Bible Versions
Bible Books

Proverbs 1 (IRVGU) Indian Revised Version - Gujarati

1 ઇઝરાયલનો રાજા, જે દાઉદનો પુત્ર હતો, તે સુલેમાનનાં નીતિવચનો.
2 ડહાપણ તથા શિક્ષણ સંપાદન થાય,
ડહાપણની વાતો સમજવામાં આવે,
3 ડહાપણભરેલી વર્તણૂકની,
નેકીની, ન્યાયીપણાની અને ઇનસાફની કેળવણી મળે.
4 ભોળા માણસને ચતુરાઈ મળે
અને જુવાનોને ડહાપણ તથા વિવેકબુદ્ધિ મળે.
5 જ્ઞાની પુરુષ સાંભળીને વિદ્ધત્તાની વૃદ્ધિ કરે
અને બુદ્ધિમાન માણસને માર્ગદર્શન મળે.
6 કહેવતો તથા અલંકારો;
જ્ઞાનીઓનાં વચનો તથા તેઓના મર્મો સમજાય.  
7 યહોવાહનો ભય જ્ઞાનનો આરંભ છે.
મૂર્ખો જ્ઞાનને તથા શિક્ષણને ધિક્કારે છે.
8 મારા દીકરા, તારા પિતાની શિખામણ સાંભળ
અને તારી માતાનું શિક્ષણ તજીશ નહિ.
9 તેઓ તારા મસ્તકે શોભાયમાન મુગટરૂપ
અને તારા ગળાના હારરૂપ થશે.
10 મારા દીકરા, જો પાપીઓ તને લલચાવે,
તો તું તેઓનું માનતો નહિ.
11 જો તેઓ કહે કે, “અમારી સાથે ચાલ,
આપણે ખૂન કરવા માટે સંતાઈ રહીએ;
આપણે નિર્દોષને વિનાકારણ હુમલો કરવાને છુપાઈ રહીએ.
12 શેઓલની જેમ આપણે તેઓને જીવતા અને જીવતા ગળી જઈએ,
જાણે કે તેઓ કબરમાં ગરક થઈ ગયા હોય.
13 વિવિધ પ્રકારનો કિંમતી માલ આપણા હાથમાં આવશે;
આપણે લૂંટથી આપણાં ઘરો ભરીશું.
14 તું અમારી સાથે જોડાઈ જા
આપણે બધા સિલકની સહિયારી થેલી રાખીશું.”
15 મારા દીકરા, તેઓના માર્ગમાં તેઓની સાથે ચાલ;
તેઓના માર્ગેથી તારા પગ પાછા રાખ;
16 તેઓના પગ દુષ્ટતા કરવા માટે દોડે છે
અને તેઓ લોહી વહેવડાવવા માટે ઉતાવળ કરે છે.
17 કારણ કે જ્યારે પક્ષીઓ સાવધ હોય
ત્યારે જાળ પાથરવી તે નિરર્થક છે.
18 માણસો પોતાને મારી નાખવાને માટે સંતાઈ રહે છે,
તેઓ પોતાના જીવને માટે ગુપ્ત રીતે છુપાઈ રહે છે.
19 ધનના પ્રત્યેક લોભીના માર્ગો આવા હોય છે.
આવું ધન તેના માલિકોનું સત્યાનાશ વાળે છે.
20 ડહાપણ શેરીએ શેરીએ મોટેથી પોકારે છે,
તે જાહેર સ્થળોમાં પોતાની વાણી ઉચ્ચારે છે.
21 તે ઘોંઘાટવાળા રસ્તા પર બૂમો પાડે છે
અને શહેરના દરવાજે ઊભું રહીને વચનો ઉચ્ચારે છે,
22 “હે અજ્ઞાનીઓ, તમે ક્યાં સુધી ભોળપણને વળગી રહેશો?
ઠઠ્ઠા-મશ્કરી કરનારાઓ, તમે ક્યાં સુધી ઠઠ્ઠા-મશ્કરી કરવામાં આનંદ મેળવશો?
અને મૂર્ખાઓ, તમે ક્યાં સુધી ડહાપણને ધિક્કારશો?
23 મારી ચેતવણી પર ધ્યાન આપો;
હું મારો આત્મા તમારા પર રેડીશ;
હું મારાં વચનો તમને જણાવીશ.
24 મેં બોલાવ્યા અને તમે ઇનકાર કર્યો;
મેં મારો હાથ લાંબો કર્યો છે, પણ કોઈએ તેની દરકાર કરી નહિ.
25 પણ તમે મારી સર્વ શિખામણને તુચ્છ ગણી
અને મારા ઠપકાને પણ ગણકારતા નથી.
26 માટે તમારા પર મુશ્કેલીઓ આવશે ત્યારે હું હાસ્ય કરીશ,
જ્યારે તમારા પર ભય આવશે ત્યારે હું તમારી મશ્કરી કરીશ.
27 એટલે જ્યારે તોફાનની જેમ તમારા પર ભય આવી પડશે
અને વંટોળિયાની જેમ તમારા પર વિપત્તિઓ ધસી આવશે;
જ્યારે સંકટ તથા વેદના તમારા પર આવશે, ત્યારે હું તમારી મશ્કરી કરીશ.
28 ત્યારે તેઓ મને પોકાર કરશે પણ હું ઉત્તર આપીશ નહિ;
તેઓ ખંતથી મને શોધશે, પણ હું તેઓને મળીશ નહિ.
29 કેમ કે તેઓએ વિદ્યાનો ધિક્કાર કર્યો છે
અને તેઓએ યહોવાહનો ભય રાખવાનું ઈચ્છ્યું નહિ.
30 તેઓએ મારી સલાહ બિલકુલ માની નહિ
અને તેઓએ મારો બધો ઠપકો તુચ્છ ગણ્યો.
31 તેઓ પોતાના માર્ગનું ફળ ભોગવશે
અને પોતાની કુયુક્તિઓની પૂરેપૂરી શિક્ષા ભોગવશે.
32 અબુદ્ધો પાછા હઠી જાય તે બાબત તેઓનો સંહાર કરશે;
અને મૂર્ખોની બેદરકારી તેઓનો વિનાશ કરશે.
33 પણ જે કોઈ મારું કહ્યું સાંભળશે તે સુરક્ષિત રહેશે
અને નુકસાન થવાના ભય વગર શાંતિમાં રહેશે.” PE
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×