Bible Versions
Bible Books

2 Kings 6:18 (GUV) Gujarati Old BSI Version

1 પ્રબોધકોના પુત્રોએ એલિશાને કહ્યું, “હવે જો, જે જગામાં અમે તારી આગળ રહીએ છીએ તે અમને સાંકડી પડે છે.
2 કૃપા કરીને અમને યર્દન આગળ જવા દઈને ત્યાંથી અમ દરેક જણને અકેક મોભ કાપી લેવા દો, ને ત્યાં અમારે માટે રહેવાની જગા કરવા દો.” એલિશાએ ઉત્તર આપ્યો, “જાઓ.”
3 અને કોઈએકે કહ્યું, “કૃપા કરીને રાજી થઈને તમારા દાસો સાથે ચાલો.” એલિશાએ ઉત્તર આપ્યો, “હું આવીશ.”
4 પછી તે તેમની સાથે ગયો. તેઓએ યર્દન પહોંચીને લાકડાં કાપવા માંડ્યાં.
5 પણ એક જણ મોભ કાપતો હતો તેવામાં તેની કુહાડી પાણીમાં પડી ગઈ. તેણે બૂમ પાડીને કહ્યું, હે મારા ગુરુજી, અફસોસ! કેમ કે તો માગી લાવેલી હતી.”
6 ત્યારે ઈશ્વરભક્તે પૂછ્યું, “તે કયાં પડી છે?” અને તેણે તે જગા બતાવી. એટલે એલિશાએ એક લાકડું કાપીને ત્યાં પાણીમાં નાખ્યું, એટલે તે લોઢું તરી આવ્યું.
7 તેને કહ્યું, “તે ઊંચકી લે.” એટલે તેણે પોતાનો હાથ લંબાવીને તે લઈ લીધું.
8 હવે અરામના રાજાએ ઇઝરાયલ સામે યુદ્ધ કર્યું. તેણે પોતાના ચાકરોની સલાહ લઈને કહ્યું, “મારી છાવણી ફલાણી ફલાણી જગાએ થશે.”
9 અને ઈશ્વરભક્તે ઇઝરાયલના રાજા પાસે માણસ મોકલીને કહાવ્યું, “ખબરદાર, ફલાણી જગાએ થઈને જતો ના; કેમ કે ત્યાં અરામીઓ આવવાના છે.”
10 અને જે સ્થળ વિષે ઈશ્વરભક્તે ઇઝરાયલના રાજાને કહાવીને તેને ચેતવણી આપી હતી ત્યાં માણસ મોકલીને ઇઝરાયલનો રાજા બચવા પામ્યો. એક બે વાર બચવા પામ્યો એમ નહિ.
11 અરામના રાજાનું મન વાતને લીધે બહુ ગભરાયું. અને તેણે પોતાના ચાકરોને બોલાવીને તેમને પૂછ્યું, “આપણામાંથી ઇઝરાયલના રાજાના પક્ષનો કોણ છે, તમે મને નહિ બતાવો?”
12 તેના ચાકરોમાંના એકે કહ્યું, “હે મારા મુરબ્બી રાજા, એમ નથી; પણ જે વચનો તમે તમારા શયનગૃહમાં બોલો છો, તે ઇઝરાયલમાંનો પ્રબોધક એલિશા ઇઝરાયલના રાજાને કહી દે છે.”
13 રાજાએ કહ્યું, “જઈને જુઓ કે, તે પ્રબોધક ક્યાં છે કે, હું માણસ મોકલીને તેને પકડી મંગાવું.” અને તેને એવી ખબર મળી કે, જો, તે દોથાનમાં છે.
14 માટે તેણે ઘોડા, રથો તથા મોટું સૈન્ય ત્યાં મોકલ્યું. અને તેઓએ ત્યાં રાત્રે જઈને નગરને આસપાસથી ઘેરી લીધું.
15 ઈશ્વરભક્તનો ચાકર વહેલો ઊઠીને બહાર ગયો, તો જુઓ, સેનાએ ઘોડા તથા રથો સહિત નગરને ઘેરી લીધેલું હતું. ચાકરે એલિશાને કહ્યું, “હાય હાય, મારા શેઠ! આપણે શું કરીશું?”
16 તેણે ઉત્તર આપ્યો, “બીતો નહિ; કેમ કે જેઓ આપણી સાથે છે તેઓ તેમની સાથે જેઓ છે તેઓના કરતાં વિશેષ છે.”
17 પછી એલિશાએ પ્રાર્થના કરી, “હે યહોવા, કૃપા કરીને એની આંખો ઉઘાડ કે જુએ.” ત્યારે યહોવાએ તે જુવાનની આંખો ઉઘાડી. અને તેણે જોયું, તો જુઓ, એલિશાની આસપાસ અગ્નિઘોડાઓથી તથા અગ્નિરથોથી પર્વત ભરાઈ ગયો હતો.
18 અને તે દુશ્મનો એલિશાની પાસે આવ્યા, ત્યારે એલિશાએ યહોવાની પ્રાર્થના કરી, “કૃપા કરીને લોકને આંધળા કરી નાખો.” અને યહોવાએ એલિશાના કહેવા પ્રમાણે તેમને આંધળા કરી નાખ્યા.
