Bible Versions
Bible Books

Proverbs 28 (IRVGU) Indian Revised Version - Gujarati

1 કોઈ માણસ પાછળ પડ્યું હોય તો પણ દુષ્ટ વ્યક્તિ નાસી જાય છે,
પણ નેકીવાનો સિંહના જેવા નીડર હોય છે.
2 દેશના અપરાધને લીધે તેના પર ઘણા હાકેમો થાય છે;
પણ બુદ્ધિમાન તથા જ્ઞાની માણસોથી તે ટકી રહે છે.
3 જે માણસ પોતે નિર્ધન હોવા છતાં ગરીબ માણસો પર જુલમ ગુજારે છે
તે અનાજનો તદ્દન નાશ કરનાર વરસાદની હેલી જેવો છે.
4 જેઓ નિયમ પાળતા નથી, તેઓ દુર્જનને વખાણે છે,
પણ જેઓ નિયમનું પાલન કરે છે તેઓની સામે વિરોધ કરે છે.
5 દુષ્ટ માણસો ન્યાય સમજતા નથી,
પણ જેઓ યહોવાહને શોધે છે તેઓ સઘળી બાબતો સમજે છે.
6 જે માણસો પોતે ધનવાન હોવા છતાં અવળે માર્ગે ચાલે છે,
તેના કરતાં પ્રામાણિકપણે ચાલનારો ગરીબ વધારે સારો છે.
7 જે દીકરો નિયમને અનુસરે છે તે ડાહ્યો છે,
પણ નકામા લોકોની સોબત રાખનાર દીકરો પોતાના પિતાના નામને બટ્ટો લગાડે છે.
8 જે કોઈ ભારે વ્યાજ તથા નફો લઈને પોતાની સંપત્તિની વૃદ્ધિ કરે છે
તે દરિદ્રી પર દયા રાખનારને માટે તેનો સંગ્રહ કરે છે.
9 જે માણસ નીતિનિયમ પાળતો નથી અને પોતાના કાન અવળા ફેરવી નાખે છે,
તેની પ્રાર્થના પણ કંટાળાજનક છે.
10 જે કોઈ પ્રામાણિકને કુમાર્ગે ભટકાવી દે છે,
તે પોતે પોતાના ખાડામાં પડે છે,
પણ નિર્દોષ માણસનું ભલું થાય છે અને તેને વારસો મળશે.
11 ધનવાન પોતાને પોતાની નજરમાં ડાહ્યો માને છે,
પણ શાણો ગરીબ તેની પાસેથી સત્ય સમજી લે છે.
12 જ્યારે ન્યાયી વિજયી થાય છે, ત્યારે આનંદોત્સવ થાય છે,
પણ જ્યારે દુર્જનોની ચઢતી થાય છે, ત્યારે લોકો સંતાઈ જાય છે.
13 જે માણસ પોતાના અપરાધોને છુપાવે છે, તેની આબાદી થશે નહિ,
પણ જે કોઈ તેઓને કબૂલ કરીને તેનો ત્યાગ કરે છે, તેઓ પર દયા કરવામાં આવશે.
14 જે હંમેશા સાવધ રહે છે તે સુખી છે,
પણ જે માણસ પોતાનું હૃદય કઠોર કરે છે તે વિપત્તિમાં પડશે.
15 ગરીબ લોકોને માથે દુષ્ટ અધિકારી હોય
તો તે ગર્જતા સિંહ તથા ભટકતા રીંછ જેવો છે.
16 સમજણ વગરનો શાસનકર્તા જુલમો વધારે છે,
પણ જે લોભને તિરસ્કારે છે તે લાંબો સમય રાજ્ય કરશે.
17 જે માણસે કોઈ પુરુષનું ખૂન કર્યું હશે,
તે નાસીને ખાડામાં પડશે,
કોઈએ તેને મદદ કરવી નહિ.
18 જે પ્રામાણિકતાથી ચાલે છે તે સુરક્ષિત છે,
પણ જે પોતાના માર્ગોથી ફંટાય છે તેની અચાનક પડતી થશે.
19 જે માણસ પોતાની જમીન ખેડે છે, તેને પુષ્કળ અનાજ મળશે,
પણ જેઓ નકામી વસ્તુઓની પાછળ દોડે છે તેઓ ખૂબ ગરીબ રહેશે.
20 વિશ્વાસુ માણસ આશીર્વાદથી ભરપૂર થશે,
પણ જે માણસ ધનવાન થવાને ઉતાવળ કરે છે તેને શિક્ષા થયા વગર રહેશે નહિ.
21 પક્ષપાત કરવો યોગ્ય નથી,
તેમ કોઈ માણસ રોટલીના ટુકડાને માટે ગુનો કરે તે પણ સારું નથી.
22 લોભી વ્યક્તિ પૈસાદાર થવા માટે દોડે છે,
પણ તેને ખબર નથી કે તેના પર દરિદ્રતા આવી પડશે.
23 જે માણસ પ્રશંસા કરે છે તેના કરતાં
જે માણસ ઠપકો આપે છે તેને વધારે પ્રશંસા પ્રાપ્ત થશે.
24 જે પોતાના માતાપિતાને લૂંટે છે અને કહે કે, “એ પાપ નથી,”
તે નાશ કરનારનો સોબતી છે.
25 જે વ્યક્તિ લોભી મનની હોય છે, તે ઝઘડા ઊભા કરે છે,
પણ જે યહોવાહ પર વિશ્વાસ રાખે છે તે સફળ થશે.
26 જે માણસ પોતાની જાત પર વિશ્વાસ રાખે છે તે મૂર્ખ છે,
પણ જે કોઈ ડહાપણથી વર્તે છે તેનો બચાવ થશે.
27 જે માણસ ગરીબને ધન આપે છે, તેના ઘરમાંથી ધન ખૂટવાનું નથી,
પણ જે માણસ ગરીબો પ્રત્યે આંખ આડા કાન કરે છે તે શાપિત થશે.
28 જ્યારે દુષ્ટોની ઉન્નતિ થાય છે, ત્યારે માણસો સંતાઈ જાય છે,
પણ જ્યારે તેઓની પડતી આવે છે, ત્યારે સજ્જનોની વૃદ્ધિ થાય છે. PE
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×