Bible Versions
Bible Books

Luke 5 (GUV) Gujarati Old BSI Version

1 હવે ઘણા લોકો તેમના પર પડાપડી કરીને ઈશ્વરની વાત સાંભળતા હતા, ત્યારે તે ગન્‍નેસરેતના સરોવરને કાંઠે ઊભા રહ્યા હતા.
2 તેમણે સરોવરના કાંઠે લાંગરેલી બે હોડી જોઈ, પણ માછીઓ તેઓ પરથી ઊતરીને જાળો ધોતા હતા.
3 તે હોડીઓમાંની એક સિમોનની હતી, તેના પર તે ચઢયા, ને તેને કાંઠાથી થોડે દૂર હંકારવાનું કહ્યું. તેમણે તેમાં બેસીને લોકોને બોધ કર્યો.
4 બોધ કરી રહ્યા પછી તેમણે સિમોનને કહ્યું, “ઊંડા પાણીમાં હંકારીને માછલાં પકડવા માટે તમારી જાળો નાખો.”
5 સિમોને તેમને ઉત્તર આપ્યો, “સ્વામી, અમે આખી રાત મહેનત કરી, પણ કશું પકડયું નહિ. તોપણ તમારા કહેવાથી હું જાળો નાખીશ.”
6 એમ કર્યા પછી તેઓએ માછલાંનો મોટો જથો ઘેરી લીધો, એટલે સુધી કે તેઓની જાળ ફાટવા લાગી.
7 તેઓના ભાગિયા બીજી હોડીમાં હતા તેઓને તેઓએ ઇશારો કર્યો કે, તેઓ આવીને તેઓને સહાય કરે. તેઓએ આવીને બન્‍ને હોડીઓને એવી ભરી કે તેઓ ડૂબવા લાગી.
8 તે જોઈને સિમોન પિતરે ઈસુના પગ આગળ પડીને કહ્યું, “ઓ પ્રભુ, મારી પાસેથી જાઓ; કારણ કે હું પાપી માણસ છું.”
9 કેમ કે માછલાંનો જે જથો પકડાયો હતો, તેથી તે તથા તેના સર્વ સાથીઓ નવાઈ પામ્યા.
10 ઝબદીના દીકરા યાકૂબ તથા યોહાન, જેઓ સિમોનના ભાગિયા હતા, તેઓને પણ નવાઈ લાગી. ઈસુએ સિમોનને કહ્યું, “ગભરાઈશ નહિ, હવેથી તું માણસો પકડનાર થશે.”
11 હોડીઓને કાંઠે લાવ્યા પછી તેઓ બધું મૂકીને તેમની પાછળ ચાલ્યા.
12 તે એક શહેરમાં હતા, ત્યારે જુઓ, એક રક્તપિત્તિયો માણસ ત્યાં હતો, તે ઈસુને જોઈને તેમને પગે પડ્યો, અને તેમને વિનંતી કરી, “હે પ્રભુ, જો તમે ચાહો તો તમે મને શુદ્ધ કરી શકો છો.”
13 તેમણે હાથ લાંબો કર્યો, અને તેને અડકીને કહ્યું, “હું ચાહું છું, તું શુદ્ધ થા.” અને તરત તેનું રક્તપિત્ત જતું રહ્યું.
14 તેમણે તેને તાકીદ કરી, “તારે વિષે કોઈને કહેવું નહિ. પણ તું જઈને યાજકને તારું શરીર બતાવ, અને મૂસાના ફરમાવ્યા પ્રમાણે તારા શુદ્ધીકરણને લીધે, તેઓને માટે સાક્ષી તરીકે, અર્પણ ચઢાવ.”
15 પણ ઈસુ સંબંધીની ચર્ચા ઊલટી વધારે ફેલાઈ ગઈ. અને ઘણાં લોકો સાંભળવા માટે તથા પોતાના મંદવાડથી સાજા થવા માટે તેમની પાસે એકત્ર થયા.
16 પણ પોતે એકાંતે રાનમાં જઈને પ્રાર્થના કરતા.
17 એક દિવસ તે બોધ કરતા હતા ત્યારે ગાલીલના પ્રત્યેક ગામમાંથી, યહૂદિયાથી તથા યરુશાલેમથી આવીને ફરોશીઓ તથા નિયમોપદેશકો ત્યાં બેઠા હતા. અને માંદા માણસોને સાજા કરવા માટે પ્રભુનું પરાક્રમ તેમની પાસે હતું.
18 જુઓ, કેટલાક જણ એક પક્ષઘાતી માણસને ખાટલા પર લાવ્યા. તેને અંદર લઈ જઈને તેમની આગળ મૂકવાનો તેઓએ પ્રયત્ન કર્યો.
