Bible Versions
Bible Books

2 Samuel 15 (GUV) Gujarati Old BSI Version

1 ત્યાર પછી એમ થયું કે આબ્‍શાલોમે પોતાને માટે રથ, ઘોડા તથા પોતાની આગળ દોડવા માટે પચાસ માણસો તૈયાર કર્યા.
2 અને આબ્શાલોમ વહેલી સવારે ઊઠીને દરવાજાના રસ્તાની બાજુએ ઊભો રહેતો; અને એમ થતું કે કોઈ માણસની એવી ફરિયાદ હોય કે જેના ચુકાદા માટે રાજા પાસે જવું પડે, ત્યારે ત્યારે આબ્‍શાલોમ તેને બોલાવીને પૂછતો, “તું ક્યા નગરનો છે?” ત્યારે તે કહેતો, “તારો દાસ ઇઝરાયલના અમુક કુળમાંનો છે.”
3 આબ્શાલોમ તેને કહેતો, “જો, તારી ફરિયાદ ખરી તથા વાજબી છે; પણ તારું સાંભળવા માટે રાજા તરફથી ઠરાવેલો કોઈ માણસ નથી.”
4 વળી આબ્શાલોમ કહેતો, “આ દેશમાં મને ન્યાયાધીશ ઠરાવવામાં આવે, અને દાવા કે તકરારવાળો દરેક માણસ મારી પાસે આવે, ને હું તેનો ફેંસલો કરું તો કેવું સારું!”
5 અને એમ થતું કે કોઈ માણસ તેને નમસ્કાર કરવા માટે પાસે આવતો, ત્યારે તે હાથ લાંબા કરીને તેને ભેટીને તેને ચુંબન કરતો.
6 ઇઝરાયલના જે માણસો રાજા પાસે ન્યાય માગવા આવતા, તે સર્વની સાથે આબ્શાલોમ પ્રમાણે વર્તતો; પ્રમાણે આબ્શાલોમે ઇઝરાયલના માણસોનાં હ્રદય હરી લીધાં.
7 ચાર વર્ષ પછી એમ થયું કે આબ્શાલોમે રાજાને કહ્યું, “મેં યહોવા આગળ માનતા રાખી છે, તે ઉતારવા માટે કૃપા કરીને મને હેબ્રોન જવા દો.
8 કેમ કે હું અરામના ગશૂરમાં રહેતો હતો, ત્યારે મેં એવી માનતા રાખી હતી કે, ‘જો યહોવા મને નક્‍કી યરુશાલેમમાં પાછો લાવશે, તો હું યહોવાની આરાધના કરીશ.”
9 રાજાએ તેને કહ્યું, “શાંતિએ જા.” એટલે તે ઊઠીને હેબ્રોન ગયો.
10 પણ આબ્શાલોમે ઇઝરાયલનાં સઘળાં કુળોમાં જાસૂસો મોકલીને કહાવ્યું, “તમે રણશિંગડાનો અવાજ સાંભળો કે તરત તમારે કહેવું કે, હેબ્રોનમાં આબ્શાલોમ રાજા છે.”
11 નોતરેલા બસો માણસો યરુશાલેમથી આબશાલોમ સાથે ગયા હતા, તેઓ ભોળપણમાં ગયા હતા, અને તેઓ કંઈ પણ જાણતા હતા.
12 આબ્શાલોમ યજ્ઞ કરતો હતો, તે દરમિયાન તેણે દાઉદના મંત્રી અહિથોફેલ ગીલોનીને તેના નગરથી એટલે ગીલો નગરથી તેડાવ્યો. અને બંડ ભારે થયું; કેમ કે આબ્‍શાલોમના પક્ષમાં લોકો સતત વધતા જતા હતા.
13 અને એક સંદેશવાહકે દાઉદ પાસે આવીને કહ્યું, “ઇઝરાયલના માણસોનાં હ્રદય આબ્શાલોમની તરફ છે.”
14 દાઉદે પોતાના જે સવકો યરુશાલેમમાં તેની સાથે હતા, તે સર્વને કહ્યું, “ઊઠો, આપણે નાસી જઈએ. નહિ તો આપણામાંનો કોઈ પણ આબ્શાલોમથી બચવાનો નથી. ઉતાવળથી નીકળો, રખેને તે આપણને જલદીથી પકડી પાડે, ને આપણા પર આફત લાવીને તરવારની ધારથી નગરનો સંહાર કરે.”
15 રાજાના સેવકોએ રાજાને કહ્યું, “અમારા મુરબ્બી રાજાને કહ્યું, “અમારા મુરબ્બી રાજાને કંઈ સારું લાગે તે કરવાને તમારા સેવકો તૈયાર છે.”
16 પછી રાજા તથા તેની પાછળ તેનું આખું કુટુંબ ચાલી નીકળ્યું, ઘર સંભાળવા માટે રાજાએ દશ ઉપપત્નીઓને રહેવા દીધી.
17 રાજા તથા તેની પાછળ સર્વ લોક ચાલી નીકળ્યા. અને રસ્તા પર આવેલા છેલ્લા ઘર આગળ તેઓ થોભ્યા.
18 તેના સઘળા સેવકો તેની પડખે ચાલતા હતા; અને સર્વ કરેથીઓ, સર્વ પલેથીઓ તથા સર્વ ગિત્તીઓ, એટલે ગાથથી તેની પાછળ આવેલા છસો માણસો, રાજાની આગળ ચાલતા હતા.
19 ત્યારે ઇત્તાય ગિત્તીને રાજાએ કહ્યું “અમારી સાથે તમે પણ કેમ આવો છો? તમે પાછા જાવ, ને રાજા પાસે રહો; કેમ કે તમે પરદેશી ને વળી સ્વદેશવિયોગી છો; તમે પોતાને સ્થાને પાછા જાવ.
