Bible Versions
Bible Books

Exodus 16 (GUV) Gujarati Old BSI Version

1 અને તેઓ એલીમથી ઊપડયા અને મિસર દેશમાંથી નીકળ્યાને બીજા માસને પંદરમે દિવસે સર્વ ઇઝરાયલીઓ એલીમ તથા સિનાઈની વચ્ચે આવેલા સીનના અરણ્યમાં આવ્યા.
2 અને સર્વ ઇઝરાયલીઓએ આખા અરણ્યમાં મૂસા તથા હારુનની વિરુદ્ધ કચકચ કરી.
3 અને ઇઝરાયલીઓએ તેઓને કહ્યું, “જ્યારે અમે માંસની હાંલ્‍લીઓ પાસે બેસતા હતા, ને ઘરાતાં સુધી રોટલી ખાતા હતા, ત્યારે મિસર દેશમાં અમે યહોવાને હાથે મર્યા હોત તો કેવું સારું! કેમ કે અમને બધાને ભૂખે મારવા તમે અરણ્યમાં લાવ્યા છો.”
4 ત્યારે યહોવાએ મૂસાને કહ્યું, ‘જો, હું તમારે માટે આકાશમાંથી ખોરાકની વૃષ્ટિ કરીશ. અને લોકો દરરોજ બહાર નીકળીને તે દિવસનો હિસ્‍સો ભેગો કરે, માટે કે તેઓ મારા નિયમ પ્રમાણે ચાલશે કે નહિ તે વિષે હું તેઓનિ પરીક્ષા કરું.
5 અને છઠ્ઠે દિવસે એમ થશે, કે તેઓ ઘેર જે લાવે તે રાંધે, ને તેઓ રોજ ભેગું કરતા હોય તે કરતાં તે બમણું થશે.”
6 અને મૂસાએ તથા હારુને સર્વ ઇઝરયલી લોકોને કહ્યું, ‘સાંજે તમે જાણશો કે તમને મિસરમાંથી કાઢી લાવનાર તે યહોવા છે.
7 અને સવારે તમે યહોવાનું ગૌરવ જોશો; કેમ કે તેમની વિરુદ્ધ તમારી કચકચ યહોવાએ સાંભળી છે; અને અમે તો શા લેખામાં છીએ, કે તમે અમારી વિરુદ્ધ બડબડ કરો છો?”
8 અને મૂસાએ કહ્યું, “યહોવા સાંજે તમને માંસ ખાવા આપશે, ને સવારે ધરાતાં સુધી રોટલી આપશે (ત્યારે એમ થશે); કેમ કે યહોવાની વિરુદ્ધ જે કચકચ તમે કરો છો તે તે સાંભળે છે; અને અમે તે કોણ? તમારી કચકચ અમારી વિરુદ્ધ નથી, પણ યહોવાની વિરુદ્ધ છે.”
9 અને મૂસાએ હારુનને કહ્યું, “સર્વ ઇઝરાયલી લોકોને કહે, કે તમે યહોવાની હજૂરમાં આવો. કેમ કે તેમણે તમારી કચકચ સાંભળી છે.”
10 અને હારુન ઇઝરાયલી લોકોની આખી સભાને વાત કરતો હતો તે દરમિયાન એમ થયું કે, તેઓએ અરણ્ય તરફ જોયું, તો જુઓ, યહોવાનું ગૌરવ મેઘમાં દેખાયું.
11 અને યહોવાએ મૂસાને કહ્યું,
12 “મેં ઇઝરાયલીઓની કચકચ સાંભળી છે. તેઓને એમ કહે, કે તમે સાંજે માંસ ખાશો ને સવારે તમે રોટલીથી તૃપ્ત થશો; અને તમે જાણશો કે તમારો ઈશ્વર યહોવા હું છું.”
13 અને સાંજે એમ થયું કે લાવરીઓએ ઊડી આવીને છાવણી ઢાંકી દીધી; અને સવારે છાવણીની આસપાસ ઝાકળ પડયું.
14 અને ઝાકળ ઊડી ગયા પછી, જુઓ, જમીન પર હિમ જેવો બારીક નાનો ગોળ પદાર્થ અરણ્યની સપાટી પર પડેલો હતો.
15 અને ઇઝરાયલી લોકોએ તે જોઇને એકબીજાને પૂછયું, “એ શું છે?” કેમ કે તેઓ જાણતા નહોતા કે શું હશે. અને મૂસાએ તેઓને કહ્યું, “એ તો યહોવાએ તમને ખાવા માટે આપેલું અન્‍ન છે.
16 વિષે જે આજ્ઞા યહોવાએ આપી છે તે છે કે, તમ પ્રત્યેક માણસ પોતાના આહાર પ્રમાણે તે એકઠું કરો. તમારે તમારા કુટુંબનાં માણસની સંખ્યા પ્રમાણે, એટલે પ્રત્યેક માણસે પોતાના તંબુમાં રહેનારાઓને માટે માથાદીઠ એક ઓમેરભર લેવું.”
