Bible Versions
Bible Books

2 Corinthians 3 (GUV) Gujarati Old BSI Version

1 શું અમે ફરીથી અમારાં પોતાનાં વખાણ કરવા માંડીએ છીએ? અથવા શું કેટલાકની માફક અમને તમારા ઉપર લખેલા કે તમારી પાસેથી લીધેલા ભલામણપત્રોની અગત્ય છે?
2 અમારો પત્ર તે તમે છો કે, જે અમારા દિલમાં લખેલો છે, અને સર્વ માણસોના જાણવામાં તથા વાંચવામાં આવે છે.
3 તમે ખ્રિસ્તના પત્ર તરીકે પ્રગટ થયા છો કે, જે પત્ર ની અમે સેવા કરી છે; શાહીથી તો નહિ, પણ જીવતા ઈશ્વરના આત્માથી; શિલાપટો પર નહિ પણ માંસના હ્રદયરૂપી પટો પર તે લખાયેલો છે.
4 ખ્રિસ્તદ્વારા અમને ઈશ્વર પર એવો ભરોસો છે.
5 કોઈ પણ બાબત નો નિર્ણય અમારા પોતાનાથી થાય એવા અમે યોગ્ય નથી. અમારી યોગ્યતા ઈશ્વર તરફથી છે.
6 વળી તેમણે અમને નવા કરારના સેવકો થવા યોગ્ય કર્યા છે. અક્ષરના સેવકો તો નહિ, પણ આત્માના: કેમ કે અક્ષર મૃત્યુકારક છે, પણ આત્મા જીવનદાયક છે.
7 અને મરણસૂચક ધર્મસંસ્થા, જેના અક્ષરો પથ્થરો પર કોતરેલા હતા, તે જો એટલી બધી ગૌરવવાળી હતી કે, ઇઝરાયલી લોકો, મૂસાના મુખ પરનું તેજ જે ટળી જનારું હતું તે તેજને લીધે, તેના મુખ પર ધારીને જોઈ શક્યા નહિ,
8 તો તે કરતાં આત્માની ધર્મસંસ્થા વિશેષ ગૌરવવાળી કેમ હોય?
9 કેમ કે જો દંડાજ્ઞાની ધર્મસંસ્થા ગૌરવરૂપ છે, તો ન્યાયીપણાની ધર્મસંસ્થા ગૌરવમાં બહુ અધિક છે!
10 અને રીતે જોતાં જે ગૌરવવાળું હતું તે તેના કરતાં અધિક ગૌરવ વાળી ધર્મસંસ્થા ના કારણથી, જાણે ગૌરવરહિત થયું.
11 કેમ કે જે રદ થવાનું હતું તે જો ગૌરવવાળું હતું, તો જે કાયમ રહેનાર છે તે વિશેષ ગૌરવવાળું છે!
12 તેથી અમને એવી આશા હોવાથી અમે બહુ હિંમતથી બોલીએ છીએ.
13 અને મૂસાની જેમ નહિ કે, જેણે ઇઝરાયલી લોકો ટળી જનારા મહિમાનો અંત નિહાળે નહિ માટે પોતાના મુખ પર મુખપટ નાખ્યો;
14 પણ તેઓનાં મન કઠણ થયાં, કેમ કે છેક આજ સુધી જૂનો કરાર વાંચતી વખતે તે મુખપટ કાઢ્યા વગર એમ ને એમ રહે છે. પણ તે મુખપટ તો ખ્રિસ્તમાં દૂર કરવામાં આવે છે.
15 પણ આજ સુધી જ્યારે મૂસાનાં પુસ્તક વાંચવામાં આવે છે, ત્યારે તેઓનાં હ્રદય પર મુખપટ હોય છે.
16 પણ જ્યારે તે લોકો પ્રભુની તરફ ફરશે, ત્યારે તે મુખપટ દૂર કરવામાં આવશે.
17 હવે પ્રભુ તે આત્મા છે; અને‍ જ્યાં પ્રભુનો આત્મા છે, ત્યાં સ્વતંત્રતા છે.
18 પણ આપણે સર્વ ઉઘાડે મુખે જાણે કે આરસીમાં પ્રભુનો મહિમા નિહાળીને પ્રભુના આત્માથી અધિકાધિક મહિમા ધારણ કરતાં તે રૂપમાં રૂપાંતર પામીએ છીએ.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×