Bible Versions
Bible Books

1 Samuel 4 (GUV) Gujarati Old BSI Version

1 અને શમુએલનું વચન સર્વ ઇઝરાયલ પાસે આવતું હતું. હવે ઇઝરાયલ પલિસ્તીઓની સાથે યુદ્ધ કરવાને ગયા, ને એબેન-એઝેર પાસે તેઓએ છાવણી નાખી; અને પલિસ્તીઓએ અફેકમાં છાવણી નાખી.
2 પલિસ્તીઓએ ઇઝરાયલની સામે વ્યૂહ રચ્યો; લડાઈ જામી ત્યારે પલિસ્તીઓને હાથે ઇઝરાયલે હાર ખાધી. અને રણક્ષેત્રમાં તેઓએ ઇઝરાયલીઓના સૈન્યના આસરે ચાર હજાર માણસ માર્યા.
3 અને લોક છાવણીમાં પાછા આવ્યા, ત્યારે ઇઝરાયલના વડીલોએ કહ્યું, “આજે યહોવાએ પલિસ્તીઓને હાથે આપણને કેમ માર ખવડાવ્યો છે? શીલોમાંથી યહોવાના કરારનો કોશ આપણે પોતાની પાસે લાવીએ કે, તે આપણી મધ્યે આવીને આપણા શત્રુઓના હાથમાંથી આપણને બચાવે.”
4 ત્યારે લોકોએ શીલોમાં માણસ મોકલ્યા, ને ત્યાંથી તેઓ સૈન્યોના યહોવા, જે કરુબીમની વચ્‍ચે બિરાજમાન છે, તેમના કરારનો કોશ લાવ્યા. અને એલીના બે દીકરા હોફની તથા ફીનહાસ ઈશ્વરના કરારના કોશ સાથે ત્યાં આવ્યા હતા.
5 જ્યારે યહોવાના કરારનો કોશ છાવણીમાં આવ્યો, ત્યારે સર્વ ઇઝરાયલીઓએ એવો મોટો હોકારો કર્યો કે પૃથ્વીમાંથી પડઘા પડ્યાં.
6 જ્યારે પલિસ્તીઓએ હોકારાનો અવાજ સાંભળ્યો, ત્યારે તેઓએ કહ્યું, “હિબ્રૂઓની છાવણીમાં આવો મોટો હોકારો કેમ થાય છે?” અને તેઓ સમજ્યા કે યહોવાનો કોશ છાવણીમાં આવ્યો છે.
7 આથી પલિસ્તીઓ ભયભીત થયા, કેમ કે તેઓએ કહ્યું, “ઈશ્વર છાવણીમાં આવ્યા છે.” વળી તેઓએ કહ્યું, “આપણને અફસોસ! કેમ કે આજ સુધી આવું કદી બન્યું નથી.
8 આપણને અફસોસ! પરાક્રમી દેવોના હાથમાંથી આપણને કોણ છોડાવશે? જે દેવોએ મિસરીઓને રાનમાં સર્વ પ્રકારના મરાઓથી માર્યા હતા તે છે.
9 પલિસ્તીઓ, તમે બળવાન થાઓ, ને પુરુષાતન દાખવો, રખેને જેમ હિબ્રૂઓ તમારા દાસ થયા હતા, તેમ તમે તેઓના દાસ થાઓ; પુરુષાતન દાખવો, ને લડો.”
10 પલિસ્તીઓ લડ્યા, ને ઇઝરાયલીઓએ માર ખાધો, ને તેઓમાંનો દરેક પોતપોતાના તંબુએ નાસી ગયો; અને ઘણી મોટી કતલ થઈ; કેમ કે ઇઝરાયલના પાયદળમાંથી ત્રી હજાર પડ્યા.
11 વળી ઈશ્વરનો કોશ શત્રુઓના હાથમાં ગયો, અને એલીના બે દીકરા હોફની અને ફીનહાસ માર્યા ગયા.
