1. {દાનધર્મ વિષે શિક્ષણ} PS માણસો તમને જુએ તે હેતુથી તેઓની આગળ તમારાં ન્યાયી કૃત્યો કરવાથી સાવધાન રહો; નહિ તો સ્વર્ગમાંનાં તમારા પિતાથી તમને બદલો મળશે નહિ.
2. માટે જયારે તમે દાનધર્મ કરો, ત્યારે જેમ ઢોંગીઓ સભાસ્થાનોમાં તથા રસ્તાઓમાં માણસોથી વખાણ પામવાને કરે છે, તેમ પોતાની આગળ રણશિંગડું ન વગાડો; હું તમને નિશ્ચે કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે. PEPS
3. પણ તમે જયારે દાનધર્મ કરો, ત્યારે જે તમારો જમણો હાથ કરે તે તમારો ડાબો હાથ ન જાણે;
4. એ માટે કે તમારા દાનધર્મ ગુપ્તમાં થાય; ગુપ્તમાં જોનાર તમારા પિતા તમને બદલો આપશે. PS
5. {પ્રાર્થના વિષે શિક્ષણ} PS જયારે તમે પ્રાર્થના કરો ત્યારે ઢોંગીઓનાં જેવા ન થાઓ; કેમ કે માણસો તેઓને જુએ, માટે તેઓ સભાસ્થાનોમાં તથા રસ્તાઓનાં નાકાંઓ પર ઊભા રહીને પ્રાર્થના કરવાનું ચાહે છે; હું તમને નિશ્ચે કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે.
6. પણ જયારે તમે પ્રાર્થના કરો, ત્યારે તમારી ઓરડીમાં જાઓ, બારણું બંધ કરીને ગુપ્તમાંના તમારા પિતાને પ્રાર્થના કરો અને ગુપ્તમાં જોનાર તમારા પિતા તમને બદલો આપશે.
7. તમે પ્રાર્થના કરતાં બિનયહૂદીઓની જેમ બકવાસ ન કરો, કેમ કે તેઓ ધારે છે કે અમારા ઘણાં બોલવાથી અમારું સાંભળવામાં આવશે. PEPS
8. એ માટે તમે તેઓના જેવા ન થાઓ; કેમ કે જેની તમને જરૂર છે, તે તેમની પાસે માગ્યા અગાઉ તમારા પિતા જાણે છે.
9. માટે તમે આ રીતે પ્રાર્થના કરો “ઓ સ્વર્ગમાંનાં અમારા પિતા, તમારું નામ પવિત્ર મનાઓ;
10. તમારું રાજ્ય આવો; જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઇચ્છા પૂરી થાઓ.
11. દિવસની અમારી રોટલી આજ અમને આપો;
12. જેમ અમે અમારા અપરાધીને માફ કર્યા છે, તેમ તમે અમારા અપરાધ અમને માફ કરો;
13. અમને પરીક્ષણમાં પડવા ન દો, પણ દુષ્ટથી અમારો છુટકારો કરો. કેમ કે રાજ્ય, પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારાં છે. આમીન.” PEPS
14. કેમ કે જો તમે માણસોના અપરાધો તેઓને માફ કરો, તો તમારા સ્વર્ગમાંનાં પિતા પણ તમને માફ કરશે.
15. પણ જો તમે માણસોને તેઓના અપરાધો માફ નહિ કરો, તો તમારા પિતા તમારા અપરાધો પણ તમને માફ નહિ કરે. PS
16. {ઉપવાસ સંબંધી શિક્ષણ} PS વળી જયારે તમે ઉપવાસ કરો, ત્યારે ઢોંગીઓની માફક ઊતરી ગયેલા ચહેરાવાળાં ન થાઓ, કેમ કે લોકોને ઉપવાસી દેખાવા માટે તેઓ પોતાના મોં પડી ગયેલા બતાવે છે. હું તમને નિશ્ચે કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે.
17. પણ જયારે તમે ઉપવાસ કરો, ત્યારે તમારા માથા પર તેલ લગાવો અને તમારો ચહેરો ધોઓ;
18. એ માટે કે ફક્ત માણસો ન જાણે કે તમે ઉપવાસ કરી રહ્યા છો, પણ તમારા પિતા જે ગુપ્તમાં છે તેમને તમે ઉપવાસી દેખાય અને ગુપ્તમાં જોનાર તમારા પિતા તમને બદલો આપશે. PS
19. {સ્વર્ગમાં દ્રવ્ય એકત્ર કરો} PS પૃથ્વી પર પોતાને સારુ દ્રવ્ય એકત્ર ન કરો, ત્યાં તો કીડા તથા કાટ નાશ કરે છે અને ચોરો દીવાલ તોડીને ચોરી જાય છે.
