Bible Versions
Bible Books

Jeremiah 18 (GUV) Gujarati Old BSI Version

1 યહોવાનું જે વચન યર્મિયાની પાસે આવ્યું તે છે,
2 “તું ઊઠીને કુંભારને ઘેર જા, ને ત્યાં હું મારાં વચનો તને કહી સંભળાવીશ.”
3 ત્યારે હું કુંભારને ઘેર ગયો, અને જુઓ, તે ચાક પર કામ કરતો હતો.
4 માટીનું જે વાસણ તે ઘડતો હતો તે તેના હાથમાં બગડી ગયું, પછી પોતાને સારું લાગ્યું તેવા ઘાટનું તેણે એક બીજું વાસણ ઉતાર્યું.
5 પછી યહોવાનું વચન મારી પાસે એવું આવ્યું,
6 “યહોવા કહે છે કે, હે ઇઝરાયલનાં સંતાનો, કુંભાર કરે છે તેમ હું તમારા વિષે નહિ કરી શકું? હે ઇઝરાયલના વંશજો, જુઓ, કુંભારના હાથમાં જેવો ગારો છે, એવા તમે મારા હાથમાં છો.
7 જે વખતે હું કોઈ પ્રજા વિષે કે કોઈ રાજ્ય વિષે, તેને ઉખેડવા, પાડી નાખવા તથા નાશ કરવા માટે બોલું.
8 તે વખતે જે પ્રજાની વિરુદ્ધ હું બોલ્યો છું તે જો પોતાની દુષ્ટતાથી ફરે, તો તેનો જે અનર્થ કરવાનું મેં વિચાર્યું હતું તે વિષે હું પસ્તાઈશ.
9 વળી જે વખતે હું કોઈ પ્રજા વિષે કે કોઈ રાજ્ય વિષે તેને બાંધવા તથા રોપવા માટે બોલું,
10 ત્યારે જો તે મારું કહ્યું માનીને મારી દષ્ટિમાં જે ભૂંડું છે તે કરે, તો જે પ્રકારના કલ્યાણથી મેં તેનું હિત કરવાનું કહ્યું હતું તે વિષે હું પસ્તાઈશ.
11 માટે હવે ચાલ, તું યહૂદિયાનાં માણસોને તથા યરુશાલેમના રહેવાસીઓને કહે, યહોવા કહે છે કે, જુઓ હું તમારા પર વિપત્તિ લાવવાની પેવી કરું છું, ને તમારી વિરુદ્ધ યોજના યોજું છું. તમે દરેક પોતાના દુષ્ટ માર્ગથી ફરો, ને તમારા પોતાના માર્ગો તથા તમારી પોતાની કરણીઓ સુધારો.
12 પણ તેઓ કહે છે, ‘હવે કંઈ આશા રહી નથી; કેમ કે અમે પોતાની યોજના પ્રમાણે ચાલીશું, ને અમે દરેક પોતપોતાના દુષ્ટ હ્રદયના દુરાગ્રહ પ્રમાણે વર્તીશું.’
13 તે માટે યહોવા કહે છે કે, વિદેશીઓમાં પૂછો કે, ઇઝરાયલની કુમારીએ અતિશય ભયંકર કૃત્ય કર્યું એવી વાતો કોણે સાંભળી છે?
14 લબાનોનનો બરફ ખેતરના ખડક પર પડતો બંધ થશે? અથવા વેગળેથી વહી આવતું ઠંડું પાણી ખૂટી જશે?
15 મારા લોકો મને વીસરી ગયા છે, જે નિરર્થક છે તેની આગળ તેઓએ ધૂપ બાળ્યો છે. તેઓએ તેઓના માર્ગોમાં, તેઓની પ્રાચીન વાટોમાં, તેઓને ઠોકર ખવાડી છે, જેથી તેઓ પગદંડીઓમાં, એટલે જે માર્ગ બાંધેલો નથી તેમાં ચાલે.
16 અને તેમનો દેશ વિસ્મય તથા નિરંતર ફિટકાર ઉપજાવે એવો થાય; જે કોઈ તેની પાસે થઈને જશે તે વિસ્મય પામશે, ને પોતાનું માથું હલાવશે.
17 પૂર્વના પવનથી વિખેરાઈ જતા હોય તેમ હું તેઓને શત્રુઓની આગળ વિખેરી નાખીશ; તેઓની વિપત્તિને દિવસે હું તેઓના મુખ નહિ, પણ પીઠ દેખાડીશ.”
18 ત્યારે તેઓએ કહ્યું, “ચાલો, યર્મિયાનો ઘાટ ઘડીએ; કેમ કે યાજકની પાસે નિયમશાસ્ત્ર, જ્ઞાનીની પાસે સલાહ, તથા પ્રબોધકની પાસે પ્રબોધનું વચન ખૂટવાનું નથી. ચાલો, તેની સામે આરોપ યોજી કાઢીએ, ને તેનાં કોઈ પણ વચનો પર ધ્યાન આપીએ નહિ.”
19 યર્મિયાએ પ્રાર્થના કરી, “હે યહોવા મારા પર ધ્યાન રાખો, ને મારી સામે વઢનારાઓની વાણી સાંભળો.
20 ઉપકારને બદલે અપકાર કરાય? કેમ કે તેઓએ મારા જીવને માટે ખાડો ખોદ્યો છે. તેઓના લાભમાં ભલું બોલવા માટે તેઓ પરથી તમારો કોપ ઉતારવા માટે હું તમારી આગળ ઊભો રહ્યો હતો વાતનું સ્મરણ કરો.
21 તે માટે તેઓના પુત્રોને દુકાળથી નાશ પામવા દો, ને તેમને તરવારને તાબે કરો; તેઓની પત્નીઓ નિ:સંતાન તથા વિધવાઓ થાય. તેઓના પુરુષો ઠાર માર્યા જાય, અને તેઓના તરુણ પુરુષો લડાઈમાં તરવારથી કતલ થાય.
22 જ્યારે તમે તેઓ પર ઓચિંતું સૈન્ય લાવો, ત્યારે તેઓનાં ઘરોમાંથી રડારોળ સાંભળવામાં આવો; કેમ કે મને પકડવા માટે તેઓએ ખાડો ખોદ્યો છે, ને મારા પગને માટે તેઓએ ફાંસા નાખ્યા છે.
23 પણ હે યહોવા, મને મારવા માટે મારી વિરુદ્ધ તેઓની બધી મસલત તમે જાણો છો. તેઓના અન્યાયની ક્ષમા કરો, ને તમારી દષ્ટિ આગળથી તેઓનું પાપ ભૂંસી નાખો; પણ તેઓને તમારી નજર આગળ પટકાવી પાડો. તમે તમારા કોપને સમયે તેઓને જોઈ લો.”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×