Bible Versions
Bible Books

Ezra 4 (GUV) Gujarati Old BSI Version

1 હવે યહૂદિયાના તથા બિન્યામીનના શત્રુઓએ સાંભળ્યું કે, બંદીવાસમાંથી છૂટેલા લોકો ઇઝરાયલના ઈશ્વર યહોવાને માટે મંદિર બાંધવા લાગ્યા છે.
2 ત્યારે તેઓએ ઝરુબ્બાબેલ તથા પિતૃઓનાં કુટુંબોના વડીલો પાસે આવીને તેઓને કહ્યું, “અમને તમારી સાથે બાંધવાના કામમાં સામેલ થવા દો, કેમ કે તમારી માફક અમે પણ તમારા ઈશ્વરના ઉપાસક છીએ. અને આશૂરનો રાજા એસાર-હાદોન જે અમને અહીં લઈ આવ્યો, તેના સમયથી અમે એની આગળ યજ્ઞ કરતાં આવ્યા છીએ.”
3 પણ ઝરુબ્બાબેલે, યેશૂઆએ તથા ઇઝરાયલના પિતૃઓનાં કુટુંબોનાં વડીલોમાંના બાકીનાઓએ તેઓને કહ્યું, “અમારા ઈશ્વરને માટે મંદિર બાંધવામાં અમારી સાથે તમારે કંઈ લાગતુંવળગતું નથી; પણ ઇરાનના રાજા કોરેશે અમને આજ્ઞા આપી છે તેમ, અમે પોતે એકત્ર થઈને ઇઝરાયલના ઈશ્વર યહવાને માટે બાંધકામ કરીશું.”
4 દેશના લોકોએ બાંધકામમાં આડે આવીને યહૂદિયાના લોકોને હેરાન કર્યા.
5 તેઓનો ઇરાદો નિષ્ફળ કરવા માટે, ઇરાનના રાજા કોરેશની કારકિર્દી પર્યંત તથા ઇરાનના રાજા દર્યાવેશના રાજય સુધી, તેઓએ પૈસા આપીને તેઓની વિરુદ્ધ ભાડૂતી માણસો રાખ્યા.
6 અહાશ્વેરોશના રાજ્યના પ્રારંભમાં, તેઓએ યહૂદિયા તથા યરુશાલેમના રહેવાસીઓ ઉપર તહોમત મૂકીને તેઓની વિરુદ્ધ એક કાગળ લખ્યો.
7 વળી આર્તાહશાસ્તાના સમયમાં, બિશ્લામે, મિથ્રદાથ, તાબેલે તથા તેના બીજા સંગાથીઓએ ઇરાનના રાજા આર્તાહશાસ્તા ઉપર એક કાગળ અરામી લિપિમાં લખ્યો, ને તેનો અર્થ અરામી ભાષામાં દર્શાવેલો હતો.
8 ન્યાયખાતાના વડા અમલદાર રહૂમે તથા ચિટનીસ શિમ્શાયે યરુશાલેમ વિરુદ્ધ આર્તાહશાસ્તા રાજા ઉપર પત્ર લખ્યો.
9 ન્યાયખાતાનો વડો અમલદાર રહૂમ, ચિટનીસ શિમ્શાય, તથા તેના બીજા સંગાથીઓ; દીનાયેઓ, અફાર્સાથ્ખાયેઓ, ટાર્પેલાયેઓ, અફાર્સાયેઓ, આર્કવાયેઓ, બાબલાયેઓ, શૂશાન્ખાયેઓ, દેહાયેઓ, એલમયેઓ;
10 અને બાકીની પ્રજાઓ, જેઓને મોટા તથા ખાનદાન ઓસ્નાપ્પારે લાવીને સમરુન નગરમાં, તથા નદી પારના બાકીના દેશમાં વસાવ્યા હતા, તે સર્વ તે પત્ર લખવામાં સામેલ હતા.