20. પણ તમે પોતાને સારુ સ્વર્ગમાં દ્રવ્ય એકત્ર કરો, જ્યાં કીડા અથવા કાટ નાશ નથી કરતા અને જ્યાં ચોરો દીવાલ તોડીને ચોરી જતા નથી.
21. કેમ કે જ્યાં તમારું દ્રવ્ય છે, ત્યાં જ તમારું ચિત્ત પણ રહેશે. PS
22. {શરીરનો દીવો} PS શરીરનો દીવો તે આંખ છે; એ માટે જો તમારી દ્રષ્ટિ સારી હોય, તો તમારું આખું શરીર પ્રકાશે ભરેલું થશે.
23. પણ જો તમારી દ્રષ્ટિ ખરાબ હોય, તો તમારું આખું શરીર અંધકારે ભરેલું થશે; માટે તમારામાં જે અજવાળું છે, તે જો અંધકારરૂપ હોય, તો તે અંધકાર કેટલો મોટો! PS
24. {ઈશ્વર અને મિલકત} PS કોઈ ચાકર બે માલિકોની ચાકરી કરી શકતો નથી; કેમ કે તે એકનો દ્વેષ કરશે, ને બીજા પર પ્રેમ કરશે, અથવા તે એકના પક્ષનો થશે, ને બીજાનો તિરસ્કાર કરશે. એકસાથે તમે ઈશ્વરની તથા દ્રવ્યની ચાકરી કરી શકો નહિ.
25. એ માટે હું તમને કહું છું કે તમારા જીવને સારુ ચિંતા ન કરો કે, અમે શું ખાઈશું અથવા શું પીશું; તેમ જ તમારા શરીરને માટે ચિંતા ન કરો કે, અમે શું પહેરીશું? શું જીવ ખોરાક કરતાં અને શરીર વસ્ત્રો કરતાં અધિક નથી?
26. આકાશનાં પક્ષીઓને જુઓ! તેઓ તો વાવતાં નથી, કાપતાં નથી અને વખારોમાં ભરતાં નથી, તોપણ તમારા સ્વર્ગીય પિતા તેઓનું પોષણ કરે છે; તો તેઓ કરતાં તમે અધિક મૂલ્યવાન નથી શું? PEPS
27. ચિંતા કરવાથી તમારામાંનો કોણ પોતાના જીવનકાળમાં એકાદ પળનો વધારો શકો છે?
28. વળી વસ્ત્રો સંબંધી તમે ચિંતા કેમ કરો છો? ખેતરનાં ફૂલઝાડોનો વિચાર કરો કે, તેઓ કેવાં વધે છે; તેઓ મહેનત કરતા નથી, તેઓ કાંતતાં પણ નથી;
29. તોપણ હું તમને કહું છું કે સુલેમાન પણ પોતાના સઘળા વૈભવમાં તેઓમાંના એકના જેવો પહેરેલો ન હતો. PEPS
30. એ માટે ખેતરનું ઘાસ જે આજે છે અને કાલે ભઠ્ઠીમાં નંખાય છે, તેને જો ઈશ્વર એવું પહેરાવે છે, તો, ઓ અલ્પવિશ્વાસીઓ, તમને શું તેથી વિશેષ નહિ પહેરાવે?
31. માટે 'અમે શું ખાઈશું', 'શું પીશું' અથવા 'શું પહેરીશું' એમ કહેતાં ચિંતા ન કરો. PEPS
32. કારણ કે એ સઘળાં વાનાં અવિશ્વાસીઓ શોધે છે; કેમ કે સ્વર્ગમાંનાં તમારા પિતા જાણે છે કે એ બધાની તમને જરૂર છે.
33. પણ તમે પ્રથમ તેમના રાજ્યને તથા તેમના ન્યાયીપણાને શોધો અને એ બધાં વાનાં પણ તમને અપાશે.
34. તે માટે આવતી કાલને સારુ ચિંતા ન કરો, કેમ કે આવતી કાલ પોતાની વાતોની ચિંતા કરશે; દિવસને સારુ તે દિવસનું દુઃખ બસ છે. PE