Bible Versions
Bible Books

Job 38 (IRVGU) Indian Revised Version - Gujarati

1 પછી યહોવાહે વંટોળિયામાંથી અયૂબને જવાબ આપતાં કહ્યું કે,
2 “અજ્ઞાની શબ્દોથી
ઈશ્વરની યોજનાને પડકારનાર માણસ કોણ છે?
3 બળવાનની માફક તારી કમર બાંધ;
કારણ કે હું તને પ્રશ્ન પૂછીશ, અને તારે મને જવાબ આપવાનો છે.
4 જ્યારે મેં પૃથ્વીના પાયા નાખ્યા ત્યારે તું ક્યાં હતો?
તું બહુ સમજે છે તો મને જણાવ.
5 પૃથ્વીને ઘડવા માટે તેની લંબાઈ કોણે નક્કી કરી? જો તું જાણતો હોય તો કહે.
અને તેને માપપટ્ટીથી કોણે માપી હતી?
6 શાના પર તેના પાયા સજ્જડ કરવામાં આવ્યા છે?
તે જગ્યામાં મુખ્ય પથ્થર કોણે મૂક્યો છે?
7 કે જ્યારે પ્રભાતના તારાઓએ સાથે ગીત ગાયું,
અને સર્વ દૂતોએ આનંદથી પોકાર કર્યો?  
8 જાણે ગર્ભાસ્થાનમાંથી નીકળ્યો હોય તેવા સમુદ્રને
રોકવા તેના દરવાજાઓ કોણે બંધ કર્યા?
9 જ્યારે મેં વાદળાંઓને તેનું વસ્ત્ર બનાવ્યું,
અને ગાઢ અંધકારથી તેને વીંટાળી દીધો.
10 મેં તેની બાજુઓની હદ બનાવી,
અને જ્યારે તેને દરવાજાઓની સીમાઓ મૂકી,
11 મેં સમુદ્રને કહ્યું, 'તું અહીં સુધી આવી શકે છે પણ અહીંથી આગળ નહિ;
અહીંથી આગળ ઉલ્લંઘન કરીશ નહિ. તારાં પ્રચંડ મોજા અહીં અટકી જશે.'
12 શું તેં કદી પ્રભાત આદેશ આપ્યો છે?
સવારે સૂર્યના કિરણોએ કઈ દિશામાં ઊગવું તે શું તમે નક્કી કરો છો?
13 માટે તે પૃથ્વીની દિશાઓને પકડે છે,
તેથી દુર્જનોને ત્યાંથી નાસી જવું પડે છે.
14 જેમ બીબા પ્રમાણે માટીના આકારો બદલાય છે તેમ પૃથ્વીનો પ્રકાશ બદલાય છે;
સર્વ વસ્તુઓ વસ્ત્રોની જેમ બહાર દેખાય છે અને બદલાય છે.
15 દુર્જનો પાસેથી તેઓનો પ્રકાશ લઈ લેવામાં આવ્યો છે;
અહંકારીઓના હાથ ભાંગી નાખવામાં આવે છે.  
16 તું કદી સમુદ્રના મૂળસ્થાનની સપાટીએ ગયો છે?
તું ક્યારેય મહાસાગરના ઊંડાણમાં ચાલ્યો છે?
17 શું મરણદ્વારો તારી સમક્ષ જાહેર થયાં છે?
શું તેં કદી મરણછાયાનાં દ્વાર જોયાં છે?
18 તું જાણે છે કે પૃથ્વી કેટલી વિશાળ છે?
આવું જ્ઞાન તારી પાસે હોય તો તે મને કહે.
19 પ્રકાશનું ઉદ્દ્ગમસ્થાન ક્યાં છે?
અંધકારનું સ્થાન ક્યાં છે?
20 શું તું પ્રકાશ અને અંધકારને તેમના કાર્યને સ્થાને પાછા લઈ જઈ શકે છે?
શું તું તેમના ઘર તરફનો માર્ગ શોધી શકે છે?
