Bible Versions
Bible Books

2 Kings 20 (GUV) Gujarati Old BSI Version

1 તે દિવસોમાં હિઝકિયા મરણતોલ માંદો પડ્યો. આમોસના દીકરા યશાયા પ્રબોધકે તેની પાસે આવીને તેને કહ્યું, “યહોવા આમ કહે છે કે, ’તારા ઘરનો બંદોબસ્ત કર, કેમ કે તું મરી જશે, ને જીવશે નહિ.’”
2 ત્યારે તેણે પોતાનું મુખ ભીંત તરફ ફેરવીને યહોવાની પ્રાર્થના કરી,
3 હે યહોવા, હું તમારા કાલાવાલા કરું છું કે હું કેવી રીતે સત્યતાથી તથા સંપૂર્ણ હ્રદયથી તમારી આગળ ચાલ્યો છું, ને તમારી ર્દષ્ટિમાં જે સારું છે તે કર્યું છે, તેનું હમણાં તમે સ્મરણ કરો.”પછી હિઝકિયા બહુ રડ્યો.
4 યશાયા ત્યાંથી નીકળીને નગરની અધવચ પહોંચ્યો તે પહેલાં એમ બન્યું કે, યહોવાનું એવું વચન તેની પાસે આવ્યું,
5 “તું પાછો જઈને મારા લોકના અધિકારી હિઝકિયાને કહે કે, ’તારા પિતા દાઉદના ઈશ્વર યહોવા એમ કહે છે કે, મેં તારી પ્રાર્થના સાંભળી છે, તારાં આંસુ મેં જોયા છે. જો, હું તને સાજો કરીશ. અને તું ત્રીજે દિવસે યહોવાના મંદિરમાં ચઢી જશે.
6 હું તારા આવરદામાં પંદર વર્ષ વધારીશ. અને હું તને તથા નગરને આશૂરના રાજાના હાથમાંથી છોડાવીશ. અને હું મારી પોતાની ખાતર, તથા મારા સેવક દાઉદની ખાતર, નગરનું રક્ષણ કરીશ.’”
7 યશાયાએ કહ્યું, ”અંજીરનું એક ચકતું લો.” અને તેઓએ તે લઈને ગૂમડા પર લગાડયું, એટલે તે સાજો થયો.
8 હિઝકિયાએ યાશાયાને કહ્યું, ”યહોવા મને સાજો કરશે, ને હું ત્રીજે દિવસે યહોવાના માંદિરમાં ચઢી જઈશ, એની શી નિશાની?”
9 યશાયાએ કહ્યું, “યહોવાએ જે વચન કહ્યું છે તે તે પૂંરું કરશે, એની નિશાની તમારે માટે યહોવા તરફથી થશે: બોલો, છાંયડો દશ અંશ આગળ જાય કે, દશ અંશ પાછો હઠે?”
10 હિઝકિયાએ ઉત્તર દીધો, “છાયડો દશ અંશ આગળ વધે તો જૂજ વાત છે; એમ નહિ, પણ છાંયડો દશ અંશ પાછો હઠે.”
11 યશાયા પ્રબોધકે યહોવાની પ્રાર્થના કરી; તેથી આહાઝના સમયદર્શકયંત્રમાં છાંયડો જેટલો નમ્યો હતો તેટલો, એટલે દશ અંશ, તેણે પાછો હટાવ્યો.
12 તે સમયે બાલાદાનના દીકરા બાબિલના રાજા બરોદાખ-બાલાદાને હિઝકિયા પર પત્રો તથા ભેટ મોકલ્યા; કેમ કે તેણે સાંભળ્યું હતું, “હિઝકિયા માદો પડ્યો છે.”
13 હિઝકિયાએ તેમનું સાંભળીને તેમને પોતાની મૂલ્યવાન વસ્તુઓથી ભરેલો આખો મહેલ, એટલે તેમાનું રૂપું તથા સોનું, સુગંધીઓ, મૂલ્યવાન તેલ, તથા તનો આખો મહેલ, ને તેના ભંડારમાં જે જે મળી આવ્યું તે સર્વ બતાવ્યું. તેના મહેલમાં કે તેના રાજ્યમાં એવું કંઈ નહોતું કે જે હિઝકિયાએ તેમને બતાવ્યું નહિ હોય.
14 ત્યારે યશાયા પ્રબોધકે હિઝકિયા રાજા પાસે આવીને તેને પૂછ્યું, “એ માણસોએ શું કહ્યું? તેઓ તમારી પાસે ક્યાંથી આવ્યા?” હિઝકિયાએ કહ્યું, “તેઓ દૂર દેશથી, એટલે બાબિલથી આવ્યા છે.”
15 ફરી યશાયાએ પૂછ્યું, “તેઓએ તમારા મહેલમાં શું જોયું છે?” હિઝકિયાએ કહ્યું, “મારા મહેલમાંનું સર્વ તેઓએ જોયું છે: મારા ભંડારોમાં એવી એકે વસ્તુ નથી કે જે મેં તેમને બતાવી હોય.”
16 ત્યારે યશાયાએ હિઝકિયાને કહ્યું, “યહોવાનું વચન સાંભળો.
17 જો, એવા દિવસો આવે છે કે જ્યારે તમારા મહેલમાં જે સર્વ છે તે, તથા તમારા પિતૃઓએ જેનો આજ સુધી સંગ્રહ કરી રાખ્યો છે તે સર્વ, બાબિલમાં લઈ જવામાં આવશે, યહોવા કહે છે કે, કંઈ પણ પડતું મુકાશે નહ
18 અને તારા દીકરા જે તારામાંથી ઉત્પન્ન થશે, જેઓને તું જન્મ આપશે, તેઓને તેઓ લઈ જશે; અને તેઓ બાબિલના રાજાના મહેલમાં ખોજા થશે.”
19 ત્યારે હિઝકિયાએ યશાયાને કહ્યું, “યહોવાની જે વાત તમે બોલ્યા છો, તે સારી છે.”(વળી તેણે મનમાં વિચાર કર્યો, “મારી હયાતીમાં તો શાંતિ તથા સત્યતા રહેશે.”)
20 હવે હિઝકિયાનાં બાકીનાં કૃત્યો, તેનું બધું પરાક્રમ, ને તે જે તળાવ તથા ગરનાળું બનાવીને નગરમાં પાણી લાવ્યો, સર્વ યહૂદિયાના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલાં નથી શું?
21 હિઝકિયા પોતાના પિતૃઓ સાથે ઊંઘી ગયો; અને તેના દીકરા મનાશ્શાએ તેની જગાએ રાજ કર્યું.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×