Bible Versions
Bible Books

Hosea 2 (IRVGU) Indian Revised Version - Gujarati

1 “મારા લોકો! તમારા ભાઈઓને આમ્મી અને,
તમારી બહેનોને રૂહામા કહીને બોલાવો, “તું તેના પર દયા રાખશે.”
2 તમારી માતાને આજીજી કરો, તેને સમજાવો,
કેમ કે તે મારી પત્ની નથી,
હું તેનો પતિ નથી.
તેને સમજાવો કે તે પોતાની આગળથી તેની ગણિકાવૃતિ
અને પોતાના સ્તનોમાંથી વ્યભિચારના કાર્યો દૂર કરે.
3 જો તેમ નહિ, તો હું તેને નિર્વસ્ત્ર કરી દઈશ
તેના જન્મદિવસે તે હતી તેવી તેની નિર્વસ્ત્ર દશા હું બતાવીશ.
હું તેને અરણ્ય સમાન કરીને,
સૂકી ભૂમિ જેવી કરી દઈશ,
હું તેને પાણી વગર તરસે મારી નાખીશ.
4 હું તેનાં સંતાન પર દયા રાખીશ નહિ,
કેમ કે તેઓ એક ગણિકાનાં સંતાનો છે.
5 કેમ કે તેમની માતા ગણિકા છે,
તેમનો ગર્ભધારણ કરનારીએ શરમજનક કાર્ય કર્યું છે.
તેણે કહ્યું, “હું મારા પ્રીતમોની પાછળ જઈશ,
કેમ કે, તેઓ મને મારી રોટલી, પાણી,
મારું ઊન, મારું શણ,
મારું તેલ અને પીણું આપે છે.”
6 તેથી, હું તેના માર્ગમાં કાંટાની વાડ બાંધીશ.
હું તેની વિરુદ્ધ દીવાલ બાંધીશ,
જેથી તે કોઈ માર્ગ શોધી શકે નહિ.
7 તે પોતાના પ્રેમીઓની પાછળ જશે,
પણ તે તેઓને પામી શકશે નહિ.
તે તેઓને શોધશે,
પણ તેઓ તેને મળશે નહિ.
ત્યારે તે કહેશે કે,
“હું મારા પતિને ઘરે પાછી જઈશ,
કેમ કે હમણાંના કરતાં તે વખતે મને વધારે સારું હતું.”
8 કેમ કે તે જાણતી નહોતી કે,
હું તેને અનાજ, નવો દ્રાક્ષારસ અને તેલ આપનાર હતો,
જે સોનું તથા ચાંદી તેઓ બઆલ માટે વાપરતા હતા,
તે મબલખ પ્રમાણમાં આપતો હતો.
9 તેથી ફસલના સમયે હું તેનું અનાજ અને
મારો નવો દ્રાક્ષારસ તેની મોસમમાં પાછા લઈ લઈશ.
તેની નિર્વસ્ત્રતા ઢાંકવા,
મેં જે મારું ઊન તથા શણ આપ્યાં હતાં તે પણ હું પાછાં લઈ લઈશ.
10 પછી હું તેના પ્રેમીઓની નજર આગળ તેને ઉઘાડી કરીશ,
મારા હાથમાંથી તેને કોઈ બચાવી શકશે નહિ.
11 હું તેનો તમામ આનંદ,
તેના ચંદ્રદર્શનના દિવસો, તેના સાબ્બાથો તથા તેનાં મુકરર પર્વો તે સર્વનો હું અંત આણીશ.
12 “હું તેની દ્રાક્ષાવાડીઓ તથા અંજીરનાં વૃક્ષોનો નાશ કરીશ,
જેના વિષે તે એમ કહે છે કે,
'આ તો મારા પ્રેમીઓએ મને આપેલું વેતન છે.'
હું તેઓને જંગલ બનાવી દઈશ,
ખેતરનાં પશુઓ તેને ખાઈ જશે.
13 જે દિવસોમાં તે બાલીમની આગળ ધૂપ બાળતી હતી
તે દિવસોને માટે હું તેને સજા કરીશ.
કેમ કે તે બુટ્ટી તથા આભૂષણોનો શણગાર કરીને,
પ્રેમીઓની પાછળ ફરતી હતી અને મને ભૂલી ગઈ હતી.”
એવું યહોવાહ કહે છે.
14 તેથી હું તેને ફોસલાવીને. તેને અરણ્યમાં લાવીશ
અને તેની સાથે નમ્રતાથી બોલીશ
15 તેની દ્રાક્ષવાડીઓ હું તેને પાછી આપીશ,
આશાના દ્વાર તરીકે આખોરની ખીણ પણ આપીશ.
જેમ તે પોતાની જુવાનીના દિવસોમાં,
મિસરમાંથી બહાર નીકળી આવી તે દિવસોમાં કરતી હતી તેમ તે ઉત્તર આપશે.
16 યહોવાહની ઘોષણા છે કે, “તે દિવસે એવું થશે”
“કે તે મને 'મારા પતિ' કહીને બોલાવશે,
ફરીથી 'મારા બાલ' એવું કહીને નહિ બોલાવશે.
17 કેમ કે હું તેના મુખમાંથી બાલના નામો દૂર કરીશ;
ક્યારેય તેનાં નામોનું સ્મરણ કરવામાં આવશે નહિ.”
18 “તે દિવસે હું તેઓને માટે,
જંગલનાં પશુઓ સાથે,
આકાશનાં પક્ષીઓ સાથે,
જમીન પર ચાલનારાં પશુઓ સાથે કરાર કરીશ કે,
હું દેશમાંથી ધનુષ્ય, તલવાર તથા યુદ્ધનું ખંડન કરીશ,
હું તેઓને સુરક્ષિત રીતે સુવાડીશ.
19 હું સદાકાળને માટે તારી સાથે મારી સગાઈ કરીશ.
હું નેકીથી, ન્યાયીપણાથી, વિશ્વાસયોગ્યતા તથા કૃપાથી તારી સાથે મારી સગાઈ કરીશ.
20 હું વિશ્વાસુપણાથી તારી સાથે સગાઈ કરીશ.
અને તું યહોવાહને ઓળખશે.
21 અને તે દિવસે,
હું જવાબ આપીશ” યહોવાહની ઘોષણા છે.
“હું આકાશોને જવાબ આપીશ,
તેઓ પૃથ્વીને જવાબ આપશે.
22 પછી પૃથ્વી અનાજને, દ્રાક્ષારસને તથા તેલને જવાબ આપશે,
તેઓ યિઝ્રએલને જવાબ આપશે.
23 હું મારા માટે તેને દેશમાં રોપીશ. લો રૂહામા જે કૃપા પામેલી હતી તે પર હું કૃપા કરીશ.
જેઓ મારા લોકો નથી તેઓને કહીશ કે,
'તમે મારા લોકો છો,'
અને તેઓ કહેશે, 'તમે અમારા ઈશ્વર છો.”' PE
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×