Bible Versions
Bible Books

Proverbs 8 (IRVGU) Indian Revised Version - Gujarati

1 શું ડહાપણ હાંક મારતું નથી?
અને બુદ્ધિ પોકારતી નથી?
2 તે રસ્તાઓના સંગમ આગળ,
માર્ગની એકબાજુ ઊંચા ચબુતરાઓની ટોચ પર ઊભું રહે છે.
3 અને શહેરમાં પ્રવેશવાના દરવાજા આગળ,
અને બારણામાં પેસવાની જગ્યાએ, તે મોટે અવાજે પોકારે છે:
4 “હે માણસો, હું તમને પોકાર કરીને કહું છું
મારું બોલવું પ્રત્યેક માણસને માટે છે.
5 હે અજ્ઞાની લોકો, શાણપણ શીખો
અને હે મૂર્ખા તમે સમજણા થાઓ.
6 સાંભળો, હું તમને ઉત્તમ વાતો કહેવાનો છું
અને જે સાચું છે તે બાબતો વિષે મારું મુખ ઊઘડશે.
7 મારું મુખ સત્ય ઉચ્ચારશે,
મારા હોઠોને જૂઠાણું ધિક્કારપાત્ર લાગે છે.
8 મારા મુખના સઘળા શબ્દો પ્રમાણિક છે,
તેઓમાં કશું વાંકુ કે વિપરીત નથી.
9 સમજુ માણસો માટે મારા શબ્દો સ્પષ્ટ છે.
અને જ્ઞાનીઓને માટે તે યથાયોગ્ય છે.
10 ચાંદી નહિ પણ મારી સલાહ લો
અને ચોખ્ખા સોના કરતાં ડહાપણ પ્રાપ્ત કરો.
11 કારણ કે ડહાપણ રત્નો કરતાં વધારે મૂલ્યવાન છે;
સર્વ મેળવવા ધારેલી વસ્તુઓ તેની બરાબરી કરી શકે નહિ.
12 મેં જ્ઞાને ચતુરાઈને પોતાનું રહેઠાણ બનાવ્યું છે,
અને કૌશલ્ય અને વિવેકબુદ્ધિને હું શોધી કાઢું છું.
13 યહોવાહનો ભય એટલે પાપને ધિક્કારવું,
અભિમાન, ઉદ્ધતાઈ, દુષ્ટમાર્ગ અને
અવળું બોલાનારાઓને હું ધિક્કારું છું.
14 ડહાપણ તથા કૌશલ્ય મારાં છે;
મારી પાસે ઊંડી સમજ અને શક્તિ છે.
15 મારા દ્વારા રાજાઓ રાજ કરે છે
અને રાજકર્તાઓ ન્યાય ચૂકવે છે.
16 મારે લીધે રાજકુમારો શાસન કરે છે
અને ઉમદા લોકો સાચો ચુકાદો આપે છે.
17 મારા પર પ્રેમ રાખનારાઓ પર હું પ્રેમ રાખું છું;
અને જેઓ મને ઉત્સુકતાથી શોધે છે તે મને પામે છે.
18 દ્રવ્ય તથા ડહાપણ મારી પાસે છે,
મારી પાસે ટકાઉ સંપત્તિ અને સદાચાર છે.
19 મારાં ફળ સોના કરતાં ચડિયાતાં છે, ચોખ્ખા સોના કરતાં
અને મારી પેદાશ ઊંચી જાતની ચાંદી કરતાં શ્રેષ્ઠ છે.
20 હું સદાચારને માર્ગે ચાલું છું,
મારો માર્ગ ન્યાયનો છે,
21 મારા પર પ્રેમ રાખનારને હું સમૃદ્ધિ આપું છું
અને તેઓના ભંડારો ભરપૂર કરું છું.
22 યહોવાહે સૃષ્ટિક્રમના આરંભમાં,
આદિકૃત્યો અગાઉ મારું સર્જન કર્યુ.
23 સદાકાળથી, આરંભથી, પૃથ્વીનું સર્જન થયા પહેલાં
મને સ્થાપન કરવામાં આવ્યું હતું.
24 જ્યારે કોઈ જળનિધિઓ હતા, જ્યારે પાણીથી ભરપૂર કોઈ ઝરણાંઓ હતાં
ત્યારે મારો જન્મ થયો હતો.
25 પર્વતોના પાયા નંખાયા તે અગાઉ,
ડુંગરો સર્જાયા તે પૂર્વે મારો જન્મ થયો હતો.
26 ત્યાં સુધી યહોવાહે પૃથ્વી અને ખેતરો પણ સૃજ્યાં નહોતાં.
અરે! ધૂળ પણ સૃજી નહોતી ત્યારે મારું અસ્તિત્વ હતું.
27 જ્યારે તેમણે આકાશની સ્થાપના કરી,
અને સાગર ઉપર ક્ષિતિજની ગોઠવણી કરી ત્યારે મારું અસ્તિત્વ હતું.
28 જ્યારે તેમણે ઊંચે અંતરિક્ષને સ્થિર કર્યુ;
અને જળનીધિના ઝરણાં વહાવ્યા.
29 જ્યારે તેમણે સાગરની હદ નિયુક્ત કરી
અને તેની મર્યાદાનું ઉલ્લંધન કરવાની તેમણે મના ફરમાવી.
અને જ્યારે તેમણે પૃથ્વીના પાયા નાખ્યા.
30 ત્યારે કુશળ કારીગર તરીકે હું તેમની સાથે હતું;
અને હું દિનપ્રતિદિન તેમને આનંદ આપતું હતું;
અને સદા હું તેમની સમક્ષ હર્ષ કરતું હતું.
31 તેમની વસતિવાળી પૃથ્વી પર હું હર્ષ પામતું હતું,
અને માણસોની સંગતમાં મને આનંદ મળતો હતો.
32 મારા દીકરાઓ, મારું સાંભળો;
કારણ કે મારા માર્ગોનો અમલ કરનાર આશીર્વાદિત છે.
33 મારી શિખામણ સાંભળીને જ્ઞાની થા;
અને તેની અવગણના કરીશ નહિ.
34 જે મારું સાંભળે છે તે વ્યક્તિ આશીર્વાદિત છે,
અને હંમેશાં મારા દરવાજા સમક્ષ લક્ષ આપે છે;
તથા મારા પ્રવેશદ્વાર આગળ મારી રાહ જુએ છે તે પણ આશીર્વાદિત છે.
35 કારણ કે જેઓને હું મળું છું તેઓને જીવન મળે છે,
તેઓ યહોવાહની કૃપા પામશે.
36 પણ જે મારી સામે પાપ કરે છે, તે પોતાના આત્માને નુકશાન પહોંચાડે છે;
જેઓ મને ધિક્કારે છે, તેઓ મૃત્યુના ચાહકો છે.” PE
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×