Bible Versions
Bible Books

Zechariah 14 (GUV) Gujarati Old BSI Version

1 “જો, યહોવાનો એક એવો દિવસ આવે છે કે જ્યારે તારી લૂંટ તારી મધ્યે વહેંચવામાં આવશે.
2 કેમ કે હું સર્વ પ્રજાઓને યરુશાલેમની સામે યુદ્ધ કરવાને એકત્ર કરીશ; અને તે નગર સર કરવામાં આવશે, ઘરો લૂંટવામાં આવશે, ને સ્ત્રીઓની આબરૂ લેવામાં આવશે. અડધું નગર ગુલામગીરીમાં જશે, પણ બાકીના લોકોને નગરમાંથી કાપી નાખવામાં આવશે નહિ.”
3 ત્યાર પછી યહોવા, જેમ પોતે યુદ્ધને દિવસે લડયા હતા તેમ, તે પ્રજાઓની સામે જઈને લડશે.
4 તે દિવસે તેમના પગ યરુશાલેમની સામે પૂર્વ દિશાએ આવેલા જૈતૂન પર્વત પર ઊભા રહેશે, ને જૈતૂન પર્વત વચ્ચોવચથી પૂર્વ તરફ ને પશ્ચિમ તરફ ફાટશે, જેથી બહુ મોટી ખીણ થઈ જશે; અડધો પર્વત ઉત્તર તરફ ને અડધો દક્ષિણ તરફ ખસી જશે.
5 તમે પર્વતોની ખીણમાં થઈને નાસી જશો, કેમ કે પર્વતોની ખીણ આસેલ સુધી પહોંચશે. હા, યહૂદિયાના રાજા ઉઝિયાના સમયમાં ધરતીકંપથી જેમ તમે નાસી છૂટયા હતા તેમ તમે નાસી જશો; અને મારો ઇશ્વર યહોવા પોતાની સાથે સર્વ પવિત્રોને લઈને આવશે.
6 તે દિવસે અજવાળામાં ચોખ્ખો પ્રકાશ કે ચોખ્ખો અંધકાર હશે નહિ.
7 પણ તે એવો દિવસ હશે‍ કે જે વિષે યહોવા જાણે છે. એટલે દિવસ નહિ, તેમ રાત પણ નહિ; પણ એવું બનશે કે, સાંજની વખતે અજવાળું હશે.
8 વળી તે દિવસે યરુશાલેમમાંથી જીવતાં પાણી નીકળીને વહેશે; એટલે અડધાં પૂર્વ સમુદ્ર તરફ ને અડધાં પશ્ચિમ સમુદ્ર તરફ; એમ ઉનાળામાં તથા શિયાળામાં પણ થશે.
9 યહોવા આખી પૃથ્વી ઉપર રાજા થશે. તે દિવસે યહોવા એક મનાશે, ને તેમનું નામ એક હશે.
10 આખો દેશ ગેબાથી તે યરુશાલેમની દક્ષિણે રિમ્મોન સુધી બદલાઈને મેદાન થઈ જશે. બિન્યામીનના દરવાજાથી પહેલા દરવાજા સુધી, અને હનાનેલના બુરજથી તે રાજાના દ્રાક્ષાકુંડ સુધી, યરુશાલેમને ઊંચું કરવામાં આવશે, અને તે પોતાને સ્થાને રહેશે.
11 માણસો તેમાં વસશે, ને ફરીથી શાપ આવશે નહિ; પણ યરુશાલેમ સહીસલામત રહેશે.
12 જે સર્વ પ્રજાઓએ યરુશાલેમની વિરુદ્ધ યુદ્ધ કર્યું હશે તેમના ઉપર યહોવા મરકીનો માર લાવશે: માર એવો આવશે કે તેઓ પોતાને પગે ઊભા હશે એટલામાં તેમનું માંસ ક્ષીણ થઈ જશે, તેમની આંખો તેઓના ખાડામાં ક્ષીણ થઈ જશે.
13 તે દિવસે યહોવા તરફથી તેઓમાં મોટો ગભરાટ થઈ રહેશે. તેઓ એકબીજાના હાથ પકડશે, ને દરેક માણસન હાથ પોતાના પડોશીના હાથ સામે ઉઠાવવામાં આવશે.
14 વળી યહૂદિયા પણ યરુશાલેમની સામે યુદ્ધ મચાવશે; અને આસપાસની સર્વ પ્રજાઓની સંપત્તિ, એટલે સોનું, રૂપું તથા વસ્ત્રો મોટા જથાબંધ ભેગાં કરવામાં આવશે.
15 અને ઉપર કહ્યા પ્રમાણે તે છાવણીઓમાંના ઘોડાઓનો, ખચ્ચરોનો, ઊંટોનો, ગધેડાનો તથા સર્વ પશુઓનો મરો થશે.
16 યરુશાલેમ સામે ચઢી આવેલી સર્વ પ્રજાઓમાંનો બચી ગયેલો દરેક માણસ રાજાની, એટલે સૈન્યોના ઈશ્વર યહોવાની આરાધના કરવા તથા માંડવાપર્વ પાળવા વર્ષોવર્ષ જશે.
17 પૃથ્વી પરની પ્રજાઓમાંથી જે કોઈ પોતાના રાજા, એટલે સૈન્યોના ઈશ્વર યહોવાની આરાધના કરવાને યરુશાલેમ નહિ જાય, તેમા પર વરસાદ આવશે નહિ.
18 અને જો મિસરના લોકો ત્યાં જાય નહિ, તો તેમનામાં મરકી ચાલશે; જે પ્રજાઓ માંડવાપર્વ પાળવાને જાય નહિ તેઓમાં મરકી મોકલીને યહોવા તેમને મારશે.
19 મિસરને તથા માંડવાપર્વ પાળવા નહિ જનારી સર્વ પ્રજાઓને સજા થશે.
20 તે દિવસે ઘોડાઓની ઘંટડીઓ ઉપર ‘યહોવાને માટે પવિત્ર’ શબ્દો હશે; અને યહોવાના મંદિરમાંનાં તપેલાં વેદી આગળના પ્યાલા જેવાં થશે.
21 હા, યરુશાલેમમાંનું તથા યહૂદિયામાંનું દરેક તપેલું સૈન્યોના ઈશ્વર યહોવાને માટે પવિત્ર થશે. અને બલિદાન આપનારા સર્વ માણસો આવીને તેમાંના કેટલાંક તપેલાં લઈને તેમાં બાફશે; અને તે સમયે સૈન્યોના ઈશ્વર યહોવાના મંદિરમાં કદી કોઈ કનાની હશે નહિ.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×