Bible Versions
Bible Books

Psalms 68 (GUV) Gujarati Old BSI Version

1 મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત; ગાયન. ઈશ્વર ઊઠો, તેમના શત્રુઓ વિખેરાઈ જાઓ! અને તેમના દ્વેષીઓ તેમની સંમુખથી નાસી જાઓ.
2 ધુમાડાની જેમ તેઓને ઉડાવી નાખો! જેમ અગ્નિ આગળ મીણ પીગળી ઝાય છે. તેમ દુષ્ટો ઈશ્વરની આગળ નાશ પામો.
3 પણ ન્યાયીઓ આનંદ કરો; તેઓ ઈશ્વરની સંમુખ હર્ષિત થાઓ. હા, તેઓ બહુ આનંદ કરો.
4 ઈશ્વરની આગળ ગાઓ, તેમના નામનાં સ્તોત્ર ગાઓ; જે અરણ્યમાં થઈને સવારી કરે છે, તેમને માટે સડક બાંધો; તેમનું નામ યાહ છે; તેમની સમક્ષ તમે ઉલ્લાસ કરો.
5 અનાથોના પિતા, અને વિધવાઓના ન્યાયાધીશ, એવા ઈશ્વર પોતાના પવિત્રસ્થાનમાં છે.
6 ઈશ્વર એકાકી માણસને કુટુંબવાળા બનાવે છે, તે બંદીવાનોને છોડાવીને સમૃદ્ધિવાન કરે છે. પણ બંડખોરો સૂકા ઉજ્જડ દેશમાં રહે છે.
7 હે ઈશ્વર, જ્યારે તમે તમારા લોકોની આગળ આગળ ચાલ્યા, જ્યારે અરણ્યમાં થઈને તમે કૂચ કરી, (સેલાહ)
8 ત્યારે પૃથ્વી કંપી, વળી ઈશ્વરની આગળ આકાશમાંથી વરસાદ પડયો; ઈશ્વર, ઇઝરાયલના ઈશ્વરની આગળ સિનાઈ પર્વત કાંપ્યો.
9 હે ઈશ્વર, તમે પુષ્કળ વરસાદ મોકલ્યો, તમારું વતન બેહોશ થયું હતું, ત્યારે તમે તેને તાજું કર્યું,
10 તેમાં તમારા ઘરનાં માણસો વસ્યાં; હે ઈશ્વર, તમે દુ:ખીઓના ઉપર ઉપકાર કરીને તેમની ભૂખ ભાંગી.
11 પ્રભુ હુકમ આપે છે, અને ખબર કહેનારી સ્ત્રીઓનું તો મોટું ટોળું છે:
12 “સેનાધિપતિઓ નાસે છે, તેઓ નાસી જાય છે!” અને ઘેર રહેનારી સ્ત્રી લૂંટ વહેંચે છે.
13 તમે ઘેટાંના વાડામાં સૂઈ રહેશો, ત્યારે જેની પાંખે રૂપાનો ઢોળ અને પીંછાએ કેસરી સોનાનો ઢોળ ચઢાવેલો હોય, એવા સૂતેલા હોલાના જેવા લાગશો.
14 સર્વસમર્થે ત્યાં રાજાઓને વિખેરી નાખ્યા, ત્યારે સાલ્મોનમાં હિમ પડ્યા જેવું થયું.
15 બાશાનનો પર્વત ઈશ્વરનો પર્વત છે; બાશાનનો પર્વત ઘણાં શિખરવાળો છે.
16 અરે શિખરવાળા પર્વતો, ઈશ્વરે રહેવાને માટે જે પર્વત પસંદ કર્યો છે, તેને તમે વક્ર દષ્ટિએ કેમ જુઓ છો? ખરેખર યહોવા ત્યાં સર્વકાળ રહેશે.
17 ઈશ્વરના રથો લાખોલાખ છે; જેમ તે સિનાઈના પવિત્રસ્થાનમાં છે તેમ પ્રભુ તેઓમાં છે.
