Bible Versions
Bible Books

Psalms 37 (IRVGU) Indian Revised Version - Gujarati

1 દુષ્ટતા આચરનારાઓને લીધે તું ખીજવાઈશ નહિ;
અન્યાય કરનારાઓની ઈર્ષા કરીશ નહિ.
2 કારણ કે તેઓ તો જલ્દી ઘાસની માફક કપાઈ જશે
લીલા વનસ્પતિની માફક ચીમળાઈ જશે.
3 યહોવાહ પર ભરોસો રાખ અને ભલું કર;
દેશમાં રહે અને વિશ્વાસુપણાની પાછળ લાગ.
4 પછી તું યહોવાહમાં આનંદ કરીશ
અને તે તારા હૃદયની ઇચ્છાઓ પૂરી પાડશે.
5 તારા માર્ગો યહોવાહને સોંપ;
તેમના પર ભરોસો રાખ અને તે તને ફળીભૂત કરશે.
6 તે તારું ન્યાયીપણું અજવાળાની માફક
અને તારા પ્રામાણિકપણાને બપોરની માફક તેજસ્વી કરશે.
7 યહોવાહની આગળ શાંત થા અને ધીરજથી તેમની રાહ જો.
જે પોતાના માર્ગે આબાદ થાય છે
અને કુયુક્તિઓથી ફાવી જાય છે, તેને લીધે તું ખીજવાઈશ નહિ.
8 ખીજવાવાનું બંધ કર અને ગુસ્સો કરીશ નહિ.
ચિંતા કર; તેથી દુષ્કર્મ નીપજે છે.
9 દુષ્કર્મીઓનો વિનાશ થશે,
પણ જેઓ યહોવાહ પર ભરોસો રાખે છે, તેઓ દેશનું વતન પામશે.
10 થોડા સમયમાં દુષ્ટો હતા હતા થશે;
તું તેના ઘરને ખંતથી શોધશે, પણ તેનું નામ નિશાન મળશે નહિ.
11 પણ નમ્ર લોકો દેશનું વતન પામશે
અને પુષ્કળ શાંતિમાં તેઓ આનંદ કરશે.
12 દુષ્ટો ન્યાયીઓની વિરુદ્ધ ખરાબ યુક્તિઓ રચે છે
અને તેની સામે પોતાના દાંત પીસે છે.
13 પ્રભુ તેની હાંસી કરશે,
કેમ કે તે જુએ છે કે તેના દિવસો નજીક છે.
14 નિર્વસ્ત્ર દરિદ્રીને પાડી નાખવાને તથા
યથાર્થીને મારી નાખવાને માટે
દુષ્ટોએ તરવાર તાણી છે અને પોતાનું ધનુષ્ય ખેંચ્યું છે.
15 તેઓની પોતાની તરવાર તેઓના પોતાના હૃદયને વીંધશે
અને તેઓના ધનુષ્યને ભાંગી નાંખવામાં આવશે.
16 નીતિમાન લોકો પાસે જે કંઈ થોડું છે,
તે ઘણા દુષ્ટ લોકોની વિપુલ સંપત્તિ કરતાં ઘણું વધારે છે.
17 કારણ કે દુષ્ટ લોકોના હાથોની શક્તિનો નાશ કરવામાં આવશે,
પણ યહોવાહ નીતિમાન લોકોની કાળજી લેશે અને તેઓને ધરી રાખશે.
18 યહોવાહ યથાર્થીઓની જિંદગીના સર્વ પ્રસંગો જાણે છે
અને તેઓનો વારસો સર્વ કાળ ટકી રહેશે
19 જ્યારે તેઓનો સમય ખરાબ હોય છે, ત્યારે પણ તેઓ શરમાતા નથી.
જ્યારે દુકાળ આવે, ત્યારે પણ તેઓ તૃપ્ત થશે.
20 પણ દુષ્ટો નાશ પામશે.
યહોવાહના શત્રુઓ જેમ બળતણનો ધુમાડો થઈ જાય છે;
તેમ નાશ પામશે.