21 બધું તો તું જાણે છે, કારણ કે ત્યારે તારો જન્મ થઈ ચૂક્યો હતો;
અને તારા આયુષ્યના દિવસો લાંબા છે!
22 શું તું બરફના ભંડારોમાં ગયો છે,
અથવા તેના સંગ્રહસ્થાન શું તેં જોયાં છે,
23 સર્વ બાબતો આફતના સમયને માટે,
અને લડાઈ અને યુદ્ધના દિવસો માટે રાખી છે.
24 જે માર્ગે અજવાળાની વહેંચણી થાય છે તેં જોયા છે
તથા જ્યાં પૂર્વ તરફના પવનને આખી પૃથ્વી પર ફેલાવે છે તે સ્થળે તું ગયો છે?
25 વરસાદના પ્રચંડ પ્રવાહ માટે નાળાં અને ખીણો કોણે ખોદ્યા છે?
ગર્જના કરતો વીજળીનો માર્ગ કોણે બનાવ્યો છે?
26 જ્યાં માનવીએ પગ પણ નથી મૂક્યો,
એવી સૂકી અને ઉજ્જડ ધરતી પર તે ભરપૂર વરસાદ વરસાવે છે,
27 જેથી ઉજ્જડ તથા વેરાન જમીન તૃપ્ત થાય,
જેથી ત્યાં લીલોછમ ઘાસચારો ફૂટી નીકળે.
28 શું વરસાદનો કોઈ પિતા છે?
ઝાકળનાં બિંદુઓ ક્યાંથી આવે છે?
29 કોના ગર્ભમાંથી હિમ આવે છે?
આકાશમાં ઠરી ગયેલું સફેદ ઝાકળ કોણે ઉત્પન્ન કર્યું છે?
30 પાણી ઠરીને પથ્થરના જેવું થઈ જાય છે;
અને મહાસગારની ઊંડી સપાટી પણ થીજી જાય છે.
31 આકાશના તારાઓને શું તું પકડમાં રાખી શકે છે?
શું તું કૃતિકા અથવા મૃગશીર્ષનાં બંધ નક્ષત્રોને છોડી શકે છે?
32 શું તું તારાઓના સમૂહને નક્કી કરેલા સમયો અનુસાર પ્રગટ કરી શકે છે?
શું તું સપ્તષિર્ને તેના મંડળ સહિત ઘેરી શકે છે?
33 શું તું આકાશને અંકુશમાં લેવાના સિદ્ધાંતો જાણે છે?
શું તું આકાશોને પૃથ્વી પર સત્તા ચલાવવા સ્થાપી શકે છે?
34 શું તું તારો અવાજ વાદળાં સુધી પહોંચાડી શકે છે,
કે જેથી પુષ્કળ વરસાદ આવે?
35 શું તું વીજળીને આજ્ઞા કરી શકે છે કે,
તે તારી પાસે આવીને કહે કે, 'અમે અહીં છીએ?'
36 વાદળાંઓમાં ડહાપણ કોણે મૂક્યું છે?
અથવા ધુમ્મસને કોણે સમજણ આપી છે?
37 કોણ પોતાની કુશળતાથી વાદળોની ગણતરી કરી શકે?
કે, આકાશોની પાણી ભરેલી મશકોને કોણ રેડી શકે
38 જેથી ધરતી પર સર્વત્ર ધૂળ
અને માટી પાણીથી પલળીને એકબીજા સાથે ચોંટી જાય છે?
39 શું તું સિંહણને માટે શિકાર પકડી શકે,
અથવા તો શું તમે સિંહણના બચ્ચાની ભૂખને સંતોષી શકે છે?
40 જ્યારે તેઓ તેમની ગુફામાં લપાઈને બેઠા હોય ત્યારે
અથવા ઝાડીમાં સંતાઈને તેઓના શિકાર પર તરાપ મારવા તૈયાર બેઠા હોય ત્યારે?
41 જ્યારે કાગડા અને તેમનાં બચ્ચાં ખોરાકને માટે ભટકે છે
અને ઈશ્વરને પોકાર કરે છે
ત્યારે તેઓને ખોરાક કોણ પૂરો પાડે છે? PE
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×