Bible Versions
Bible Books

Zechariah 6:10 (GUV) Gujarati Old BSI Version

1 ફરીથી મેં મારી નજર ઊંચી કરીને જોયું, તો બે પર્વતો વચ્ચેથી ચાર રથ નીકળી આવેલા જોયા; તે પર્વતો પિત્તળના પર્વતો હતા.
2 પહેલે રથે રાતા ઘોડા, અને બીજે રથે કાળા ઘોડા,
3 ત્રીજે રથે ધોળા ઘોડા, અને ચોથે રથે કાબરચીતરા મજબૂત ઘોડા હતા.
4 ત્યારે મેં મારી સાથે વાત કરનાર દૂતને પૂછયું, “હે મારા મુરબ્બી, તેઓ શું છે?”
5 એટલે તે દૂતે મને ઉત્તર આપ્યો, “એ તો આકાશના ચાર વાયુ છે, જેઓ આખી પૃથ્વીના પ્રભુની હજૂરમાં હાજરી આપીને ચાલ્યા જાય છે.”
6 કાળા ઘોડાઓવાળો રથ ઉત્તર પ્રદેશ તરફ ચાલ્યો જાય છે, અને ધોળા તેમની પાછળ ચાલ્યા ગયા; અને કાબરા દક્ષિણ પ્રદેશ તરફ ચાલ્યા ગયા.
7 વળી રાતા બહાર આવ્યા, તેમણે પૃથ્વી પર સર્વત્ર ફરતા ફરવાની ઈચ્છા બતાવી. એટલે તેણે કહ્યું, “જાઓ, ને પૃથ્વી પર સર્વત્ર ફરતા ફરો.” માટે તેઓ પૃથ્વી પર સર્વત્ર ફરતા ફર્યા.
8 પછી તેણે હાંક મારીને મને કહ્યું, “જો, ઉત્તર પ્રદેશ તરફ જનારાઓએ ઉત્તર પ્રદેશમાં મારા આત્માને શાંત પાડયો છે.”
9 પછી યહોવાનું વચન મારી પાસે આવ્યું,
10 “ગુલામગીરીમાં થી પાછા આવેલા પાસે થી, એટલે હેલદાઈ, ટોબિયા તથા યદાયા પાસેથી જે સોનુંરૂપું તેઓ લાવ્યા છે તે તું લે, અને તે જે દિવસે જઈને સફાન્યાના દિકરા યોશિયાને ઘેર જા, કેમ કે તેઓ બાબિલથી આવીને ત્યાં ઊતર્યા છે.
11 હા, તેમની પાસેથી રૂપું તથા સોનું લઈને અને તેનો મુગટ બનાવીને પ્રમુખ યાજક યહોસાદાકના દીકરા યહોશુઆને માથે મૂક.
12 અને તેને કહે કે, સૈન્યોના ઇશ્વર યહોવા કહે છે, ‘જો, અંકુર નામનો પુરુષ! તે પોતાના સ્થાનમાંથી ઊગી નીકળશે, ને તે યહોવાનું મંદિર બાંધશે;
13 હા, તે યહોવાનું મંદિર બાંધશે, તે પ્રતાપી થશે, અને તે પોતાના રાજ્યાસન પર બેસીને રાજ કરેશ; અને તેના રાજ્યાસન પર યાજક બેસશે; અને તે બન્ને સાથે રહીને સલાહશાંતિ જાળવી રાખશે.
14 વળી હેલદાઈ, ટોબિયા, યદાય તથા સફાન્યાન દીકરા હેનન સ્મારક તરીકે યહોવાના મંદિરમાં મુગટો રાખવામાં આવશે.’
15 જેઓ ઘણે દૂર છે તેઓ આવીને યહોવાના મંદિરમાં બાંધકામ કરશે, ત્યારે તમે જાણશો કે સૈન્યોના ઇશ્વર યહોવાએ મને તમારી પાસે મોકલ્યો છે. જો તમે તમારા ઈશ્વર યહોવાની વાણી ખંતથી સાંભળશો તો ફળીભૂત થશે.”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×