Bible Versions
Bible Books

Esther 4 (GUV) Gujarati Old BSI Version

1 જે બધું કરવામાં આવ્યું, તે મોર્દખાયે જાણ્યું, ત્યારે તેણે પોતાનાં વસ્ત્ર ફાડીને ટાટ પહેર્યું, અને રાખ ચોળીને નગરમાં તે નીકળી પડ્યો, અને મોટે ઘાંટે દુ:ખથી પોક મૂકીને રડ્યો.
2 તે છેક રાજાના દરવાજા આગળ આવ્યો, કેમ કે ટાટ પહેરીને રાજાના દરવાજામાં પેસવાની પરવાનગી કોઈને નહોતી.
3 સર્વ પ્રાંતોમાં જ્યાં જ્યાં રાજાની આજ્ઞા તથા ફરમાન જાહેર કરવામાં આવ્યાં, ત્યાં ત્યાં યહૂદીઓમાં મોટો શોક તથા ઉપવાસ તથા વિલાપ તથા કલાપીટ થઈ રહ્યાં. અને ઘણાંક ટાટ તથા રાખ પાથરીને તેમાં સૂતાં.
4 એસ્તેરની દાસીઓએ તથા તેના ખોજાઓએ આવીને તેને તે વિષે કહ્યું; રાણી અતિશય દુ:ખી થઈ. મોર્દખાય પોતાના અંગ પરથી ટાટ કાઢીને બીજાં વસ્ત્રો પહેરે, તે માટે એસ્તેરે વસ્ત્રો મોકલ્યાં; પણ તે તેણે પહેર્યા નહિ.
5 રાજાના ખોજાઓમાંનો હથાક નામે એક હતો, જેને રાણીની ખિજમતમાં રહેવા માટે નીમ્યો હતો, તેને એસ્તેરે બોલાવીને ફરમાવ્યું, “મોર્દખાય પાસે જઈને ખબર કાઢ કે, શું છે, અને એમ કરવાનું કારણ શું છે?”
6 હથાક નીકળીને રાજાના દરવાજા સામેન નગરચોકમાં મોર્દખાય પાસે ગયો.
7 મોર્દખાયે પોતાના પર જે સર્વ આવી પડ્યું હતું તે, તથા યહૂદીઓનો નાશ કરવાને હામાને જે નાણું રાજાના ભંડારમાં આપવાનું કહ્યું હતું, તેનો આંકડો તેને બરાબર કહી સંભળાવ્યો.
8 વળી તેઓનો નાશ કરવાનો હુકમ સૂસામાં કરવામાં આવ્યો હતો, તેની નકલ મોર્દખાયે તેને આપી કે, હથાક એસ્તેરને તે દેખાડે, અને તેને કહી બતાવે. અને એસ્તેરને વીનવે કે રાજાની હજૂરમાં જઈને તે પોતાના લોકને માટે કાલાવાલા કરીને રૂબરૂ અરજ કરે.
9 હથાકે પાછા આવીને મોર્દખાયનું કહેલું એસ્તેરને કહ્યું,
10 ત્યારે એસ્તેરે હથાક સાથે વાત કરીને મોર્દખાય પર સંદેશો મોકલ્યો,
11 “રાજાના સર્વ સેવકો તથા રાજાના પ્રાંતોના લોકો જાણે છે કે, જે કોઈ પુરુષ કે સ્ત્રી, વગર બોલવ્યે, અંદરના ચોકમાં રાજાની પાસે જાય, તે વિષે એક કાયદો છે કે, તેને મારી નાખવો, ફક્ત જેની સામે રાજા સોનાનો રાજદંડ ધરે તે જીવતો રહે; પણ મને તો ત્રીસ દિવસથી રાજાની હજૂરમાં જવાનું તેડું આવ્યું નથી.”
12 એસ્તેરનો સંદેશો તેણે મોર્દખાયને કહી જણાવ્યો.
13 ત્યારે મોર્દખાયે હથાકને કહ્યું, “તારે એસ્તેરને એવો પ્રત્યુત્તર આપવો કે, સર્વ યહૂદીઓ કરતાં તને રાજમહેલમાં બચવાનો વધારે સંભવ છે, એમ તારે પોતાના મનમાં ધારવું નહિ.
14 જો તું સમયે છેક છાનીમાની બેસી રહેશે તો યહૂદીઓને માટે મદદ તથા બચાવ બીજી જગાએથી મળશે, પણ તારો તથા તારા પિતાના કુટુંબનો નાશ થઈ જશે; અને તને રાણીપદ પ્રાપ્ત થયું છે તે આવા સમયને માટે નહિ હોય કોણ જાણે છે.?”
15 ત્યારે એસ્તેરે તેઓને કહ્યું, “તમારે મોર્દખાયને એવો પ્રત્યુત્તર આપવો,
16 ‘જો સૂસામાં જેટલા યહૂદીઓ છે તે સર્વને એકઠા કર, અને તમે સર્વ આજે મારે માટે ઉપવાસ કરો. ત્રણ દિવસ સુધી રાત્રે કે દિવસે તમારે કંઈ ખાવું કે પીવું નહિ. હું તથા મારી દાસીઓ પણ એવી રીતે ઉપવાસ કરીશું. જો કે તે નિયમ વિરુદ્ધ છે તોપણ હું રાજાની હજૂરમાં જઈશ; જો મારો નાશ થાય, તો ભલે થાય.’”
17 ત્યારે મોર્દખાય પોતાને રસ્તે ગયો, અને એસ્તેરે તેને જે આજ્ઞા આપી હતી તે પ્રમાણે તેણે કર્યું.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×