12 અને બિન્યામીનનો એક પુરુષ સૈન્યમાંથી નાઠો, ને તેનાં વસ્‍ત્ર ફાટી ગયેલાં તથા તેના માથામાં ઘૂળ ભરાયેલી, એવી સ્થિતિમાં તે તે દિવસે શીલો આવી પહોંચ્યો.
13 તે આવ્યો ત્યારે જુઓ, એલી રસ્તાની બાજુએ પોતાના આસન પર બેસીને રાહ જોતો હતો; કેમ કે ઈશ્વરના કોશ વિષે તેનું હદય થરથરતું હતું. જ્યારે તે માણસે નગરમાં આવીને ખબર કહી, ત્યારે આખું નગર પોક મૂકીને રડ્યું.
14 એલીએ તે પોકનો અવાજ સાંભળ્યો ત્યારે તેણે પૂછ્યું, “આ ખળભળાટ તથા શોરબકોર કેમ થાય છે?” અને તે માણસે ઉતાવળથી આવીને એલીને ખબર આપી.
15 હવે એલી તો અઠ્ઠાણું વર્ષની વયનો હતો. તેની આંખો એટલી ઝાંખી પડી ગઈ હતી કે તેને સૂઝતું નહોતું.
16 તે માણસે એલીને કહ્યું, “સૈન્યમાંથી જે આવ્યો તે હું છું, ને સૈન્યમાંથી હું આજે જે દોડતો આવ્યો છું.” તેણે કહ્યું, “મારા દીકરા, ત્યાં શું થયું?”
17 અને સંદેશો લાવનારે ઉત્તર આપ્યો, “ઇઝરાયલ પલિસ્તીઓ આગળથી નાઠા છે, વળી લોકોની ભારે કતલ થઈ છે, તમારા બન્‍ને દીકરા હોફની તથા ફિનહાસ પણ મરણ પામ્યા છે, ને ઈશ્વરનો કોશ શત્રુના હાથમાં ગયો છે.”
18 અને એમ થયું કે જ્યારે તેણે ઈશ્વરના કોશનું નામ દીધું ત્યારે એલી દરવાજાની બાજુ પાસેના આસન પરથી‍ ચત્તોપાટ પડી ગયો, તેની ગરદન ભાંગી ગઈ, ને તે મરણ પામ્યો; કેમ કે તે વૃદ્ધ તથા શરીરે ભારે હતો. તેણે ચાળીસ વર્ષ સુધી ઇઝરાયલીઓનો ન્યાય કર્યો હતો.
19 તેની પુત્રવધૂ, એટલે ફીનહાસની પત્ની, ગર્ભવતી હતી, ને પ્રસૂતિનો સમય નજીક હતો. અને ઈશ્વરના કોશનું હરણ થયું છે, ને તેનો સસરો તથા તેનો પતિ મરણ પામ્યા છે, ખબર જ્યારે તેણે સાંભળી ત્યારે તે વાંકી વળી, ને તેને પ્રસવ થયો; કેમ કે તેને ચૂંક તો આવતી હતી.
20 તેના મરણ વખતે જે સ્‍ત્રીઓ તેની પાસે ઊભેલી હતી તેઓએ કહ્યું, બીશ નહિ; કેમ કે તને દીકરો જન્મ્યો છે.” પણ તેણે ઉત્તર આપ્યો નહિ, ને કંઈ પરવા પણ કરી નહિ.
21 અને તેણે તે છોકરાનું નામ ઇખાબોદ પાડીને કહ્યું, “ઇઝરાયલમાંથી ગૌરવ જતું રહ્યું છે;” કારણ કે ઈશ્વરનો કોશ લઈ જવામાં આવ્યો હતો, ને તેના સસરાનું તથા પતિનું મોત થયું હતું.
22 અને તેણે કહ્યું, “હવે ઇઝરાયલમાંથી ગૌરવ જતું રહ્યું છે; કેમ કે ઈશ્વરના કોશનું હરણ થયું છે.”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×