Bible Versions
Bible Books

Proverbs 11 (IRVGU) Indian Revised Version - Gujarati

1 ખોટાં ત્રાજવાં યહોવાહને કંટાળારૂપ છે,
પણ સાચા વજનથી તેમને આનંદ થાય છે.
2 અહંકાર આવે છે ત્યારે અપમાન પણ આવે છે,
પણ નમ્ર જનો પાસે ડહાપણ હોય છે.
3 પ્રામાણિક માણસની વિશ્વાનીયતા તેને દોરે છે,
પણ ધુતારા પોતાના દુષ્ટ ઇરાદાઓથી નાશ પામશે.
4 કોપને દિવસે દ્રવ્ય કંઈ કામ આવતું નથી,
પણ નેકી મોતથી ઉગારે છે.
5 પ્રામાણિક માણસની નેકી તેનો માર્ગ સ્થિર કરે છે,
પણ દુષ્ટ માણસ પોતાની દુષ્ટતાથી પાયમાલ થશે.
6 પ્રામાણિક માણસની નેકી, ઈશ્વરને પસંદ છે તેથી તે બચી જશે,
પરંતુ કપટ કરનારા તેઓની પોતાની યોજનાઓમાં ફસાય છે.
7 દુષ્ટ માણસની અપેક્ષા તેના મૃત્યુ સમયે નાશ પામે છે,
અને અન્યાયીની આશા પણ નાશ પામે છે.
8 સદાચારીને સંકટમાંથી ઉગારી લેવામાં આવે છે
અને તેને બદલે દુષ્ટો તેમાં ફસાય છે.
9 દુષ્ટ માણસ પોતાની વાણીથી પોતાના પડોશીઓનો નાશ કરે છે,
પરંતુ ન્યાયી તેના ડહાપણ વડે બીજાઓને ઉગારે છે.
10 ન્યાયી વ્યક્તિની સફળતામાં આખું નગર હર્ષ કરે છે;
અને દુષ્ટોનો નાશ થાય છે ત્યારે હર્ષના નાદ સંભળાય છે.
11 સદાચારીના આશીર્વાદથી નગરની ઉન્નતિ થાય છે,
પણ દુરાચારીની વાણીથી તેનો નાશ થાય છે.
12 પોતાના પડોશીનો તુચ્છકાર કરનાર અજ્ઞાની છે,
પણ બુદ્ધિમાન માણસ શાંત રહે છે.
13 ચાડી કરનાર માણસ છૂપી વાત બહાર પાડી દે છે,
પણ વિશ્વાસુ વ્યક્તિ વાતને ગુપ્ત રાખે છે.
14 જ્યાં આગેવાન અજ્ઞાન હોય, ત્યાં લોકો નાશ પામે છે,
પણ જ્યાં પુષ્કળ સલાહકારો હોય ત્યાં સલામતી છે.
15 પારકાના જામીન થનારને વેઠવું પડે છે,
જે જામીનગીરી લેવાનું ટાળે છે તે સુરક્ષિત છે.
16 સુશીલ સ્ત્રી આબરુને સાચવી રાખે છે;
અને જુલમી માણસો દ્રવ્ય સાચવી રાખે છે.
17 દયાળુ માણસ પોતાની જાતનું હિત કરે છે,
પણ ઘાતકી માણસ પોતાના દેહને દુ:ખમાં નાખે છે.
18 દુષ્ટની કમાણી ઠગારી છે,
પણ નીતિમત્તાનું બીજ વાવનારને સાચો હોવા બદલ વળતર મળશે.
19 જે માણસ નેકીમાં સુદ્રઢ છે તે જીવન સંપાદન કરે છે,
પણ બૂરાઈ શોધનાર પોતાનું મોત લાવે છે.
20 વિપરીત અંતઃકરણવાળા માણસોથી યહોવાહ કંટાળે છે,
પણ જેઓ નીતિમત્તાથી જીવે છે તેઓ તેમને આનંદરૂપ છે.
21 ખાતરી રાખજો કે દુષ્ટને સજા થયા વિના રહેશે નહિ,
પણ સદાચારીઓનાં સંતાનનો બચાવ થશે.
22 જેમ ભૂંડના નાકમાં સોનાની નથણી હોય છે
તેમ વિવેકહીન સ્ત્રીની સુંદરતા છે.
23 નેક માણસની ઇચ્છા સારી હોય છે,
પરંતુ દુષ્ટોની ઇચ્છાઓ કોપરૂપ છે.
24 એવા માણસો છે કે જેઓ વેરી નાખે છે તેમ છતાં વૃદ્ધિ પામે છે;
અને કેટલાક વધુ પડતી કરકસર કરે છે તેમ છતાં તેઓ કંગાળ થાય છે.
25 ઉદાર વ્યક્તિ આબાદ થશે,
પાણી આપનાર પોતે પણ પાણી પીશે.
26 અનાજ સંઘરી રાખનારને લોકો શાપ આપે છે,
પણ વેચનાર ઉપર તેઓ આશીર્વાદ વરસાવે છે.
27 ખંતથી હિત શોધનારને ઈશ્વરની કૃપા પ્રાપ્ત થશે,
પણ જે અહિત કરે છે તેઓને નુકશાન થશે.
28 પોતાના દ્રવ્ય પર ભરોસો રાખનાર પડી જશે,
પણ નેકીવાન લીલા પાનની માફક ખીલશે.
29 જે પોતાના કુટુંબને દુ:ખી કરે છે, તેને પવનનો વારસો મળશે,
અને મૂર્ખ માણસ જ્ઞાનીનો ચાકર બનશે.
30 નેકીવાનનું ફળ તે જીવનનું વૃક્ષ છે,
પણ જે જ્ઞાની છે તે બીજા આત્માઓને બચાવે છે.
31 નેકીવાનને પૃથ્વી પર બદલો મળશે;
તો દુષ્ટ અને પાપીને પણ તેના કામ પ્રમાણે બદલો મળશે તે કેટલું ખાતરીપૂર્વક છે! PE
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×