20 વળી તમે કાલે આવ્યા છો, ને હું તો મને ફાવે ત્યાં જાઉં છું, તો શું હું તમને આજે અમારી સાથે અહીંતહીં અથડાવું? તમે પાછા જાવ, ને તમારા ભાઈઓને પાછા લઈ જાવ, દયા તથા સત્યતા તમારી સાથે હોજો.”
21 ઇત્તાયે રાજાને ઉત્તર આપ્યો “જીવતા યહોવાના તથા મારા મુરબ્બી રાજાના સોગન, કે જ્યાં જ્યાં તમે જશો, ત્યાં મરવાનું હોય કે જીવવાનું હોય, તોપણ ત્યાં હું પણ નક્કી જઈશ.”
22 અને દાઉદ ઇત્તાયને કહ્યું, “તમે, પેલે પાર ઊતરી જાવ.” તેથી ઇત્તાય ગિત્તી, તેનાં બધાં માણસો, તથા તેની સાથેનાં બધાં બાળકો, પેલી પાર ઊતરી ગયાં.
23 અને આખો દેશ પોક મૂકીને રડ્યો, ને બધા લોક પેલી પાર ગયા. રાજા પંડે પણ કિદ્રોન નાળું ઊતર્યો, અને બધા લોકો રાનમાં માર્ગ તરફ પેલી પાર ગયા.
24 અને જુઓ, સાદોક તથા તેની સાથે સર્વ લેવીઓ ઈશ્વરના કરારનો કોશ ઊંચકીને આવ્યા; અને તેઓએ ઈશ્વરનો કોશ નીચે મૂક્યો, ને સર્વ લોક નગરમાંથી નીકળી રહ્યા ત્યાં સુધી અબ્યાથાર ઉપર ગયો.
25 અને રાજાએ સાદોકને કહ્યું, “ઈશ્વરના કોશને પાછો નગરમાં લઈ જાઓ; જો હું યહોવાની દષ્ટિમાં કૃપા પામીશ, તો તે મને પાછો લાવશે, ને કોશ તથા તેનું રહેઠાણ બન્‍ને મને ફરી બતાવશે.
26 પણ જો તે એમ કહે, ‘હું તારા પર રાજી નથી, તો જો હું રહ્યો, જેમ ઈશ્વરને સારું લાગે તેમ તે મને કરે.”
27 વળી રાજાએ સાદોક યાજકને કહ્યું, “શું તમે પ્રબોધક નથી? તમારા બે દિકરાને, એટલે તમારા દિકરા અહિમાઆસને તથા અબ્યાથારના દિકરા યોનાથાનને તમારી સાથે ઈને શાંતિએ નગરમાં પાછા જાઓ.
28 તમારી તરફથી મને ખાતરીદાયક ખબર નહિ મળે ત્યાં સુધી હું રાન તરફના આરા આગળ થોભીશ.”
29 માટે સાદોક તથા અબ્યાથાર ઈશ્વરનો કોશ પાછો યરુશાલેમમાં લઈ ગયા; અને તેઓ ત્યાં રહ્યા.
30 દાઉદ રડતો જૈતુન પર્વત ના ઢોળાવ પર ચઢ્યો; તેનું માથું ઢાંકેલું હતું, ને તે ઉઘાડે પગે ચાલતો હતો. તેની સાથેના સર્વ લોકમાંના દરેક માણસે પોતાનું માથું ઢાંક્યું હતું, ને તેઓ રડતા રડતા ઉપર ચઢ્યા.
31 કોઈએ દાઉદને કહ્યું, “અહિથોફેલ આબ્શાલોમ સાથેના બંડખોર લોકોમાં છે.” દાઉદે કહ્યું, “હે યહોવા કૃપા કરીને અહિથોફેલની સલાહને તમે મૂર્ખતામાં ફેરવી નાખજો.”
32 પર્વતના શિખર પર, જ્યાં ઈશ્વરનું ભજન કરવામાં આવતું હતું ત્યાં દાઉદ આવ્યો, ત્યારે એમ થયુ, કે જુઓ, હુશાય આર્કી તેને મળવા આવ્યો. તેનો ડગલો ફાટેલો, ને તેના માથા પર ધૂળ હતી.
33 દાઉદે તેને કહ્યું, “જો તું મારી સાથે આવે, તો તું મને ભારરૂપ થઈ પડે;
34 પણ જો તું નગરમાં પાછો જઈને આબ્શાલોમને કહે, ‘હે રાજા, હું તારો સેવક થઈ રહીશ; જેમ ગતકાળમાં હું તમારા પિતાનો સેવક હતો, તેમ હવે હું તમારો સેવક થઈશ.’ તો તું મારી ખાતર અહિથોફેલની સલાહ નિષ્ફળ કરી શકીશ.
35 વળી શું સાદોક તથા આબ્યાથાર યાજકો તારી સાથે ત્યાં નથી? તેથી એમ થશે કે જે જે વાતો રાજાના ઘરમાંથી તારા સાંભળવામાં આવે, તે તે સર્વ તું સાદોક તથા અબ્યાથાર યાજકોને કહેજે.
36 જો, ત્યાં તેઓના બે દીકરા, એટલે સાદોકનો દિકરો અહિમઆસ ને અબ્યાથારનો દિકરો યોનાથાન તેઓની સાથે છે; અને જે કંઈ તમે સાંભળો, તે તમે તેઓની મારફતે મને કહાવી મોકલજો.”
37 તેથી દાઉદનો મિત્ર હુશાય નગરમાં ગયો; અને આબ્શાલોમ પણ યરુશાલેમમાં આવ્યો.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×