Bible Versions
Bible Books

Psalms 60 (GUV) Gujarati Old BSI Version

1 મુખ્ય ગવૈયાને માટે. રાગ શૂશાન-એડૂથ; શિખામણને અર્થે દાઉદનું મિખ્તામ. તે અરામ-નાહરાઈમ તથા અરામ-સોબા સાથે લડયો, ને યોઆબે પાછા ફરીને ખારના નીચાણમાં અદોમમાંના બાર હજાર માણસ માર્યા, તે વખતનું. હે ઈશ્વર, તમે અમને તજી દીધા છે, તથા પાયમાલ કરી નાખ્યા છે: તમે કોપાયમાન થયા છો; અસલ સ્થિતિમાં અમને પાછા સ્થાપો.
2 તમે દેશને ધ્રુજાવ્યો છે, તમે તેને ચીરી નાખ્યો છે; તેના વિભાગોને તમે સમારો, કેમ કે તે કાંપે છે.
3 તમે તમારા લોકોને કઠણ પ્રસંગો બતાવ્યા છે; તમે અમને લથડિયાં ખવડાવનારો દ્રાક્ષારસ પાયો છે.
4 તમે તમારી બીક રાખનારાઓને ધ્વજા આપી છે, જેથી તે સત્યને અર્થે ઊંચી કરાય. (સેલાહ)
5 તમારા પ્રિય લોક છૂટી જાય, માટે તમારા જમણા હાથથી તેઓનું તારણ કરીને મને ઉત્તર આપો.
6 ઈશ્વર પોતાની પવિત્રતાએ બોલ્યા છે: “હું હરખાઈશ; હું શખેમને વહેંચી દઈશ, ને સુક્કોથનું નીચાણ વહેંચી આપીશ.
7 ગિલ્યાદ મારું છે, મનાશ્શા પણ મારું છે; વળી એફ્રાઈમ મારા માથાનો ટોપ છે; યહુદિયા મારો રાજદંડ છે.
8 મોઆબ મારો કળશિયો છે; અદોમ ઉપર હું મારું ખાસડું નાખીશ; હે પલિસ્તી દેશ, મારો જયઘોષ કર.”
9 મોરચાબંધ નગરમાં મને કોણ લાવશે? અદોમમાં મને કોણ લઈ જશે?
10 હે ઈશ્વર, તમે શું અમને તજી દીધા નથી? તમે અમારાં સૈન્યોની સાથે નીકળતા નથી.
11 વૈરીની સામે અમને સહાય કરો; કેમ કે માણસે કરેલો બચાવ વ્યર્થ છે.
12 ઈશ્વરની સહાયથી અમે પરાક્રમ કરીશું; તે અમારા વૈરીઓને છૂંદી નાખશે.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×