Bible Versions
Bible Books

Hebrews 2 (GUV) Gujarati Old BSI Version

1 તેથી જે વાતો આપણા સાંભળવામાં આવી, તે ઉપર આપણે વધારે કાળજીપૂર્વક લક્ષ રાખવું જોઈએ, રખેને આપણે તેનાથી દૂર ખેંચાઈ જઈએ.
2 કેમ કે દૂતોદ્વારા કહેલું વચન જો સત્ય ઠર્યું, અને દરેક પાપનું તથા આજ્ઞાભંગનું યોગ્ય ફળ મળ્યું,
3 તો આપણે એવા મહાન તારણ વિષે બેદરકાર રહીએ તો શી રીતે બચીશું? તે તારણની વાત પ્રથમ પ્રભુએ પોતે કરી, પછી તેને સાંભળનારાઓએ અમને તેની ખાતરી કરી આપી,
4 તેઓની સાથે ઈશ્વર પણ ચિહ્નોથી, અદભુત કૃત્યોથી, અનેક પ્રકારના ચમત્કારોથી તથા પોતાની ઇચ્છા પ્રમાણે પવિત્ર આત્માએ આપેલાં દાનથી સાક્ષી આપતા રહ્યા.
5 કેમ કે જે આવનાર યુગ સંબંધી અમે વાત કરીએ છીએ, તેને તેમણે દૂતોના નિયંત્રણમાં મૂક્યો નહિ.
6 પણ એક સ્થળે કોઈકે એવી સાક્ષી પૂરી છે, “માણસ તે કોણ છે કે, તમે તેનું સ્મરણ કરો છો? અથવા મનુષ્યપુત્ર કોણ કે, તમે તેની મુલાકાત લો છો?
7 તમે તેને દૂતો કરતાં થોડી વાર સુધી ઊતરતો કર્યો છે. તમે તેના પર ગૌરવ તથા માનનો મુગટ મૂક્યો છે. અને તમારા હાથનાં કામ પર તેને અધિકાર આપ્યો છે.
8 તમે તેના પગ નીચે બધું મૂક્યું છે. તો બધું તેને સ્વાધીન કરવાથી તેને સ્વાધીન કર્યું હોય એવું તેમણે કંઈ રહેવા દીધું નહિ.” પણ બધું તેને સ્વાધીન કર્યું, એમ હજુ સુધી આપણી નજરે પડતું નથી.
9 પણ ઈસુ, જેમને ઈશ્વરની કૃપાથી સર્વ માણસોને માટે મરણ પામવાને અર્થે દૂતો કરતાં થોડી વાર સુધી ઊતરતા કરવામાં આવ્યા, અને પછી મરણ સહેવાને લીધે જેમના પર ગૌરવ તથા માનનો મુગટ મૂકવામાં આવ્યો, તેમને જોઈએ છીએ.
10 કેમ કે જેમને અર્થે બધું છે તથા જેમનાથી બધાં ઉત્પન્‍ન થયાં છે, તેમને ઘટિત હતું કે, તે ઘણા દીકરાઓને ગૌરવમાં લાવતાં તેઓના તારણના અધિકારીને દુ:ખદ્વારા પરિપૂર્ણ કરે.
11 કેમ કે જે પવિત્ર કરે છે, ને જેઓને પવિત્ર કરવામાં આવે છે તેઓ સર્વ એકથી છે. માટે તે તેઓને ભાઈઓ કહેવાને શરમાતા નથી.
12 તે કહે છે. “હું તમારું નામ, મારા ભાઈઓને પ્રગટ કરીશ, મંડળીમાં સ્તોત્રો ગાઈને હું તમારી સ્તુતિ કરીશ.”
13 અને વળી, “હું તેમના પર ભરોસો રાખીશ!” અને વળી “જુઓ, હું તથા જે સંતાન ઈશ્વરે મને આપ્યાં છે તેઓ.”
14 તો છોકરાં માંસ તથા લોહીનાં બનેલાં હોય છે, માટે તે પણ તે રીતે તેઓના ભાગીદાર થયા, જેથી તે પોતે મરણ પામીને મરણ પર સત્તા ધરાવનારનો, એટલે શેતાનનો નાશ કરે.
15 અને મરણની બીકથી જેઓ આખા જીવનપર્યંત દાસત્વમાં હતા તેઓને મુક્ત કરે.
16 કેમ કે ખચીત તે દૂતોને હાથ દેતાં નથી, પણ ઇબ્રાહિમના સંતાનને તે હાથ દે છે.
17 તેથી તેમને બધી બાબતોમાં પોતાના ભાઈઓના જેવા થવું જોઈતું હતું, જેથી તે લોકોનાં પાપનું પ્રાયશ્ચિત કરવાને ઈશ્વરને લગતી બાબતોમાં દયાળુ તથા વિશ્વાસુ પ્રમુખયાજક થાય.
18 કેમ કે તેમનું પરીક્ષણ થવાથી તેમણે દુ:ખ સહન કર્યાં, તેથી જેઓનું પરીક્ષણ થાય છે તેઓને સહાય કરવાને શક્તિમાન છે.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×