Bible Versions
Bible Books

Jeremiah 15 (GUV) Gujarati Old BSI Version

1 પછી યહોવાએ મને કહ્યું, “જો મૂસા તથા શમુએલ મારી આગળ ઊભા રહેત, તોપણ મારું મન લોકોની તરફ થાત નહિ. મારી આગળથી તેઓને કાઢી મૂક, તેઓ દૂર જતા રહે.
2 અને જ્યારે તેઓ તને પૂછશે કે, ‘અમે નીકળીને ક્યાં જઈએ?’ ત્યારે તું તેઓને કહે જે કે, યહોવા કહે છે કે, જેઓ મરણને માટે નિર્માણ થયેલા છે તેઓ તરવાર તરફ; દુકાળને માટે નિર્માણ થયેલા છે તેઓ દુકાળ તરફ; અને બંદીવાન થવાને નિર્માણ થયેલા છે તેઓ બંદીવાન થવા જતા રહે.”
3 યહોવા કહે છે, “હું તેમના પર ચાર પ્રકારની વિપત્તિ ઠરાવીશ: એટલે મારી નાખવા માટે તરવાર, ઘસડી લઈ જવા માટે કૂતરાઓ, ખાઈ જવા તથા નાશ કરવા માટે આકાશનાં પક્ષીઓ તથા પૃથ્વી પરનાં શ્વાપદો.
4 વળી યહૂદિયાના રાજા હિઝકિયાના પુત્ર મનાશ્શાને લીધે, એટલે યરુશાલેમમાં તેણે જે જે કર્યું તેને લીધે, હું તેઓને પૃથ્વીનાં સર્વ રાજ્યોમાં આમતેમ રખડાવીશ.
5 કેમ કે હે યરુશાલેમ, તારા પર કોણ કરુણા કરશે? તારે માટે કોણ વિલાપ કરશે? અને ‘તારી શી ખબર છે’ એમ પૂછવા કોણ આવશે?
6 યહોવા કહે છે, તેં મારો ત્યાગ કર્યો છે, તું પાછળ હઠી ગયો છે; તેથી મેં મારો હાથ તારા પર ઉગામ્યો છે, ને તારો નાશ કર્યો છે. હું પશ્ચાતાપ કરતાં થાકી ગયો છું.
7 દેશના દરવાજાઓમાં મેં તેઓને સૂપડાથી ઊપણ્યા છે; મેં મારા લોકોને નિસંતાન તથા નષ્ટ કર્યા છે; કેમ કે તેઓ પોતાના માર્ગોથી ફર્યા નથી.
8 મારી આગળ તેઓની વિધવાઓ સમુદ્રની રેતી કરતાં અધિક થઈ છે! ધોળે દિવસે લૂંટે એવા લૂંટારાને હું તેમના પર, હા, જુવાનોની મા પર, લાવ્યો છું. હું તેના પર ઓચિંતી વેદના તથા ભય લાવ્યો છું.
9 જેણે સાત છોકરાંને જન્મ આપ્યો હતો તે ઝૂરે છે. તેણે પ્રાણ છોડયો છે; દિવસ છતાં તેનો સૂર્ય અસ્ત પામ્યો છે. તે લજ્જિત તથા વ્યાકુળ થઈ છે. અને તેઓના વૈરીઓની આગળ હું તેઓના બાકી રહેલા લોકોને તરવારને સ્વાધીન કરીશ, એવું યહોવા કહે છે.
10 હે મારી મા, મને અફસોસ, કેમ કે તેં મને આખા જગતની સાથે ઝઘડો કરનાર તથા વિવાદ કરનાર પુરુષ થવાને જન્મ આપ્યો છે! મેં વ્યાજે ધીર્યું નથી, ને તેઓએ મને વ્યાજે આપ્યું નથી. તોપણ તેઓ સર્વ મને શાપ દે છે.
11 યહોવાએ કહ્યું, “ખચીત હું તારા હિતને અર્થે તને સામર્થ્ય આપીશ. ખચીત વિપત્તિની વેળાએ તથા સંકટને સમયે હું વૈરીઓ પાસે તારી આગળ વિનંતી કરાવીશ.
12 શું કોઈ માણસ લોઢું, એટલે ઉત્તર દેશમાંથી લાવવામાં આવેલું લોઢું, અથવા કાંસું ભાંગી શકે?”
13 તારાં બધાં પાપને લીધે તારી સર્વ સીમાઓમાં હું તારું દ્રવ્ય તથા તારું ધન મફત લૂંટાવી દઈશ.
14 અજાણ્યા દેશમાં હું તારી પાસે તારા વૈરીઓની સેવા કરાવીશ; કેમ કે મારો ક્રોધરૂપી અગ્નિ સળગ્યો છે, તે તમારા પર બળશે.”
15 હે યહોવા, તમે મારું બધું જાણો છો; મેન સંભારો, મને દર્શન દો, ને મારા સતાવનારા ઉપર મારા વતી વૈર લો. તમારી સહનશીલતાની ખાતર મને લઈ જશો નહિ; યાદ રાખો કે મેં તમારે લીધે નિંદા સહન કરી છે.
16 તમારાં વચનો મને પ્રાપ્ત થયાં ને મેં તેઓને ખાધાં; અને તમારાં વચનોથી મારા હ્રદયમાં આનંદ તથા હર્ષ ઉત્પન્ન થયો; કેમ કે, હે યહોવા, સૈન્યોના ઈશ્વર, તમારા નામથી હું ઓળખાઉં છું.
17 મોજમઝા કરનારાની મંડળીમાં હું બેઠો નહિ, હરખાયો પણ નહિ! મારા પરના તમારા હાથને લીધે હું એકલો બેઠો, કેમ કે તમે મને ક્રોધથી ભરપૂર કર્યો છે.
18 મને કેમ નિરંતર ખેદ થાય છે? અને મારો ઘા કેમ સારો થતો નથી? તે રુઝાતો નથી; તમે મારા પ્રત્યે કપટી વહેળા, ખૂટનારા પાણી જેવા થશો શું?”
19 તે માટે યહોવા કહે છે, “જો તું ફરીશ તો હું તને પાછો લાવીશ, અને મારી આગળ તું ઊભો રહીશ; અને જો તું હલકામાંથી મૂલ્યવાન જુદા પાડીશ, તો તું મારા મુખ જેવો થઈશ. તેઓ તારા તરફ ફરશે, પણ તું તેઓની તરફ ફરીશ નહિ.
20 હું લોકોને માટે તને પિત્તળની મજબૂત ભીંતરૂપ કરીશ. તેઓ તારી સામે લડશે, પણ તને જીતશે નહિ; કેમ કે તને બચાવવા તથા તને છોડાવવા માટે હું તારી સાથે છું, એમ યહોવા કહે છે.
21 વળી દુષ્ટોના હાથમાંથી હું તને છોડાવીશ, ને ભયંકરોના હાથમાંથી હું તને ઉગારીશ.”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×