Bible Versions
Bible Books

1 Kings 12 (GUV) Gujarati Old BSI Version

1 રહાબામ શખેમ ગયો, કેમ કે તમામ ઇઝરાયલ તેને રાજા ઠરાવવા માટે શખેમ આવ્યા હતા.
2 નબાટના દીકરા યરોબામે સાંભળ્યું, (કેમ કે તે હજી સુધી મિસરમાં હતો, જ્યાં તે સુલમાન રાજાની હજૂરમાંથી નાસી ગયો હતો, તેથી યરોબામ મિસરમાં રહેતો હતો
3 ત્યાંથી તેઓએ માણસ મોકલીને તેને તેડાવ્યો;) ત્યારે એમ થયું કે યરોબામે તથા ઇઝરયલની સમગ્ર પ્રજાએ આવીને રહાબામને કહ્યું,
4 “તમારા પિતાએ અમારા પરની ઝૂંસરી ભારે કરી હતી, તો હવે તમારા પિતાની સખત વેઠ તથા અમારા પર તેમણે મૂકેલી તેમની ભારે ઝૂંસરી તમે હલકી કરો, તો અમે તમારી સેવા કરીશું.”
5 તેણે તેઓને કહ્યું, “તમે અહીથી ત્રણ દિવસ સુધી જાઓ, અને ત્યાર પછી મારી પાસે પાછા આવજો, એટલે તે લોકો ગયા.
6 રહાબામ રાજાએ પોતાના પિતા સુલેમાનની હયાતીમાં, તેની હજૂરમાં જે વડીલો ખડા રહેતા હતા તેઓની સલાહ લેતાં પૂછયું, “આ લોકોને ઉત્તર આપવા માટે તમે શી સલાહ આપો છો?”
7 તેઓએ તેને કહ્યું, “જો તમે આજે લોકોના સેવક થશો, તેઓની સેવા કરશો, તેઓને ઉત્તર આપશો, ને તેઓને સારાં વચનો કહેશો, તો તેઓ સદા તમારા સેવક થઈ રહેશે.”
8 પણ વડીલોએ તેને આપેલી સલાહનો તેણે ત્યાગ કર્યો; અને જે જુવાનિયા તેની સાથે મોટા થયા હતા, ને જે તેની હજૂરમાં ઊભા રહેતા હતા, તેઓની સલાહ તેણે પૂછી.
9 તેણે તેઓને કહ્યું, “આ જે લોકોએ મને કહ્યું છે કે, તમારા પિતાએ અમારી પર મૂકેલી ઝૂંસરી તમે હલકી કરો. તેઓને આપણે ઉત્તર આપીએ માટે તમે શી સલાહ આપો છો?”
10 જે જુવાનિયા તેની સાથે મોટા થયા હતા તેઓએ તેને કહ્યું, “આ જે લોકે તમને એમ કહ્યું કે, તમારા પિતાએ અમારા પરની ઝુંસરી ભારે કરી હતી, પણ તમે તે અમારા પરની હલકી કરો. તેઓને તમારે એમ કહેવું, ‘મારી ટચલી આંગળી મારા પિતાની કમર કરતાં જાડી છે.
11 અને હવે મારા પિતાએ તમારા પર ભારે ઝૂંસરી લાદી, તો હું તમારા પરની ઝૂંસરી વધારીશ; મારા પિતાએ તમને ચાબખાથી શિક્ષા કરી, પણ હું તમને વીંછુઓથી શિક્ષા કરીશ.’”
12 રાજાએ ફરમાવેલું, “ત્રીજે દિવસે મારી પાસે પાછા આવજો” તે પ્રમાણે યરોબામ તથા સર્વ લોકો ત્રીજે દિવસે રહાબામ પાસે આવ્યા.
13 રાજાએ લોકોને સખ્તાઈથી ઉત્તર આપ્યો, ને વડીલોએ તેને જે સલાહ આપી હતી તેનો ત્યાગ કર્યો;
14 અને પેલા જુવાનિયાઓની સલાહ પ્રમાણે તેઓને કહ્યું, “મારા પિતાએ તમારી ઝુંસરી ભારે કરી પણ હું તો તમારી ઝૂંસરી વધારીશ; મારા પિતા તમને ચાબખાથી શિક્ષા કરતા, પણ હું તો તમને વીંછુઓથી શિક્ષા કરીશ.”
15 એમ રાજાએ લોકોનું કહેવું સાંભળ્યું નહિ; કેમ કે બનાવ યહોવા તરફથી બન્યો કે, જેથી યહોવાએ પોતાનું જે વચન શીલોની અહિયાની મારફતે નબાટના દીકરા યરોબામને આપ્યું હતું તે તે સ્થાપિત કરે.
16 જ્યારે સર્વ ઇઝરયલે જોયું કે રાજા અમારું સાંભળતો નથી, ત્યારે લોકોએ રાજાને ઉત્તર આપ્યો, “દાઉદમાં અમારો શો ભાગ છે? તેમ યિશાઈના પુત્રમાં અમારો વારસો નથી; હે ઇઝરાયલ, તમે તમારા તંબુએ જાઓ. હવે, હે દાઉદ, તું તારું ઘર સંભાળી લે.” એમ ઇઝરાયલ પોતપોતાના તંબુએ ગયા.
