Bible Versions
Bible Books

Job 30 (IRVGU) Indian Revised Version - Gujarati

1 પરંતુ હવે જે મારા કરતાં ઉંમરમાં નાના છે જેઓના પિતાઓને હું મારા ટોળાંના કૂતરાઓની હરોળમાં પણ રાખું તેટલા નીચા ગણતો,
તેઓ આજે મારી હાંસી કરે છે.
2 હા, જે માણસોનું બળ નાશ પામ્યું છે
તેઓના બાહુબળથી મને શો લાભ થાય?
3 દુકાળ તથા ભૂખથી તેઓ લેવાઈ ગયા છે;
ઉજ્જડ તથા વેરાન જગ્યાના અંધકારમાં તેઓ અરણ્યની સૂકી ધૂળ ખાય છે.
4 તેઓ રણમાં ખારી ભાજી ચૂંટી કાઢે છે
અને છોડનાં મૂળિયાં ખાય છે.
5 તેઓને મનુષ્યોમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.
ચોરની જેમ લોકો તેઓની પાછળ ચીસો પાડે છે.
6 તેઓ ખીણમાં, ખડકોમાં, ગુફાઓમાં,
અને ખાડાઓમાં પડી રહે છે.
7 તેઓ પશુની જેમ ઝાડીઓમાં બરાડા પાડે છે;
તેઓ ઝાડ નીચે સમૂહમાં ભેગા થાય છે.
8 તેઓ મૂર્ખોનાં સંતાનો હા, અધમ પુરુષોનાં સંતાનો છે.
દેશમાંથી તેઓને કાઢી મૂકવામાં આવ્યા હતા.
9 હવે તે માણસો મારી મશ્કરી કરે છેે.
હું તેઓ મધ્યે કહેવતરૂપ બન્યો છું.
10 તેઓ મારા પ્રત્યે ઘૃણા કરે છે અને મારી પાસે આવતા નથી.
મારા મોં પર થૂંકતાં પણ તેઓ અચકાતા નથી.
11 કેમ કે ઈશ્વરે પોતાની દોરી છોડીને મને દુઃખી કર્યો છે.
અને લોકોએ મારી સામું પોતાનો બધો અંકુશ ગુમાવ્યો છે.
12 મારી જમણી બાજુએ હુલ્લડખોરો ઊઠે છે;
તેઓ મને દૂર હાંકી કાઢે છે અને
મારો નાશ કરવા તેઓ ઘેરો નાખે છે.
13 તેઓ રસ્તા તોડી નાખે છે જેથી હું ભાગી શકું.
મારો નાશ કરવામાં તેઓ સફળ થયા છે. તેઓને કોઈની મદદની જરૂર નથી.
14 તેઓ દીવાલમાં બાકોરું પાડે છે.
તેઓ તેની આરપાર ધસી જાય છે અને પથ્થરો મારી પર પડે છે.
15 મારા માથે વિનાશ આવી પડ્યો છે.
તેઓ પવનની જેમ મારા સ્વમાનને ઘસડી લઈ જાય છે.
મારી આબાદી વાદળોની જેમ લોપ ગઈ છે.
16 હવે મારું જીવન લગભગ ખતમ થઈ ગયું છે
ઘણાં દુ:ખોના દિવસોએ મને ઘેરી લીધો છે.
17 રાત્રી દરમ્યાન મારાં હાડકાંઓને પીડા થાય છે,
પીડા મને સતાવવાનું છોડતી નથી.
18 મારા અતિ મંદવાડને કારણે મારાં વસ્ત્રો વેરવિખેર થઈ ગયાં છે.
મારા વસ્ત્રના ગળાની પટ્ટી માફક તેઓએ મને ટૂંપો દીધો છે.
19 ઈશ્વરે મને કાદવમાં ફેંકી દીધો છે.
હવે હું ધૂળ તથા રાખ જેવો બની ગયો છું.
20 હું કાલાવાલા કરું છું, પણ તમે મારું સાંભળતા નથી.
હું તમારી સમક્ષ આવીને ઊભો છું પણ તમે મારી સામે નજર કરતા નથી.
21 તમે મારા પ્રત્યે નિષ્ઠુર થઈ ગયા છો.
તમે તમારી શક્તિનો ઉપયોગ મને ઈજા પહોંચાડવામાં કરો છો.
22 તમે મને વાયુમાં ઊંચો કરો છો તમે મને તેની પર સવારી કરાવો છો;
તમે મને હવાના તોફાનમાં વાદળાની જેમ પિગળાવી નાખો છો.
23 હું જાણું છું કે તમે મને મૃત્યુમાં,
એટલે સર્વ સજીવોને માટે નિશ્ચિત કરેલા ઘરમાં લઈ જશો.
24 મુશ્કેલીમાં આવી પડેલો માણસ હાથ લાંબો નહિ કરે?
તેની પડતીમાં તે મદદને માટે કાલાવાલા નહિ કરે?
25 શું દુ:ખી માનવીઓ માટે મેં આંસુ સાર્યાં નથી?
કંગાલો માટે મારું હૃદય શું રડી ઊઠયું નથી?
26 મેં ભલાઈની આશા રાખી હતી પણ દુષ્ટતા આવી પડી
મેં પ્રકાશની આશા રાખી હતી પણ અંધારું આવી પડ્યું.
27 મારું અંતર ઊકળે છે. દુ:ખનો અંત આવતો નથી.
મારા પર વિપત્તિના દિવસો આવી પડ્યા છે.
28 હું સૂર્યના પ્રકાશ વિના શોક કરતો ફરું છું,
હું જાહેર સભામાં ઊભો રહીને મદદ માટે બૂમો પાડું છું.
29 હું શિયાળોનો ભાઈ
અને શાહમૃગોનો સાથી થયો છું.
30 મારી ચામડી કાળી પડી ગઈ છે અને મારા શરીર પરથી ખરી પડી છે.
ગરમીથી મારાં હાડકાં બળી જાય છે.
31 તેથી મારી વીણામાંથી હવે વેદનાના સૂર નીકળે છે,
મારી વાંસળીમાંથી હવે રુદનનો સ્વર સંભળાય છે. PE
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×