Bible Versions
Bible Books

Leviticus 15 (GUV) Gujarati Old BSI Version

1 અને યહોવાએ મૂસાને તથા હારુનને કહ્યું,
2 “ઇઝરાયલી લોકોને એમ કહો કે, કોઈ પુરુષના અંગમાં સ્‍ત્રાવનો રોગ હોય, તો તેના સ્‍ત્રાવના કારણથી તે અશુદ્ધ છે.
3 અને તેના સ્‍ત્રાવમાં તેની અશુદ્ધતા પ્રમાણે ગણાય:તેના સ્‍ત્રાવ સાથે તેનું માંસ વહેતું હોય, કે તેના સ્‍ત્રાવમાંથી તેનું માસ વહેતું બંધ પડે, તોપણ તેથી તે અશુદ્ધ થાય છે.
4 જે કોઈ બિછાના ઉપર સ્‍ત્રાવવાળો સૂએ, તે અશુદ્ધ ગણાય, અને જે કોઈ વસ્તુ પર તે બેસે તે પણ અશુદ્ધ ગણાય.
5 અને જે કોઇ તેના બિછાનાનો સ્પર્શ કરે તે પોતાનાં વસ્‍ત્ર ધોઈ નાખે, ને પાણીમાં સ્‍નાન કરે તે ને સાંજ સુધી અશુદ્ધ ગણાય.
6 અને જે વસ્તુ પર સ્‍ત્રાવવાળો બેઠો હોય તે પર જે કોઈ બેસે, તે પોતાનાં વસ્‍ત્ર ધોઈ નાખે, ને પાણીમાં સ્‍નાન કરે, ને સાંજ સુધી અશુદ્ધ ગણાય.
7 અને સ્‍ત્રાવવાળાના શરીરનો જે કોઈ સ્પર્શ કરે તે પોતાનાં વસ્‍ત્ર ધોઈ નાખે, ને પાણીમાં સ્નાન કરે, ને સાંજ સુધી અશુદ્ધ ગણાય.
8 અને જો સ્‍ત્રાવવાળો કોઈ સ્વચ્છ માણસ પર થૂંકે; તો તે પોતાનાં વસ્‍ત્ર ધોઈ નાખે, ને પાણીમાં સ્નાન કરે, ને સાંજ સુધી અશુદ્ધ ગણાય.
9 અને જે વાહન પર સ્‍ત્રાવવાળો સવારી કરે, તે અશુદ્ધ ગણાય.
10 અને જે કંઈ તેની નીચે આવેલું હોય, તેનો સ્પર્શ કરનાર પ્રત્યેક જન સાંજ સુધી અશુદ્ધ ગણાય. અને જે કોઈ એની વસ્તુઓને ઉપાડે તે પોતાનાં વસ્‍ત્ર ધોઈ નાખે, ને પાણીમાં સ્‍નાન કરે, ને સાંજ સુધી અશુદ્ધ ગણાય.
11 અને પાણીથી હાથ ધોયા વગર સ્‍ત્રાવવાળો જે કોઈને અડકે, તે પોતાનાં વસ્‍ત્ર ધોઈ નાખે, ને પાણીમાં સ્નાન કરે, ને સાંજ સુધી અશુદ્ધ ગણાય.
12 અને માટીના કોઈ વાસણને સ્‍ત્રાવવાળો અડકે, તેને ભાંગી નાખવું, અને લાકડાના પ્રત્યેક પાત્રને પાણીમાં વીછળી નાખવું.
13 અને જ્યારે સ્‍ત્રાવવાળો પોતાના સ્‍ત્રાવથી શુદ્ધ થાય, ત્યારે તે પોતાના શુદ્ધિકરણને માટે પોતાને માટે સાત દિવસ ગણે, ને પોતાનાં વસ્‍ત્ર ધોઈ નાખે, અને તે વહેતા પાણીમાં પોતાનાં વસ્‍ત્ર ધોઈ નાખે, અને તે વહેતા પાણીમાં પોતાનું અંગ ધોઈને શુદ્ધ થાય.
14 અને આઠમે દિવસે તે પોતાને માટે બે હોલા અથવા કબૂતરનાં બે બચ્ચાં લે, ને મુલાકાતમંડપના બારણા આગળ યહોવાની સમક્ષ આવીને તેમને યાજકને આપે.
15 અને યાજક તેઓમાંના એકને પાપાર્થાર્પણને માટે, ને બીજાને દહનીયાર્પણને માટે ચઢાવે, અને યાજક તેના સ્‍ત્રાવને લીધે તેને માટે યહોવાની સમક્ષ પ્રાયશ્ચિત્ત કરે.
16 અને જો કોઈ પુરુષમાંથી વીર્ય ઝરે, તો તે પોતાના આખા શરીરને પાણીથી ધોઈ નાખે, ને સાંજ સુધી અશુદ્ધ ગણાય.