17 પણ યહૂદિયાનાં નગરોમાં રહેનાર ઇઝરાયલી લોકો પર તો રહાબામે રાજ કર્યું.
18 ત્યાર પછી અદોરામ જે લશ્કરી વેઠ કરનારાનો ઉપરી હતો, તેને રહાબામ રાજાએ મોકલ્યો, અને સર્વ ઇઝરાયલે તેને પથ્થરે એવો માર્યો કે તે મરી ગયો. અને રહાબામ રાજા યરુશાલેમ નાસી જવા માટે ઉતાવળથી પોતાના રથ પર ચઢી બેઠો.
19 એમ ઇઝરાયલે દાઉદના કુટુંબની વિરુદ્ધ આજ સુધી બંડ કરેલું છે.
20 જ્યારે સર્વ ઇઝરાયલે સાંભળ્યું કે યરોબામ પાછો આવ્યો છે, ત્યારે એમ થયું કે તેઓએ માણસ મોકલીને તેને સભામાં બોલાવ્યો, ને તેને સર્વ ઇઝરાયલ પર રાજા ઠરાવ્યો. એકલા યહૂદાના કુળ સિવાય, દાઉદના કુટુંબની મદદે કોઈ રહ્યું નહિ.
21 સુલેમાનનો દીકરો રહાબામ યરુશાલેમ આવ્યો ત્યારે તેણે પોતાના તરફ રાજ્ય પાછું લાવવા માટે ઇઝરાયલના કુળોની વિરુદ્ધ યુદ્ધ કરવા સારુ યહૂદાના આખા કુળના તથા બિન્યામીનના કુળના એક લાખ એંશી હજાર ચૂંટી કાઢેલા લડવૈયા એકત્ર કર્યા.
22 પણ ઈશ્વરની વાણી ઈશ્વર ભક્ત શમાયા પાસે પ્રમાણે આવી,
23 “યહૂદીયાના રાજા સુલેમાનના દીકરા રહાબામને, ને યહૂદા તથા બિન્યામીનના આખા ઘરનાંને તથા બાકીના લોકોને એમ કહે કે,
24 ‘યહોવા આમ કહે છે, તમે ચઢાઈ કરશો, તેમ તમારા ભાઈ ઇઝરાયલી લોકોની સામે યુદ્ધ કરશો, સર્વ માણસો પોતપોતાને ઘેર પાછા જાઓ, કેમ કે બાબત મારા તરફથી બની છે, ’” માટે તેઓ યહોવાની વાત સાંભળીને યહોવાના કહેવા પ્રમાણે પાછા ફરીને પોતપોતાને માર્ગે પડ્યા.
25 પછી યરોબામે એફ્રાઈમના પહાડી પ્રદેશમાં શખેમ બાંધ્યું, ને તેમાં રહ્યો; અને ત્યાંથી નીકળીને તેણે પનુએલ બંધ્યું.
26 અને યરોબામે પોતાના મનમાં ધાર્યું, “હવે રાજ્ય દાઉદના કુટુંબને પાછું મળશે.
27 જો લોક યરુશાલેમમાં યહોવાના ઘરમાં યજ્ઞ કરવા માટે જશે, તો લોકનું મન તેમના ધણી તરફ એટલે યહૂદિયાના રાજા રહાબામ તરફ પાછું ફરી જશે અને તેઓ મને મારી નાખીને યહૂદિયાના રાજા રહાબામ પાસે પાછા જતા રહશે.”
28 તે પરથી રજાએ સલાહ લઈને સોનાના બે વાછરડા બનાવ્યા. અને યરોબામે તેમને કહ્યું. “યરુશાલેમમાં જવું તમને ઘણું મશ્કેલ થઈ પડે છે. હે ઇઝરાયલ જો, તારા જે દેવો મિસર દેશમાંથી તને કાઢી લાવ્યા તે રહ્યા.”
29 અને એકને તેણે બેથેલમાં ઊભો કર્યો, ને બીજાને તેણે દાનમાં મૂક્યો..
30 અને વાત પાપરૂપ થઈ પડી, કેમ કે લોકો એકની પૂજા કરવા માટે દાન સુધી જતા હતા.
31 વળી તેણે ઉચ્ચસ્થાનોનાં ઘર બંધાવ્યાં, ને લેવીપુત્રોના નહિ એવા સર્વ લોકમાંથી તેણે યાજક ઠરાવ્યા.
32 યરોબામે આઠમાં માસમાં, માસને પંદરમે દિવસે, જે પર્વ યહૂદિયામાં છે તેના જેવું પર્વ ઠરાવ્યું, ને તેણે વેદી પર બલિદાન આપ્યાં. તે પ્રમાણે તેણે બેથેલમાં કર્યું, ને પોતાના બનાવેલા વાછરડાઓનાં બલિદાન આપ્યાં.ઉચ્ચસ્થાનોના જે યાજકો તેણે ઠરાવ્યા હતા, તેઓને તેણે બેથેલમાં રાખ્યા.
33 વળી જે વેદી તેણે બેથેલમાં બનાવી હતી તેની પાસે આઠમાં માસમા, પંદરમે દિવસે તે ગયો, અને ઇઝરાયલી લોકોને માટે તેણે પર્વ ઠરાવ્યું, ને ધૂપ બાળવા માટે તે વેદી પાસે ગયો.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×