18 તમે ઉચ્ચસ્થાનમાં ગયા છો, તમે બંદીવાનોને લઈને આવ્યા; તમે માણસો પાસેથી નજરાણાં લીધાં છે, બંડખોરો પાસેથી પણ લીધાં, જેથી યહોવા ઈશ્વર તેઓમાં રહે.
19 ધન્ય છે પ્રભુને કે જે રોજ આપણો બોજો ઊંચકી લે છે, તે આપણા તારણના ઈશ્વર છે. (સેલાહ)
20 ઈશ્વર આપણા તારણના ઈશ્વર છે; મરણથી છૂટવાના માર્ગો પ્રભુ યહોવા પાસે છે.
21 પણ ઈશ્વર પોતાના શત્રુઓનાં માથાં ફોડી નાખશે, પાપમાં રચ્યાપચ્યા રહેનારની કેશ વાળી ખોપરી તે ફોડી નાખશે.
22 પ્રભુએ કહ્યું, “હું બાશાનથી તેમને પાછાં લાવીશ, હું સમુદ્રનાં ઊંડાણોમાંથી તેમને પાછાં લાવીશ,
23 જેથી તું તારો પગ શત્રુઓના રક્તમાં બોળે, અને તારા કૂતરાઓની જીભને તેઓનું ભક્ષ મળે.”
24 હે ઈશ્વર, તેઓએ તમારી સવારી જોઈ છે, મારા ઈશ્વર, મારા રાજાના પવિત્રસ્થાનમાં જનારી સવારી તેઓએ જોઈ છે,
25 આગળ ગાયકો ચાલતાં હતા, પછવાડે વાજાં વગાડનારા ચાલતા હતા. અને તેઓની વચમાં ડફ વગાડનારી કન્યાઓ ચાલતી હતી.
26 “હે મંડળો, તમે ઈશ્વરની સ્તુતિ કરો, ઇઝરાયલનાં સંતાનો, તમે પ્રભુની સ્તુતિ કરો.”
27 ત્યાં તેઓનો અધિકારી નાનો બિન્યામીન છે, યહૂદાના સરદારો અને તેઓની સભા, ઝબુલોનના સરદારો અને નફતાલીના સરદારો પણ ત્યાં છે.
28 હે ઈશ્વર, યરુશાલેમમાંના તમારા મંદિરમાંથી તમારું સામર્થ્ય કે, જે વડે તમે અમારે માટે મોટાં કાર્યો કર્યાં છે, તે પ્રગટ કરો;
29 રાજાઓ તમારી પાસે નજરાણાં લાવશે.
30 સરકટોમાં ભરાઈ રહેનાર હિંસક પ્રાણીને ધમકાવો, ગોધાઓના ટોળાને તથા વાછરડાં જેવા લોકોને પણ ધમકાવો કે, તેઓ રૂપાની લગડીઓ તમને આપીને દંડવત પ્રણામ કરે; જે લોકો યુદ્ધમાં રાજી હોય છે, તેઓને તમે વિખેરી નાખો.
31 મિસરમાંથી અમીરો આવશે; કૂશ દેશ જલદી ઈશ્વર આગળ હાથ જોડશે.
32 પૃથ્વીનાં રાજ્યો ઈશ્વરની આગળ ગાઓ; પ્રભુનું સ્તવન કરો. (સેલાહ)
33 પુરાતન કાળનાં આકાશોનાં આકાશ પર સવારી કરનારનું સ્તવન કરો; તે પોતાની વાણી કાઢે છે, તે સામર્થ્યની વાણી છે.
34 તમે ઈશ્વરને સામર્થ્યવાન માનો; ઇઝરાયલના તે રાજાધિરાજ છે, આકાશોમાં તેમનું પરાક્રમ છે.
35 હે ઈશ્વર, તમે તમારાં પવિત્રસ્થાનોમાં ભયાવહ છો; ઇઝરાયલના ઈશ્વર પોતાના લોકોને સામર્થ્ય તથા બળ આપે છે. ઈશ્વરને ધન્ય હોજો.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×