17 અને ઇઝરાયલી લોકોએ પ્રમાણે કરીને કેટલાકે વધારે ને કેટલાકે ઓછું એકઠું કર્યું.
18 અને તેઓએ તેને ઓમેરથી માપ્યું ત્યારે જેણે ઘણું ભેગું કર્યું હતું તેને વધી પડયું નહિ, ને જેણે થોડું ભેગું કર્યું હતું તેને ખૂટી પડયું નહિ. તેમનાથી પ્રત્યેક માણસના આહાર જેટલું ભેગું કરાયું હતું.
19 અને મૂસાએ કહ્યું, “તેમાંથી કોઈએ સવાર સુધી કંઈ રહેવા દેવું નહિ.
20 પરંતુ તેઓએ મૂસાનું માન્યું નહિ; અને કેટલાકે તેમાંથી કેટલુંક સવાર સુધી રહેવા દીધું, ને તેમાં કીડા પડયા, ને તે ગંધાઈ ઊઠયું; અને મૂસા તેમના પર ગુસ્‍સે થયો.
21 અને પ્રત્યેક માણસ દર સવારે પોતાના આહાર પ્રમાણે તે એકઠું કરતો; અને સૂર્ય તપતો ત્યારે તે પીગળી જતું.
22 અને એમ થયું, કે છઠ્ઠે દિવસે તેઓએ બમણું એટલે માણસ દીઠ બબ્બે ઓમેર અન્‍ન ભેગું કર્યું. અને સમગ્ર સમુદાયના સર્વ અધિકારીઓએ આવીને મૂસાને તે કહ્યું.
23 અને તેણે તેઓને કહ્યું, “યહોવાએ જે કહ્યું છે તે છે કે, કાલે પવિત્ર વિશ્રામ, એટલે યહોવાનો પવિત્ર સાબ્બાથ છે. માટે તમારે જે શેકવું હોય તે શેકો, ને બાફવું હોય તે બાફો. અને જે વધે તે તમારે કાજે સવારને માટે રાખી મૂકો.”
24 અને મૂસાએ આજ્ઞા આપી તેમ તેઓએ તેમાંથી સવારને માટે રાખી મૂક્યું; પણ તે ગંધાઇ ઊઠયું નહિ, તેમ તેમાં એક કીડો પણ પડયો નહિ.
25 અને મૂસાએ કહ્યું, “આજે તે ખાઓ; કેમ કે આજે યહોવાનો સાબ્બાથ છે. આજે તે તમને ખેતરમાં મળશે નહિ.
26 દિવસ તમે તે એકઠું કરો. પણ સાતમો દિવસ સાબ્બાથ છે, તેમાં તમને કંઇ મળશે નહિ.”
27 અને સાતમે દિવસે એમ થયું કે કેટલાક લોકો તે એકઠું કરવા માટે બહાર ગયા, પણ તેઓને કંઇ મળ્યું નહિ.
28 અને યહોવાએ મૂસાને કહ્યું, “કયાં સુધી તમે મારી આજ્ઞાઓ તથા મારા નિયમો પાળવાને ઇનકાર કરશો?
29 જુઓ, યહોવાએ તમને સાબ્બાથ આપ્યો છે, તે માટે છઠ્ઠે દિવસે તે તમને બે દિવસનું અન્‍ન આપે છે. તમ પત્યેક પુરુષ પોતપોતાના રહેઠાણમાં રહો, સાતમે દિવસે કોઈ પણ માણસ પોતાના રહેઠાણમાંથી બહાર જાય.”
30 આથી લોકોએ સાતમે દિવસે વિશ્રામ લીધો.
31 અને ઇઝરાયલી લોકોએ તેનું નામ માન્‍ના પાડયું:તે ધાણાના દાણા જેવું શ્વેત હતું. અને તેનો સ્વાદ મધ લગાડેલી પોળીના જેવો હતો.
32 અને મૂસાએ કહ્યું, “યહોવાએ જે આજ્ઞા આપી છે તે છે કે, તમારા વશંજોને માટે તેમાંથી એક ઓમેરભર રાખી મૂકો; માટે કે હું તમને મિસર દેશમાંથી કાઢી લવ્યો ત્યારે અરણ્યમાં મેં તમને જે અન્‍ન ખવડાવ્યું, તે તેઓ જુએ.”
33 અને મૂસાએ હારુનને કહ્યું, “એક વાસણ લઈને તેમાં એક ઓમેર માન્‍ના ભરીને તમારા વંશજોને માટે રાખી મૂકવા સારું તેને યહોવાની હજૂરમાં મૂક.”
34 યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તે પ્રમાણે હારુને સંઘરી રાખવા માટે સાક્ષ્યકોશની સામે તે મૂકયું.
35 અને ઇઝરાયલી લોકોએ વસ્તીવાળા દેશમાં પહોંચતાં સુધી, એટલે ચાળીસ વર્ષ સુધી, માન્‍ના ખાધું. તેઓ કનાન દેશની સરહદમાં પહોંચ્યા ત્યાં સુધી તેઓએ માન્‍ના ખાધું.
36 ઓમેર તો એક એફાહનો દશાંશ છે.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×