Bible Versions
Bible Books

1 Kings 4 (GUV) Gujarati Old BSI Version

1 સુલેમાન રાજા સર્વ ઈઝરાયલ પર રાજા હતો.
2 તેના મુખ્ય અમલદારો હતા: સાદોકનો દીકરો અઝાર્યા, યાજક;
3 શીશાના દીકરા અલિહોરેફ તથા અહિયા, ચિટનીસો; અહિલુદનો દીકરો યહોશાફાટ, ઈતિહાસકાર;
4 યહોયાદાનો દીકરો બનાયા સેનાધિપતિ હતો; સાદોક તથા અબ્યાથાર યાજકો હતા;
5 નાથાનનો દીકરો અઝાર્યા કારભારીઓનો ઉપરી હતો; નાથાનનો દીકરો ઝાબૂદ પ્રધાન તથા રાજાનો મિત્ર હતો;
6 અહીશાર ઘરકારભારી હતો; અને આબ્દાનો દીકરો અદોનીરામ જમાબંધી પર હતો.
7 સર્વ ઇઝરાયલ પર સુલેમાનના બાર કારભારી હતા, તેઓ રાજા તથા તેના કુટુંબનો ખોરાક પૂરો પાડતા હતા.દરેકને માથે વર્ષમાં એકેક માસની ખરચી પૂરી પાડવાની હતી.
8 તેઓના નામ છે: એફ્રાઈમના પહાડી મુલકમાં, બેન-હૂર;
9 માકાશમાં, શાલ્બીમમાં, બેથ-શેમેશમાં તથા એલોન બેથ-હાનાનમાં બેન-દેકેર;
10 અરૂબ્બોથમાં બેન-હેશેદ; સોખો તથા હેફેરનો આખો દેશ તેને તાબે હતો.
11 દોરના આખા પહાડી મુલકમાં બેન-આબીનાદાબ હતો; સુલેમાનની દીકરી ટાફાથ તેની પત્ની હતી.
12 તાનાખ તથા મગિદ્દો, સારથાનની પાસેનું તથા યિઝ્એલની નીચેનું આખું બેથ-શાન, બેથ-શાનથી આબેલ-મહોલા સુધી, એટલે યોકમામની પેલી બાજુ સુધીમાં અહિલુદનો દીકરો બાના;
13 રામોથ ગિલ્યાદમાં બેન-ગેબેર; વળી યતેના તાબે મનાશ્શાના દીકરા યાઈરના ગિલ્યાદમાનાં નગરો પણ હતાં; એટલે તેને તાબે બાશાનમાંનો આર્ગોબ પ્રાંત, જેમાં કોટવાળાં તથા પિત્તળની ભૂંગળોવાળાં સાઠ મોટાં નગરો હતાં, તે હતો;
14 માહનાઈમમાં ઇદ્દોનો દીકરો અહિનાદાબ;
15 નફતાલીમાં અહીમાસ હતો; તેણે પણ સુલેમાનની દીકરી બાસમાથની સાથે લગ્ન કર્યું હતું;
16 આશેર તથા બાલોથમાં હૂશાયનો દીકરો બાના;
17 ઇસ્સાખારમાં પારૂઆનો દીકરો યહોશાફાટ;
18 બિન્યામીનમાં એલાનો દીકરો શિમઈ;
19 અમોરીઓના રાજા સિહોનના તથા બાશાનના રાજા ઓગના ગિલ્યાદ દેશમાં ઉરીનો દીકરો ગેબેર; દેશમાં તે એકલો અધિકારી હતો.
20 યહૂદિયા તથા ઇઝરાયલ સંખ્યામાં સમુદ્રકાંઠાની રેતી જેટલા અગણિત હતા; તેઓ ખાઈપીને આનંદ કરતા હતા.