19 પણ ભીડને લીધે તેને અંદર લઈ જવાનો લાગ મળ્યાથી તેઓએ ધાબા પર ચઢીને છાપરામાં થઈને તેને ખાટલા સહિત ઈસુની આગળ વચ્‍ચે ઉતાર્યો.
20 ઈસુએ તેઓનો વિશ્વાસ જોઈને તેને કહ્યું, “હે માણસ, તારાં પાપ તને માફ થયાં છે.”
21 તે સાંભળીને શાસ્‍ત્રીઓ તથા ફરોશીઓ અંદરોઅંદર વિચાર કરીને કહેવા લાગ્યા, “આ દુર્ભાષણ કરનાર કોણ છે? એકલા ઈશ્વર સિવાય બીજો કોણ પાપની માફી આપી શકે?”
22 પણ ઈસુએ તેઓના વિચાર જાણી લઈને તેઓને કહ્યું, “તમે તમારા મનમાં શા તર્કવિતર્ક કરો છો?
23 તારાં પાપ તને માફ થયાં છે, એમ કહેવું; અથવા ઊઠીને ચાલ, એમ કહેવું; બેમાંથી વધારે સહેલું ક્યું છે?
24 પણ પૃથ્વી પર માણસના દીકરાને પાપ માફ કરવાનો અધિકાર છે, તમે જાણો માટે (તેમણે પક્ષઘાતીને કહ્યું કે, ) ‘હું તને કહું છું કે, ઊઠ, તારો ખાટલો ઊંચકીને તારે ઘેર‍‍ ચાલ્યો જા’”
25 તરત તે તેઓની આગળ ઊઠીને જે પર તે સૂતો હતો તે તરત ઊંચકીને ઈશ્વરની સ્તુતિ કરતો કરતો પોતાને ઘેર ગયો.
26 એથી સર્વ વિસ્મિત થયા, અને તેઓએ ઈશ્વરની સ્તુતિ કરી. તેઓએ ભયભીત થઈને કહ્યું “આજ આપણે અજાયબ જેવી વાતો જોઈ છે.”
27 તે પછી તે‍ ત્યાંથી નીકળ્યો, ને લેવી નામે એક જકાતદારને જકાતની ચોકી પર બેઠેલો જોઈને તેમણે કહ્યું, “મારી પાછળ ચાલ.”
28 તે બધું મૂકીને ઊઠયો ને તેમની પાછળ ગયો.
29 લેવીએ પોતાને ઘેર તેમને માટે મોટી મિજબાની કરી, અને જકાતદારો તથા બીજા ઘણા માણસો તેઓની સાથે જમવા બેઠા હતા.
30 ફરોશીઓએ તથા તેઓના શાસ્‍ત્રીઓએ તેમના શિષ્યોની વિરુદ્ધ કચકચ કરીને કહ્યું, “તમે જકાતદારો તથા પાપીઓની સાથે કેમ ખાઓ પીઓ છો?”
31 ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “જેઓ સાજાં છે તેઓને વૈદની અગત્ય નથી, પણ જેઓ માંદાં છે તેઓને છે,
32 ન્યાયીઓને નહિ, પણ પાપીઓને પસ્તાવાને માટે બોલાવવા હું આવ્યો છું.”
33 તેઓએ તેમને કહ્યું, યોહાનના શિષ્યો તેમ ફરોશીઓના શિષ્યો પણ વારંવાર ઉપવાસ તથા પ્રાર્થના કરે છે. પણ તમારા શિષ્યો તો ખાયપીએ છે.”
34 ઈસુએ તેઓને કહ્યું, “વર જાનૈયાઓની સાથે હોય ત્યાં સુધી તેઓની પાસે તમે ઉપવાસ કરાવી શકો શું?
35 પણ એવા દિવસ તો આવશે. વર તેઓની પાસેથી લઈ લેવાશે, ત્યારે તે સમયે તેઓ ઉપવાસ કરશે.”
36 તેમણે તેઓને એક દ્દષ્ટાંત પણ કહ્યું, “નવા કપડાંમાંથી કટકો ફાડીને કોઈ માણસ જૂના વસ્‍ત્રને થીંગડું મારતું નથી. જો તે મારે તો તે નવું ફાડી નાખશે, અને વળી નવામાંથી લીધેલું થીંગડું જૂનાને મળતું નહિ આવશે.
37 વળી નવો દ્રાક્ષારસ જૂની મશકોમાં કોઈ ભરતું નથી. જો ભરે તો નવો દ્રાક્ષારસ મશકોને ફાડી નાખે, અને પોતે ઢળી જશે, ને મશકોનો નાશ થશે.
38 પણ નવો દ્રાક્ષારસ નવી મશકોમાં ભરવો જોઈએ.
39 વળી જૂનો દ્રાક્ષારસ પીધા પછી કોઈ નવો પીવા માગતો નથી, કેમ કે તે કહે છે કે, જૂનો સારો છે.”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×