Bible Versions
Bible Books

Esther 9 (GUV) Gujarati Old BSI Version

1 હવે બારમા માસને, એટલે અદાર માસને, તેરમે દિવસે રાજાની આજ્ઞાનો તથા તેના હુકમનો અમલ કરવાનો વખત નજીક આવ્યો, તે દિવસે તો યહૂદીઓના શત્રુઓએ તેઓ ઉપર સત્તા મેળવવાની આશા રાખી હતી; પરંતું તેથી ઊલટું એમ બન્યું કે, યહૂદીઓએ જે પોતાના વેરીઓ ઉપર સત્તા મેળવી.
2 તે દિવસે અહાશ્વેરોશ રાજાના સર્વ પ્રાંતોમાં યહૂદીઓ પોતપોતાનાં નગરોમાં એકત્ર થયા, જેથી તેઓનું નુકશાન કરવાની જેઓ કોશિશ કરતા હતા, તેઓના ઉપર તેઓ હાથ નાખે. તેઓની સામે કોઈ ટકી શક્યો નહિ, કેમ કે તેઓનો ડર તે સર્વ લોકોને લાગ્યો હતો.
3 પ્રાંતોના સર્વ સરદારો, અમલદારો તથા સૂબાઓ તથા રાજાના કારભારીઓએ યહૂદીઓને સહાય કરી, કેમ કે મોર્દખાયની તેઓને બીક લાગતી હતી.
4 મોર્દખાય રાજાના મહેલમાં ઉચ્ચ પદ પર નિમાયો હતો અને એની કીર્તિ સર્વ પ્રાંતોમાં પ્રસરી ગઈ હતી; કેમ કે મોર્દખાયની સત્તા દિવસે દિવસે વધતી ગઈ.
5 યહૂદીઓએ પોતાના સર્વ સત્રુઓનો તરવારથી સંહાર કરીને તેમનો નાશ કર્યો, અને પોતાના દ્વેષીઓ સાથે પોતાની મરજીમાં આવે તેમ વર્તન ચલાવ્યું.
6 સૂસાના મહેલમાં યહૂદીઓએ પાંચસો માણસોને મારી નાખીને તેઓનો નાશ કર્યો,
7 પાર્શાન્દાથાને, દાલ્ફોનને, આસ્પાથાને,
8 પોરાથાને, અદાલ્યાને, અરિદાથાને,
9 પાર્માશતાને, અરિસાયને, અરિદાયને, તથા વાઈઝાથને
10 એટલે યહૂદીઓના વેરી હામ્માદાથાના દશે પુત્રોને, તેઓએ મારી નાખ્યા; પણ લૂંટ પર તેઓએ હાથ નાખ્યો નહિ.
11 તે દિવસે સૂસાના મહેલમાં જેઓને મારી નાખવામાં આવ્યા હતા તેઓની સંખ્યા રાજાને જાહેર કરવામાં આવી.
12 રાજાએ એસ્તેર રાણીને કહ્યું, “સૂસાના મહેલમાં યહૂદીઓએ પાંચસો માણસોને તથા હામાનના દશે પુત્રોને મારી નાખીને તેમનો નાશ કર્યો છે, તો મારા બાકીના બીજા પ્રાંતોમાં તેઓએ કોણ જાણે શું કર્યું હશે! હવે તારી શી અરજ છે? તે પણ મંજૂર કરાશે.”
13 ત્યારે એસ્તેરે તેને કહ્યું, “જો આપની મરજી હોય તો સૂસામાં જે યહૂદીઓ છે તેઓને આજના હુકમ પ્રમાણે કાલે કરવા દેવું જોઈએ, વળી હામાનના દશે પુત્રોને ફાંસીએ ટાંગવા જોઈએ.”
14 રાજાએ તે પ્રમાણે કરવાની આજ્ઞા આપી; અને સૂસામાં એવો હુકમ પ્રગટ કરવામાં આવ્યો અને હામાનના દશે પુત્રોને તેઓએ ફાંસી આપી.
15 સૂસામાંના યહૂદીઓ અદાર માસને ચૌદમે દિવસે પણ એકત્ર થયા, તોએ સૂસામાં ત્રણસો માણસોને મારી નાખ્યા. પણ લૂટ પર તેઓએ હાથ નાખ્યો નહિ.
16 બીજા જે યહૂદીઓ રાજાના પ્રાંતોમાં હતા, તેઓ એકઠા થઈને પોતાના જીવ બચાવવા માટે સામા થયા, પોતાના શત્રુઓ ઉપર તેઓએ વેર વાળ્યું, અને તેઓમાંના પંચોતેર હજારને તેઓએ મારી નાખ્યા; પણ લૂટ પર તેઓએ હાથ નાખ્યો નહિ.
17 અદાર માસને તેરમે દિવસે એવું બન્યું; અને તેને ચૌદમે દિવસે તેઓએ આરામ ભોગવીને તેને મિજબાનીના તથા આનંદના દિવસ તરીકે ઊજવ્યો.