11 તેઓએ આર્તાહશાસ્તા રાજા ઉપર જે પત્ર લખ્યો તેની નકલ નીચે પ્રમાણે છે: નદી પારના આપના સેવકો, વગેરે.
12 આપને વિદિત થાય કે, જે યહૂદિયો આપની પાસેથી છૂટીને અમારી પાસે યરુશાલેમમાં આવ્યા છે, તેઓ તો બંખોર ને બેવફા નગર બાંધે છે, ને પાયા સમારીને કોટ પૂરા કર્યા છે.
13 તો હવે આપને વિદિત થાય કે, જો નગર બંધાશે અને એને એના કોટ પૂરા થશે, તો તેઓ ખંડણી, કર કે, જકાત આપશે નહિ, તેથી આખરે રાજ્યની પદાશમાં ઘટાડો થશે.
14 અમે આપનું લૂણ ખાઈએ છીએ, માટે આપનું અપમાન જોવું અમને યોગ્ય નથી, માટે અમે સંદેશો મોકલીને આપને ખબર આપી છે;
15 જેથી આપના પૂર્વજોના લેખોનાં પુસ્તકોમાં શોધ કરવામાં આવે, તો તે ઉપરથી આપને માલૂમ પડશે કે નગર તો બંડખોર, તથા રાજાઓને તથા દેશોને ઉપદ્રવ કરનારું છે, પુરાતન કાળથી એમાં તેઓ તોફાન કરતાં આવ્યાં છે; અને કારણને લીધે નગર પાયમાલ થયું હતું.
16 અમે તો આપને જણાવીએ છીએ કે જો નગર બંધાઈ જશે ને એના કોટ પૂરા થશે, તો નદીપાર આપની કંઈ પણ હકૂમત રહેશે નહિ.”
17 ત્યારે રાજાએ ન્યાયખાતાના વડા અમલદાર રહૂમને, ચિટનીસ શિમ્શાયને તથા તેઓના બીજા સંગાથીઓ, જેઓ સમરુનમાં તથા નદી પારના બાકીના દેશમાં રહેતા હતા, તેઓને પ્રત્યુત્તર મોકલ્યો કે, ક્ષેમકુશળ, વગેરે.
18 “જે પત્ર તમે અહીં અમારા પર મોકલ્યો, તે અમારી સંમુખ સ્પષ્ટ રીતે વાંચી સંભળાવવાંમાં આવ્યો છે,
19 અને અમારા હુકમથી તજવીજ કરતાં માલૂમ પડ્યું છે કે, નગર પુરાતન કાળથી રાજાઓની વિરુદ્ધ બંડ કરતું આવ્યું છે, અને એમાં બંડ તથા તોફાન થતાં રહ્યાં છે.
20 યરુશાલેમમાંના પરાક્રમી રાજાઓ જેઓને નદી પારના આખા દેશ પર હકૂમત‍ ચલાવી છે, તેમને લોકો ખંડણી, કર તથા જકાત આપતા હતા.
21 માટે હવે તમારે એવો હુકમ ફરમાવવો જોઈએ કે, લોકોનું કામ બંધ થાય, અને મારી બીજી આજ્ઞા થતાં સુધી નગર બંધાય.
22 સાવધાન રહો, રખેને તમારી ગફલતથી ઉપદ્રવ વધીને રાજ્યને નુકસાન થાય, એવું શા માટે થવું જોઈએ?”
23 જ્યારે રહૂમ તથા ચિટનીસ શિમ્શાય તથા તેઓના સંગાથીઓની આગળ આર્તાહશાસ્તા રાજાનો પત્ર વાંચવામાં આવ્યો, ત્યારે તેઓએ ઉતાવળે યરુશાલેમ આવીને યહૂદીઓને જોરજુલમથી અટકાવ્યા.
24 યરુશાલેમમાંના ઈશ્વરના મંદિરનું કામ અટક્યું, અને ઇરાનના રાજા દર્યાવેશના રાજ્યના બીજા વર્ષ સુધી તે બંધ રહ્યું.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×