષીણ થયો છે, મારું આયુષ્ય સમાપ્ત થયું છે, મારે માટે કબર તૈયાર છે.
2 ખરેખર મારી પાસે તો ઠઠ્ઠાખોરો છે, અને તેમની ખિજવણી પર મારી નજર સતત રહે છે.
3 હવે કોલ આપો, અને મારા જામીન તમે થાઓ; મને કોણ તાળી આપશે?
4 કેમ કે તમે તેઓના હ્રદયને સમજણ પડવા દેતા નથી; માટે તમે તેઓને ઉચ્ચ પદવીએ ચઢાવશો નહિ.
5 જે લાંચ ખાઈને પોતાના મિત્રોની નિંદા કરે છે, તેનાં છોકરાંની આંખો પણ ક્ષીણ થશે.
6 તેમણે મને લોકોની કહાણીરૂપ બનાવ્યો છે; હું તેઓના ખુલ્લા ધિક્કારને પાત્ર થયો છું.
7 શોકથી મારી આંખો ઝાંખી થઈ છે, અને મારા બધા અવયવો આભાસરૂપ થયા છે.
8 સદાચારી માણસો એથી વિસ્મય પામશે. અને નિર્દોષ જનો અધર્મીની વિરુદ્ધ ઉશ્કેરાશે.
9 તોપણ નેક પુરુષ પોતાના માર્ગમાં ટકી રહેશે, અને શુદ્ધ હાથવાળો અધિકાધિક બળવાન થતો જશે.
10 પણ તમે બધા પાછા વળીને આવો, જોઈએ તો ખરા; મને તો તમારામાં એકે બુદ્ધિમાન પુરુષ જણાતો નથી.
11 મારું આયુષ્ય વીતી ગયું છે, મારી યોજનાઓ નિષ્ફળ થઈ છે. મારા હ્રદયના વિચારો પણ વ્યર્થ ગયા છે.
12 તેઓ રાતનો દિવસ બનાવે છે. તેઓ કહે છે કે અંધકાર હવે જતો રહેશે; અજવાળું પાસે છે.
13 જો શેઓલ મારું ઘર થશે એવી મેં આશા રાખી હોય; જો મેં અંધારામાં મારો પલંગ બિછાવ્યો હોય;
14 જો મેં કોહવાણને એમ કહ્યું હોય કે, તું મારો પિતા છે; અને કીડાને એમ કહ્યું હોય કે, તું મારી મા તથા મારી બહેન છે;
15 તો પછી મારી આશા ક્યાં રહી? અને મારી આબાદીને કોણ જોશે?
16 તે શેઓલની ભૂંગળો સુધી ઊતરી જશે, ત્યાં ગયા પછી ધૂળમાં આરામ મળશે.”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×