18 પણ સૂસામાંના યહૂદીઓ તેની તેરમીએ તથા તેની ચૌદમીએ એકત્ર થયા, અને તેની પંદરમીએ તેઓએ આરામ ભોગવીને તેને મિજબાનીના તથા આનંદના દિવસ તરીકે ઊજવ્યો.
19 કારણથી ગામડાંના જે યહૂદીઓ કોટ વગરના કસબાઓમાં રહે છે, તેઓ અદાર માસના ચૌદમા દિવસને આનંદોત્સવના, મિજબાનીના, અને એકબીજા ઉપર ભેટો મોકલવાના દિવસ તરીકે પાળે છે.
20 મોર્દખાયે અહાશ્વેરોશ રાજાના પાસેના તેમ દૂરના સર્વ પ્રાંતોના સર્વ યહૂદીઓ પર
21 લેખીત હુકમ મોકલ્યો, “અદાર માસને ચૌદમે તથા પંદરમે દિવસે તમારે વરસોવરસ તહેવાર પાળવા.
22 કેમ કે તે દિવસોમાં યહૂદીઓને તેમના શત્રુઓ તરફથી નિરાંત વળી હતી, અને તે માસ તેઓને માટે ખેદને બદલે આનંદનો, તથા શોકને બદલે હર્ખનો, થઈ ગયો હતો. તમારે તે દિવસોને મિજબાનીના તથા આનંદના, અને એકબીજા પર ભેટો મોકલવાના, અને દરિદ્રીને દાન આપવાના દિવસો ગણવા.”
23 તેઓએ પોતે જે કરવા માંડ્યું હતું તથા મોર્દખાયે તેઓ ઉપર જે લખ્યું હતું, તે પ્રમાણે કરવાનું યહૂદીઓએ માથે લીધુ;
24 કેમ કે સર્વ યહૂદીઓના શત્રુ આગાગી હામ્માદાથાના પુત્ર હામાને યહૂદીઓનો નાશ કરવાની પેરવી કરી હતી, અને તેઓનો સંહાર કરીને તેઓનો નાશ કરવા માટે પૂર, એટલે ચિઠ્ઠીઓ, નાખી હતી.
25 પણ જ્યારે તે વાતની ખબર રાજાને પડી, ત્યારે તેણે પત્રો દ્વારા આજ્ઞા કરી કે, તેણે જે દુષ્ટ યોજના યહૂદીઓ વિરુદ્ધ યોજી હતી તેને ઉથલાવીને તે યોજનાનો તે પોતે ભોગ થઈ પડે તેમ કરવું, અને તેને તથા તેના પુત્રોને ફાંસી આપવી.
26 કારણથી તેઓએ દિવસોનું પૂર ઉપરથી પૂરીમ નામ પાડ્યું છે. એથી પત્રનાં સર્વ વચનોને લીધે, તથા બાબત વિષે જે તેઓએ જોયું હતું, તથા તેઓ પર જે આવી પડ્યું હતું,
27 તેને લીધે યહૂદીઓએ ઠરાવ કરીને પોતાને માટે, પોતાનાં સંતાનોને માટે તથા પોતાની સાથે ભળી ગયેલા સર્વ જનોને માટે એવી અડગ પ્રતિજ્ઞા લીધી કે દર વર્ષે, બે દિવસોએ, લેખ પ્રમાણે તથા ઠરાવેલા વખત પ્રમાણે અમારે તહેવાર પાળવા.
28 દિવસોને, વંશપરંપરા, દરેક કુટુંબમાં, દરેક પ્રાંતમાં, તથા દરેક નગરમાં, યાદ રાખીને પાળવા. પૂરીમના દિવસો યહૂદીઓમાંથી વીસરાઈ જાય, અને તેઓના વંશજોમાંથી તેઓનું વિસ્મરણ થાય.
29 ત્યાર પછી પૂરીમ વિષે બીજો પત્ર મંજૂર થાય માટે અબિહાઈલની પુત્રી એસ્તેર રાણીએ તથા યહૂદી મોર્દખાયે પૂર્ણ અધિકારથી તે લખ્યો.
30 અને તેણે અહાશ્વેરોશના રાજ્યના એક સો સત્તાવીશ પ્રાંતોમાંના સર્વ યહૂદીઓ પર શાંતિદાયક પ્રમાણભૂત પત્રો મોકલ્યા
31 કે, જેમ યહૂદી મોર્દખાયે તથા એસ્તેર રાણીએ તેઓને આજ્ઞા આપી હતી, અને જેમ તેઓએ પોતાને માટે તથા ઉપવાસની તથા પોતાના વિલાપની બાબતમાં ઠરાવ કર્યો હતો તે પ્રમાણે પૂરીમના દિવસો તેઓને ઠરાવેલ સમયે પાળવાનો નિયમ કાયમ કરવામાં આવે.
32 એસ્તેરની આજ્ઞાથી પૂરીમની બાબતો કાયમ કરવામાં આવી; અને પુસ્તકમાં તેની નોંધ રાખવામાં આવી.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×