19 પછી એલિશાએ તેમને કહ્યું, “તે માર્ગ નહિ, ને તે નગર પણ નહિ; મારી પાછળ ચાલો, એટલે જે માણસને તમે શોધો છો તેની પાસે હું તમને લઈ જઈશ.” પછી તે તેમને સમરુન લઈ ગયો.
20 તેઓ સમરુનમાં પહોંચ્યા ત્યારે એમ થયું કે એલિશાએ કહ્યું, “હે યહોવા, માણસોની આંખો ઉઘાડો કે, તેઓ જુએ.” એટલે યહોવાએ તેઓની આંખો ઉઘાડી. તેઓએ જોયું કે, અમે તો સમરુનમાં આવેલા છીએ.
21 ઇઝરાયલના રાજાએ તેમને જોઈને એલિશાને કહ્યું, “હે મારા પિતાજી, હું તેમને મારું? હું તેમને મારું?”
22 તેણે ઉત્તર આપ્યો, “તમારે તેમને મારવા નહિ; જેમને તમે તમારી તરવારી તથા તમારા ધનુષ્યથી કબજે કર્યા છે, તેમને શું તમે મારશો? તેમની આગળ રોટલી ને પાણી મૂકો કે, તેઓ ખાઈપીને પોતાના ધણી પાસે પાછા જાય.”
23 અને તેણે તેમને માટે મોટું ખાણું તૈયાર કર્યું. તેઓ ખાઈપી રહ્યા ત્યારે રાજાએ તેઓને વિદાય કર્યા, ને તેઓ પોતાના ધણીની પાસે પાછા ગયા. ત્યાર પછી અરામના સૈન્યો ઇઝરાયલ દેશમાં આવ્યાં નહિ.
24 ત્યાર પછી એમ થયું કે અરામના રાજા બેન-હદાદે પોતાનું બધું સૈન્ય એકત્ર કર્યું, ને ચઢી આવીને સમરુનને ઘેરી લીધું.
25 સમરુનમાં ભારે દુકાળ પડ્યો, અને જુઓ, ગધેડાનું માથું રૂપાના એંશી શેકેલ, ને પા માપ કબૂતરની અઘાર રૂપાના પાંચ શેકેલ વેચાવા લાગી, ત્યાં સુધી તેઓએ તેને ઘેરી રાખ્યું હતું.
26 ઇઝરાયલનો રાજા કોટ પર ચાલ્યો જતો હતો, ત્યારે કોઈએક સ્ત્રીએ હાંક મારીને તેને કહ્યું, “હે મારા મુરબ્બી રાજા, સહાય કરો.
27 તેણે કહ્યું, “જો યહોવા તને સહાય કરે, તો હું ક્યાંથી તને સહાય કરું? ખળીમાંથી કે, દ્રાક્ષાકુંડમાંથી?”
28 પછી રાજાએ તેને પૂછયું, “તને શું દુ:ખ છે?” તેણે ઉત્તર આપ્યો, “આ સ્ત્રીએ મને કહ્યું હતું કે, તારો દીકરો આપ કે, આજે આપણે તેને ખાઈએ, ને કાલે આપણે મારો દીકરો ખાઈશું.
29 માટે અમે મારો દીકરો રાંધીને ખાધો. અને બીજે દિવસે મેં તેને કહ્યું કે, તારો દીકરો આપ કે, આપણે તેને ખાઈએ. પણ તેણે પોતાના દીકરાને સંતાડી દીધો છે.”
30 રાજાએ તે સ્ત્રીના શબ્દો સાંભળ્યા, ત્યારે તેણે પોતાનાં વસ્ત્ર ફાડ્યાં; (હવે તે કોટ પર ચાલ્યો જતો હતો;) અને લોકોએ જોયું, તો તેના અંગ પર અંદર તેણે ટાટ પહેરેલું હતું.
31 પછી તેણે કહ્યું, “જો શાફાટના દીકરા એલિશાનું માથું તેના ધડ પર આજે રહે, તો યહોવા મને એવું ને કરતાં પણ વધારે વિતાડો.”
32 એલિશા પોતાના ઘરમાં બેઠો હતો, ને વડીલો તેની પાસે બેઠા હતા; રાજાએ પોતાની હજૂરમાંથી એક માણસ મોકલ્યો; પણ તે સંદેશિયો તેની પાસે આવી પહોંચ્યો તે પહેલાં તો તેણે વડીલોને કહ્યું, “મારું માથું કાપી નાખવા કેવો ખૂનીના દીકરાએ માણસ મોકલ્યો છે, તે તમે જુઓ છો? જુઓ, તે સંદેશિયો આવે ત્યારે તેને બહાર રાખીને કમાડ સંભાળીને વાસી રાખજો. શું તેના ધણીના પગનો અવાજ તેની પાછળ નથી સંભળાતો?”
33 તે હજી તો તેમની સાથે વાત કરતો હતો, એટલામાં જુઓ, સંદેશિયો તેની પાસે આવી પહોંચ્યો, અને તેણે કહ્યું, “જુઓ, આપત્તિ તો યહોવા તરફથી છે; યહોવાની વાટ હું હવે પછી શા માટે જોઉં?
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×