Bible Versions
Bible Books

Ezekiel 22 (GUV) Gujarati Old BSI Version

1 વળી યહોવાનું વચન મારી પાસે આવ્યું,
2 “હે મનુષ્યપુત્ર, શું તું ન્યાય કરશે, શું તું ખૂની નગરનો ન્યાય કરશે? એમ હોય તો તેને તેનાં સર્વ ધિક્કારપાત્ર કૃત્યો જણાવ.
3 તારે કહેવું કે, પ્રભુ યહોવા કહે છે કે, હે પોતાનો કાળ લાવવા માટે પોતાની મધ્યે રક્ત વહેવડાવનાર, ને પોતાને ભ્રષ્ટ કરવા માટે મૂર્તિઓ બનાવીને પોતાનું નુકસાન કરનાર નગર!
4 જે રક્ત તેં વહેવડાવ્યું છે તેથી તું દોષિત થયું છે, ને જે મૂર્તિઓ તેં બનાવી છે તેઓથી તું ભ્રષ્ટ થયું છે. અને તું તારો કાળ નજીક લાવ્યો છે, ને તારાં વરસોનો અંત આવી પહોચ્યો છે; માટે મેં તને સર્વ પ્રજાઓની નજરમાં મહેણારૂપ તથા સર્વ દેશોની આગળ હાંસીપાત્ર કર્યુ છે.
5 હે આબરૂહીન તથા સંપૂર્ણ ધાંધલખોર નગર, તારી પાસે રહેનારાઓ તથા તારાથી દૂર રહેનારાઓ તારી મશ્કરી કરશે.
6 જો, ઇઝરાયલના સરદારો રક્ત વહેવડાવવાને તારી અંદર આપખુદી વાપરનારા થયા છે.
7 તારી અંદર માત-પિતાનો તિરસ્કાર કરવામાં આવ્યો છે. તારી અંદર પરદેશીઓ પર કેર વર્તાવવામાં આવ્યો છે. તારી અંદર અનાથ પર તથા વિધવાઓ પર જુલમ ગુજારવામાં આવ્યો છે.
8 તેં મારી પવિત્ર વસ્તુઓને તુચ્છ ગણી છે, ને મારા સબ્બાથોને ભ્રષ્ટ કર્યા છે.
9 તારી અંદર ચાડિયા રકત વહેવડાવનાર થઈ ગયા છે; અને તારી અંદર લોકોએ પર્વતો પર ભોજન કર્યા છે. તારામાં તેઓએ લંપટપણું કર્યું છે.
10 તારી અંદર તેઓએ પોતાના પિતાઓની નગ્નતા ઉઘાડી કરી છે. તેઓએ અળગી બેઠીલી સ્ત્રીની આબરુ લીધી છે.
11 એકે પોતાના પડોશીની સ્ત્રી સાથે કુકર્મ કર્યું છે; અને બીજાને લંપટતાથી પોતાની પૂત્રવધૂને ભ્રષ્ટ કરી છે; અને ત્રીજાએ પોતાની બહેનની એટલે પોતાની પિતાની દીકરીની અબરુ લીધી છે.
12 તારી અંદર લોકોએ લાંચ લઈને રક્ત વહેવડાવ્યું છે; તેં વ્યાજ તથા વટાવ લીધા છે, ને તેં લોભથી જુલમ ગુજારીને તારા પડોશી સાથે લાભ મેળવ્યો છે, ને તું મને વીસરી ગયો છે, એમ પ્રભુ યહોવા કહે છે.
13 તે માટે, જો, જે અપ્રમાણિક લાભ તેં મેળવ્યો છે, તથા જે રકત તેં તારામાં વહેવડાવેલું છે તેને લીધે મેં મારો હાથ પછાડ્યો છે.
14 હું તારી ખબર લઈશ તે સમયે શું તારું હ્રદય ર્દઢ રહી શકશે? અથવા શું તારા હાથમાં શક્તિ રહેશે? હું યહોવા તે બોલ્યો છું, ને તે હું પાર પાડીશ.
15 હું તને વિદેશીઓમાં વિખેરી નાખીશ, ને તને દેશેદેશ વેરણખેરણ કરી નાખીશ. અને હું તારી મલિનતા તારામાંથી નષ્ટ કરીશ.
16 તું વિદેશીઓના જોતાં તારે પોતાને હાથે કરીને ભ્રષ્ટ થશે; ત્યારે તું જાણશે કે હું યહોવા છું.”