21 દુષ્ટ ઉછીનું લે છે ખરો પણ પાછું આપતો નથી,
પણ ન્યાયી કરુણાથી વર્તે છે અને દાન આપે છે.
22 જેઓ ઈશ્વરથી આશીર્વાદિત છે, તેઓ દેશનો વારસો પામશે,
જેઓ તેમનાથી શાપિત છે તેઓનો સંપૂર્ણ વિનાશ થશે.
23 માણસનો માર્ગ યહોવાહને પસંદ પડે છે
અને તે ઈશ્વર તરફના તેના માર્ગો સ્થિર કરે છે.
24 જો કે તે પડી જાય, તોપણ તે છેક જમીનદોસ્ત થશે નહિ,
કેમ કે યહોવાહ તેનો હાથ પકડીને તેને નિભાવશે.
25 હું જુવાન હતો અને હવે હું વૃદ્ધ થયો છું;
પણ ન્યાયીને તજેલો કે તેનાં સંતાનને ભીખ માગતાં મેં કદી જોયાં નથી.
26 આખો દિવસ તે કરુણાથી વર્તે છે અને ઉછીનું આપે છે
અને તેનાં સંતાન આશીર્વાદ પામેલા હોય છે.
27 બુરાઈથી દૂર થા અને ભલું કર;
અને સદાકાળ દેશમાં રહે.
28 કારણ કે યહોવાહ ન્યાયને ચાહે છે
અને તે પોતાના વિશ્વાસુ ભક્તોને છોડી દેતા નથી.
તે સદા તેઓનું રક્ષણ કરે છે,
પણ દુષ્ટોનાં સંતાનનો વિનાશ કરશે.
29 ન્યાયીઓ વતનનો વારસો પામશે
અને તેમાં તેઓ સદાકાળ રહેશે.
30 ન્યાયી પોતાને મુખે ડહાપણ ભરેલી વાત કરે છે
અને તેની જીભે તે સદા ન્યાયની બાબત બોલે છે.
31 તેના પોતાના હૃદયમાં ઈશ્વરનો નિયમ છે;
તેના પગ લપસી જશે નહિ.
32 દુષ્ટો સદા ન્યાયી માણસો પર નજર રાખે છે
અને તેઓને મારી નાખવાના લાગ શોધતા ફરે છે.
33 યહોવાહ ન્યાયીઓને દુષ્ટ માણસોના હાથમાં પડવા દેશે નહિ
જ્યારે તેનો ન્યાય થશે, ત્યારે તે તેને દોષિત ઠરાવશે નહિ.
34 યહોવાહની રાહ જુઓ અને તેના માર્ગને અનુસરો
અને દેશનો વારસો પામવાને તે તને મોટો કરશે.
જ્યારે દુષ્ટ લોકોનો નાશ થતો હશે, ત્યારે તું તે જોશે.
35 અનુકૂળ ભૂમિમાં રોપેલા લીલા વૃક્ષની જેમ
મેં દુષ્ટને મોટા સામર્થ્યમાં ફેલાતો જોયો.
36 પણ જ્યારે હું ફરીથી ત્યાં થઈને પસાર થયો, ત્યારે તે ત્યાં નહોતો.
મેં તેને શોધ્યો, પણ તેનો પત્તો લાગ્યો નહિ.
37 નિર્દોષ માણસનો વિચાર કર અને જે પ્રામાણિક છે તેને જો;
શાંતિપ્રિય માણસને બદલો મળશે.
38 દુષ્ટો સમૂળગા વિનાશ પામશે;
અંતે તેઓના વંશજોનો અંત આવશે.
39 યહોવાહ ન્યાયીઓનો ઉદ્ધાર કરે છે;
સંકટ સમયે તે તેઓનું રક્ષણ કરે છે.
40 યહોવાહ તેઓને મદદ કરે છે અને તેમને છોડાવે છે.
તે તેઓને દુષ્ટોથી છોડાવીને બચાવે છે
કેમ કે તેઓએ તેમનો આશરો લીધો છે. PE
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×