21 નદીથી તે પલિસ્તીઓના દેશ સુધી, તથા મિસરની સીમા સુધીનાં સર્વ રાજ્યો પર સુલેમાન હકૂમત‍ ચલાવતો હતો. તેઓ નજરાણાં લાવતા, ને સુલેમાનની જિંદગીના સર્વ દિવસોભર તેઓ તેની તાબેદારી કરતા રહ્યાં.
22 સુલેમાનની એક દિવસની ખોરાકી ત્રીસ માપ મેંદો, સાઠ માપ લોટ;
23 દશ માતેલા ગોધા, બીડમાં ચરતા વીસ ગોધા, તથા સો ઘેટાં ને ઉપરાંત સાબર, હરણ, કલિયાર તથા ચરબીદાર પક્ષીઓ, એટલી હતી.
24 કેમ કે નદીની તરફના સર્વ પ્રદેશ માં એટલે તિફસાથી તે ગાઝા સુધી નદીની તરફના સર્વ રાજાઓ તેને તાબે હતા. તેને તેની આસપાસ ચારેબાજુ શાંતિ હતી.
25 સુલેમાનના સર્વ દિવસો પર્યંત દાનથી તે બેરશેબા સુધી યહૂદિયા તથા ઇઝરાયલ પોતપોતાના દ્રાક્ષાવેલા નીચે તથા પોતપોતાની અંજીરી નીચે નિર્ભય સ્થિતિમાં રહેતા હતા.
26 સુલેમાનને પોતાના રથોના ઘોડાને માટે ચાળીસ હજાર તબેલા, ને બાર હજાર સવાર હતા.
27 પ્રત્યેક કારભારી પોતપોતાને ભાગે આવેલા માસમાં સુલેમાન રાજાને તથા સુલેમાનને ત્યાં જમવા આવનાર બધાંને ખોરાક પૂરો પાડતો હતો. તેઓ કશાની ખોટ પડવા દેતા હતા.
28 તેઓ, પ્રત્યેક પોતપોતાને સોંપેલી ફરજ પ્રમાણે, ઘોડાઓને માટે તથા તેજી ઘોડાઓને માટે તેઓને મુકામે જવ તથા ખડ પહોંચાડતા હતા.
29 ઈશ્વરે સુલેમાનને ઘણું જ્ઞાન, સમજશક્તિ તથા સમુદ્રકાંઠાની રેતીના પટસમું વિશાળ મન આપ્યાં હતાં.
30 પૂર્વ દેશોના સર્વ લોકોના જ્ઞાનથી તથા મિસરીઓના સર્વ જ્ઞાનથી તેનું જ્ઞાન અધિક હતું.
31 કેમ કે તે સર્વ માણસો કરતાં જ્ઞાની હતો, એથામ એઝ્રાહી કરતાં, ને માહોલના પુત્ર હેમાન, કાલ્કોલ તથા દાર્દા કરતાં પણ તે જ્ઞાની હતો. અને તેની કીર્તિ આસપાસની સર્વ પ્રજાઓમાં પ્રસરેલી હતી.
32 તેણે ત્રણ હજાર સુત્રો કહ્યાં, અને તેનાં ગીત એક હજાર ને પાંચ હતાં.
33 વળી તેણે વનસ્પતિ વિષે વિવેચન કર્યું, એટલે લબાનોન પરના એરેજવૃક્ષથી માંડીને તે ભીંતમાંથી ઊગી નીકળનાર ઝૂફા સુધી ની વનસ્પતિ વિષે તેણે વિવેચન કર્યું.વળી તેણે પશુઓ, પક્ષીઓ, પેટે ચાલનાર પ્રાણીઓ તથા માછલીઓ વિષે પણ વિવેચન કર્યું.
34 જે સર્વ લોકોએ તથા પૃથ્વી પરના જે સર્વ રાજાઓએ સુલેમાનના જ્ઞાન વિષે સાંભળ્યું હતું, તેઓમાંના ઘણા તેના જ્ઞાન ની વાતો સાંભળવા આવતા.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×