1. તને અફસોસ છે! વિનાશ કરનારનો વિનાશ થયો નથી!
તું ઠગાઈ કરે છે, પણ તેઓએ તારી સાથે ઠગાઈ કરી નહિ, તને અફસોસ!
તું વિનાશ કરવાનું બંધ કરીશ ત્યારે તારો વિનાશ થશે.
તું ઠગાઈ કરવી બંધ કરીશ, ત્યારે તેઓ તારી સાથે ઠગાઈ કરશે.
2. હે યહોવાહ, અમારા પર કૃપા કરો, અમે તમારી વાટ જોયા કરીએ છીએ;
દર સવારે તમે અમારો ભુજ અને દુઃખના સમયે અમારા ઉધ્ધારનાર થાઓ.
3. ભારે અવાજથી લોકો નાસે છે; જ્યારે તમે ઊઠ્યા ત્યારે વિદેશીઓ વિખેરાયા છે.
4. જેમ માણસો કાતરા એકઠા કરે છે તેમ તમારી લૂંટ એકઠી કરવામાં આવશે; તીડો ધસી આવે છે તે પ્રમાણે તેઓ તે પર ધસી આવશે.
5. યહોવાહ મોટા મનાયા છે; તે ઉચ્ચસ્થાનમાં રહે છે. તે સિયોનને ઇનસાફ અને ન્યાયથી ભરે છે.
6. તે તારા સમયમાં સ્થિર થશે,
ઉધ્ધાર, ડહાપણ અને ડહાપણનો ભંડાર; યહોવાહનો ભય તે જ તેનો ખજાનો છે.
7. જુઓ, તેઓના શૂરવીરો બહારથી વિલાપ કરે છે; સલાહ કરનારા અને શાંતિની આશા રાખનારા પોક મૂકીને રડે છે.
8. માર્ગો ઉજ્જડ થયા છે; વટેમાર્ગુ બંધ થયા છે.
કરાર તોડવામાં આવ્યો છે, સાક્ષીને ધિક્કાર્યા છે અને નગરો આદર વિનાનાં થઈ ગયાં છે.
9. દેશ વિલાપ કરે છે અને સુકાઈ જાય છે; લબાનોન લજ્જિત થઈને સંકોચાઈ જાય છે;
શારોન ઉજ્જડ જંગલ જેવો થયો છે; અને બાશાન તથા કાર્મેલ પોતાનાં પાંદડાં ખેરવી નાખે છે.
10. યહોવાહ કહે છે, “હવે હું ઊઠીશ;” હમણાં હું પોતાને ઊંચો કરીશ; હમણાં હું મોટો મનાઈશ.
11. તમે ફોતરાંનો ગર્ભ ધરશો અને ખૂંપરાને જન્મ આપશો; તમારો શ્વાસ તમને બાળી નાખનાર અગ્નિ જેવો છે.
12. લોકો ભઠ્ઠીમાં ચૂના જેવા, અગ્નિમાં બાળી નાખેલા અને કાપેલા કાંટા જેવા થશે.
13. તમે જેઓ દૂર છો તેઓ, મેં જે કર્યું છે તે સાંભળો; અને તમે પાસે રહેનારાઓ, મારું પરાક્રમ જાણો.
14. સિયોનમાં પાપીઓ ભયભીત થયા છે, અધર્મીઓને ધ્રૂજારી ચઢી છે.
આપણામાંનો કોણ બાળી નાખનાર અગ્નિ સાથે વાસો કરશે? આપણામાંનો કોણ સદા બળતી આગ સાથે વાસો કરશે?
15. જે ન્યાયને માર્ગે ચાલે છે અને સત્ય બોલે છે; જે જુલમની કમાઈને ધિક્કારે છે,
જે લાંચ લેવાનો ઇનકાર કરે છે, જે ગુનો કરવાની યોજના કરતો નથી,
અને જે ભૂંડું ન જોવા માટે પોતાની આંખ મીંચી દે છે, તે જ વાસો કરશે.
16. તે ઉચ્ચસ્થાનને પોતાનું રહેઠાણ બનાવશે;
ખડકોના કિલ્લા તેનો આશ્રય થશે; તેને નિશ્ચે ખોરાક અને પાણી મળતાં રહેશે.
17. તારી આંખો રાજાને તેના સૌંદર્યમાં જોશે; તેઓ વિશાળ દેશને જોશે.
18. તારા હૃદયમાં વીતી ગયેલા ભય વિષે વિચાર આવશે; ખંડણી લેનાર ક્યાં છે? તોલનાર ક્યાં છે? બુરજોની ગણના કરનાર ક્યાં છે?
19. જે લોકોની બોલી કળી શકાય નહિ એવી ગૂઢ છે, જેઓની ભાષા સમજાય નહિ એવી છે, તે ક્રૂર લોકોને તું ફરી જોશે નહિ.
20. સિયોન જે આપણા પર્વોનું નગર છે તેને જો;
તારી આંખો યરુશાલેમને વિશ્રામના નિવાસસ્થાન જેવું, જેનો તંબુ ઉખેડવામાં આવશે નહિ,
જેની મેખો સર્વકાળ માટે કઢાશે નહિ અને જેની દોરીઓ તૂટશે નહિ, તેવા તંબુ જેવું થયેલું જોશે.
21. ત્યાં તો યહોવાહ જે પરાક્રમી છે તે પહોળી નદીઓ અને નાળાને સ્થાને આપણી સાથે હશે.
શત્રુની હલેસાવાળી નાવ તેમાં જનાર નથી અને મોટાં વહાણો તેમાં પસાર થવાનાં નથી.
22. કેમ કે યહોવાહ આપણા ન્યાયાધીશ, યહોવાહ આપણા નિયમ આપનાર, યહોવાહ આપણા રાજા છે; તે આપણને બચાવશે.
23. શત્રુના વહાણનાં દોરડાં ઢીલાં પડી ગયા છે; તેઓ કૂવાથંભ બરાબર સજ્જડ રાખી શક્યા નહિ; તેઓ સઢ પ્રસારી શક્યા નહિ;
ત્યારે લૂંટફાટમાં લૂંટ પુષ્કળ વહેંચાય; જે લંગડા હતા તેઓને પણ લૂંટ મળી.
24. હું માંદો છું, એવું કોઈ પણ રહેવાસી કહેશે નહિ; તેમાં વસનાર લોકોની દુષ્ટતા માફ કરવામાં આવશે. PE