17 અને જે પ્રત્યેક વસ્‍ત્ર પર કે ચર્મ પર વીર્ય પડયું હોય, તેને પાણીમાં ધોઈ નાખવું, ને તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.
18 વળી સ્‍ત્રી પુરુષનો સંયોગ થાય, તો બન્‍ને પાણીમાં સ્‍નાન કરે, ને સાંજ સુધી અશુદ્ધ ગણાય.
19 અને જો કોઈ સ્‍ત્રીને સ્‍ત્રાવ હોય, ને તેના અંગમાંનો સ્‍ત્રાવ રક્તનો થાય, તો તે સાત દિવસ અલગ રહે. અને જે કોઈ તેને અડકે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.
20 અને અલગ રહેલી હોય તે વેળાએ જે પર તે સૂએ, તે અશુદ્ધ ગણાય. વળી જે પર તે બેસે તે પણ અશુદ્ધ ગણાય.
21 અને જે કોઈ તેના બિછાનાને અડકે તે પોતાનાં વસ્‍ત્ર ધોઈ નાખે, ને પાણીમાં સ્નાન કરે, ને સાંજ સુધી અશુદ્ધ ગણાય.
22 અને જે કોઈ વસ્‍તુ ઉપર તે બેઠી હોય તેને જે કોઈ અડકે, તે પોતાનાં વસ્‍ત્ર ધોઈ નાખે, ને પાણીમાં સ્‍નાન કરે, ને સાંજ સુધી અશુદ્ધ ગણાય.
23 અને જો તે ચીજ તેના બિછાના પર, અથવા જે પર તે બેઠેલી હોય એવી કોઈ વસ્‍તુ પર હોય, તો જયારથી તે તેને અડકે ત્યારથી સાંજ સુધી તે અશુદ્ધ ગણાય.
24 અને જો કોઈ પુરુષ તેની સાથે સૂએ, ને તેની અશુદ્ધતા તેને લાગે, તો તે સાત દિવસ અશુદ્ધ ગણાય. અને જે બિછાના પર તે સૂએ તે પણ અશુદ્ધ ગણાય.
25 અને કોઈ સ્‍ત્રીને ઋતુનો સમય છતાં ઘણા દિવસથી રક્તસ્‍ત્રાવ થયો હોય, અથવા ઋતુના સમય ઉપરાંત તેને સ્‍ત્રાવ ચાલુ રહ્યો હોય, તો તેના સ્‍ત્રાવની અશુદ્ધતાના સર્વ દિવસોભર, તેના ઋતુના સમયની પેઠે તે રહે; તે અશુદ્ધ છે.
26 તેના સ્‍ત્રાવના બધા દિવસો સુધી જે પ્રત્યેક વસ્તુ ઉપર તે બેસે તે તેની ઋતુની અશુદ્ધતા જેવું અશુદ્ધ ગણાય.
27 અને જે કોઈ તે વસ્‍તુઓનો સ્પર્શ કરે તે અશુદ્ધ ગણાય, ને તે પોતાનાં વસ્‍ત્ર ધોઈ નાખે, ને પાણીમાં સ્‍નાન કરે, ને સાંજ સુધી અશુદ્ધ ગણાય.
28 પણ જો તે પોતાના સ્‍ત્રાવથી શુદ્ધ થાય, તો તે પોતાને માટે સાત દિવસ ગણે, ને ત્યાર પછી તે શુદ્ધ ગણાય.
29 અને આઠમે દિવસે તે પોતાને માટે બે હોલા કે કબૂતરનાં બે બચ્ચાં લે, ને તેઓને મુલાકાતમંડપના દ્વાર આગળ યાજક પાસે લાવે.
30 અને યાજક તેમાંથી એકને પાપાર્થાર્પણને માટે, ને બીજાને દહનીયાર્પણને માટે ચઢાવે. અને યાજક તેના સ્‍ત્રાવની અશુદ્ધતાને લીધે તેને માટે યહોવાની સમક્ષ પ્રાયશ્ચિત્ત કરે.
31 એમ ઇઝરાયલી લોકોને તેઓની અશુદ્ધતાથી અળગા કરો; રખેને મારો જે મંડપ તેઓની મધ્યે છે, તેને અશુદ્ધ કરીને તેઓ માર્યા જાય.
32 સ્‍ત્રાવવાળાને માટે, તથા જે પોતાનું વીર્ય ઝરવાથી અશુદ્ધ થયો હોય તેને માટે,
33 અને જે પોતાની ઋતુથી માંદી હોય તેને માટે, તથા જે પુરુષને વીર્યપાત થતો હોય તેને માટે, એટલે પુરુષને તથા સ્‍ત્રીને માટે તથા રજસ્વલાની સાથે સૂનારને માટે નિયમ છે.”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×