Bible Versions
Bible Books

Psalms 102 (IRVGU) Indian Revised Version - Gujarati

1 હે યહોવાહ, મારી પ્રાર્થના સાંભળો;
મારા પોકારને તમારી પાસે આવવા દો.
2 મારા સંકટના દિવસે તમારું મુખ મારાથી ફેરવો.
મારું સાંભળો.
જ્યારે હું તમને પોકારું, ત્યારે તમે મને વહેલો ઉત્તર આપો.
3 કારણ કે મારા દિવસો તો ધુમાડાની જેમ વીતી જાય છે
અને મારાં હાડકાં અગ્નિની જેમ બળી જાય છે.
4 મારું હૃદય તો ઘાસના જેવું કપાયેલું અને ચીમળાયેલું છે.
એટલે સુધી કે રોટલી ખાવાનું પણ હું ભૂલી જાઉં છું.
5 મારા નિસાસાને કારણે
હું ઘણો સુકાઈ ગયો છું.
6 હું રાનની જળકૂકડી જેવો થઈ ગયો છું;
અરણ્યના ઘુવડ જેવો થઈ ગયો છું.
7 હું જાગૃત રહું છું, હું અગાસી પર એકલી પડેલી
ચકલી જેવો થઈ ગયો છો.
8 મારા શત્રુ આખો દિવસ મને મહેણાં મારે છે;
જેઓ મારી મજાક ઉડાવે છે તેઓ બીજાને શાપ આપવા મારા નામનો ઉપયોગ કરે છે.
9 રોટલીને બદલે હું રાખ ખાઉં છું
મારાં આંસુ વહીને મારા પ્યાલામાં પડે છે.
10 તે તમારા રોષને કારણે છે,
કેમ કે તમે મને ઊંચો કરીને નીચે ફેંકી દીધો છે.
11 મારા દિવસો નમતી છાયા જેવા છે
અને હું ઘાસની જેમ કરમાઈ ગયો છું.  
12 પણ, હે યહોવાહ, તમે સર્વકાળ ટકનાર છો
અને તમારું સ્મરણ પેઢી દરપેઢી રહેશે.
13 તમે ઊભા થઈને સિયોન પર દયા કરશો.
તેના પર દયા કરવાનો સમય,
એટલે ઠરાવેલો સમય, આવ્યો છે.
14 કારણ કે તમારા સેવકોને તેના પથ્થરો વહાલા છે
અને તેની ધૂળ પર તેઓને દયા આવે છે.
15 હે યહોવાહ, વિદેશીઓ તમારા નામનો આદર કરશે
અને પૃથ્વીના સર્વ રાજાઓ તમારા ગૌરવનો આદર કરશે.
16 યહોવાહે સિયોનને ફરીથી બાંધ્યું છે
અને તે પોતાના ગૌરવથી પ્રગટ થયા છે.
17 તે સમયે, તેમણે લાચારની પ્રાર્થના પર લક્ષ લગાડ્યું છે;
તે તેઓની પ્રાર્થના નકારશે નહિ.
18 વાતો તો આવનાર પેઢી માટે લખવામાં આવી છે
અને જે લોકો હજી સુધી જન્મ્યા નથી, તેઓ પણ યહોવાહની સ્તુતિ કરશે.
19 કેમ કે તેમણે પોતાના ઉચ્ચ પવિત્રસ્થાનમાંથી જોયું છે;
આકાશમાંથી યહોવાહે પૃથ્વીને નિહાળી,
20 જેથી તે બંદીવાનોના નિસાસા સાંભળી શકે,
જેઓ મરણના સપાટામાં સપડાયેલા છે તેઓને તે છોડાવે.
21 પછી માણસો સિયોનમાં યહોવાહનું નામ
અને યરુશાલેમમાં તેમની સ્તુતિ જાહેર કરે.
22 જ્યારે લોકો અને રાજ્યો ભેગા થાય છે,
ત્યારે તેઓ યહોવાહની સેવા કરે છે.  
23 તેમણે માર્ગમાં મારી શક્તિ ઘટાડી છે.
તેમણે મારા દિવસો ટૂંકા કર્યા છે.
24 મેં કહ્યું, “હે મારા ઈશ્વર, મારા દિવસો પૂરા થયા અગાઉ તમે મને લઈ જાઓ;
તમે અહીંયાં પેઢી દરપેઢી સુધી છો.
25 પૂર્વે તમે પૃથ્વીનો પાયો નાખ્યો;
આકાશો તમારા હાથનું કામ છે.
26 તેઓ નાશ પામશે, પણ તમે ટકી રહેશો;
તેઓ સર્વ વસ્ત્રની જેમ જીર્ણ થઈ જશે;
વસ્ત્રની જેમ તમે તેઓને બદલશો અને તેઓ બદલાઈ જશે.
27 પણ તમે તો એવા અને એવા રહેશો
તમારાં વર્ષોનો અંત આવશે નહિ.
28 તમારા સેવકોનાં બાળકો અહીં વસશે
અને તેઓનાં વંશજો તમારી હજૂરમાં રહેશે.” PE
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×