17 વળી યહોવાનું વચન મારી પાસે આવ્યું,
18 “હે, મનુષ્યપુત્ર, ઇઝરાયલનું કુળ મને કથીરરૂપ થઈ પડ્યું છે. તેઓ સર્વ ભઠ્ઠીમાંનું પિત્તળ, કલાઈ લોઢું તથા સીસું છે; તેઓ રૂપાનો ભેગ છે.
19 માટે પ્રભુ યહોવા કહે છે કે તમે સર્વ કથીરરૂપ થયા છો. તે કરારને લીધે જુઓ, હું તમને યરુશાલેમમાં ભેગા કરીશ.
20 જેમ લોકો રૂપાને, પિત્તળને, લોઢાને, સીસાને, તથા કલાઈને ભઠ્ઠીમાં ભેગા કરીને તેમના પર હું મારા રોષમાં તથા ક્રોધમાં તમને ભેગાં કરીને તથા ત્યાં નાખીને તમને પિગાળીશ.
21 હા, હું તમને ભેગા કરીશ, ને મારો કોપરૂપી અગ્નિ તમારા પર ફૂંકીશ, ને તેમાં તમે પીગળી જશો.
22 જેમ રૂપું ભઠ્ઠીમાં પીગળી જાય છે, તેમ તમને તેમાં પિગાળવામાં આવશે, ત્યારે તમે જાણશો કે મેં યહોવાએ મારો ક્રોધ તમારા પર રેડ્યો છે.”
23 વળી યહોવાનું વચન મારી પાસે આવ્યું,
24 “હે મનુષ્યપુત્ર, તેને કહે કે, તું તો નાપાક તથા ક્રોધને સમયે જેમાં વરસાદ વરસ્યો હોય એવો દેશ છે.
25 શિકારને ફાડી ખાનાર ગાજતા સિંહના જેવા તેના આગેવાનોની મસલત તેનામાં છે. તેઓએ આત્માઓને ફાડી ખાધા છે. તેઓ દ્રવ્ય તથા મૂલ્યવાન વસ્તુઓનું હરણ કરે છે. તેમાં તેઓએ વિધવાઓની સંખ્યા વધારી દીધી છે.
26 તેના યાજકોએ મારા નિયમશાસ્ત્રનો ભંગ કર્યો છે, ને મારી અર્પિત વસ્તુઓને ભ્રષ્ટ કરી છે. તેઓએ પવિત્ર તથા સાધારણની વચ્ચે તફાવત રાખ્યો નથી, ને તેઓએ માણસોને અશુદ્ધ તથા શુદ્ધની વચ્ચેનો ભેદ બતાવ્યો નથી, ને મારા સાબ્બાથો તરફ પોતાની આંખો મીંચી દીધી છે, ને તેઓમાં મારું નામ બદનામ થાય છે.
27 તેના સરદારો શિકારને ફાડી ખાનાર વરુઓ જેવા છે; તેઓ અપ્રમાણિક લાભ મેળવવાને રક્ત વહેવડાવે છે, ને પ્રાણઘાત કરે છે.
28 યહોવા બોલ્યા હોય તેમ છતાં, ‘યહોવા કહે છે, એમ કહીને લોકોને વ્યર્થ સંદર્શનો ઊભાં કરીને ને તેમને જૂઠા શકુન જોઇ આપીને તેમના પ્રબોધકોએ કાચા કોલથી તેમને લપેડો કર્યો છે.
29 દેશના લોકોએ જુલમ ગુજાર્યો છે, ને લૂંટ કરી છે. હા, તેઓએ ગરીબોને તથા કંગાલોને હેરાન કર્યા છે, ને પરદેશીઓ ઉપર નાહક જુલમ ગુજાર્યો છે.
30 તેઓની અંદર મેં એવો માણસ શોધ્યો કે જે આડરૂપ થઈને મારી તથા દેશની વચ્ચે છીંડામાં ઊભો રહીને મને તેનો નાશ કરતાં વારે; પણ મને એવો એકે માણસ મળ્યો નહિ.
31 માટે મેં મારો કોપ તેમના પર રેડ્યો છે. મારા ક્રોધરૂપી અગ્નિથી મેં તેમને ભસ્મ કર્યા છે. પ્રભુ યહોવા કહે છે કે, તેમના પોતાના આચરણનું ફળ મેં તેઓને આપ્યું છે.”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×