Bible Versions
Bible Books

Esther 7 (GUV) Gujarati Old BSI Version

1 રાજા તથા હામાન એસ્તેર રાણીએ તૈયાર કરેલી મિજબાનીમાં આવ્યા.
2 બીજે દિવસે પણ દ્રાક્ષારસ પીતી વખતે રાજાએ એસ્તેરને પૂછ્યું,:”એસ્તેર રાણી, તારી શી અરજ છે? તે તને બક્ષવામાં આવશે, તારી વિનંતી શી છે? અર્ધા રાજ્ય સુધી તે મંજૂર થશે.”
3 ત્યાર એસ્તેર રાણીએ ઉત્તર આપ્યો, “હે રાજા, જો મારા પર આપની કૃપાર્દષ્ટિ હોય, અને જો આપની મરજી હોય, તો મને જીવતદાન આપો, મારી અરજ છે, અને મારા લોક મને આપો, મારી વિનંતી છે.
4 કારણ કે અમે, એટલે હું તથા મારા લોક, નાશ પામવા, મારી નંખાવા, તથા કતલ થઈ જવા માટે વેચાયાં છીએ. પણ જો અમે ગુલામો તથા ગુલામડીઓ થવા માટે વેચાયાં હોત તો હું મૂગી બેસી રહેત; પણ જે નુકસાન રાજાને થશે તેને મુકાબલે અમારું દુ:ખ કંઈ વિસાતમાં નથી.”
5 ત્યારે અહાશ્વેરોશ રાજાએ એસ્તેર રાણીને પૂછ્યું, “જેણે પોતાના મનમાં પ્રમાણે કરવા હિમ્મત ધરી છે, તે કોણ છે અને તે ક્યાં‌ છે?”
6 એસ્તરે કહ્યું, “એ વેરી તથા શત્રુ તો દુષ્ટ હામાન છે.” તે સાંભળીને રાજા તથા રાણીની આગળ હામાન ગભરાયો.
7 રાજા પોતાના ક્રોધમાં મદ્યપાન છોડીને મહેલના બાગમાં ગયો; હામાન પોતાનો જીવ બચાવવાને માટે એસ્તેર રાણીને વિનંતી કરવાને ઊભો થયો; કેમ કે તે સમજી ગયો કે, “મારી પાયમાલી કરવાનો રાજાએ નિશ્ચય કર્યો છે.”
8 જ્યારે રાજા મહેલના બાગમાં મદ્યપાન કરવાની જગાએ પાછો આવ્યો, ત્યારે જે પલંગ પર એસ્તેર સૂતી હતી તે પર હામાન પડેલો હતો. રાજાએ કહ્યું, “શું મારા મહેલમાં મારી સંમુખ હામાન રાણી પર બળાત્કાર પણ કરશે?” શબ્દ રાજાના મોંમાંથી નીકળતાં હજૂરિયાઓએ હામાનનું મો ઢાંકી દીધું.
9 જે ખોજાઓ રાજાની હજૂરમાં તે વખતે ઊભા હતા તેઓમાંના એકે, એટલે હાર્બોનાએ કહ્યું, “મોર્દખાય, જેણે રાજાની ઉત્તમ સેવા બજાવી છે, તેને માટે પચાસ હાથ ઊંચી ફાંસી હામાને તૈયાર કરાવી છે. તે તેના ઘરમાં ઊભી કરેલી છે, રાજાએ કહ્યું, “તે ઉપર તેને ફાંસી આપો.”
10 એમ જે ફાંસી હામાને મોર્દખાયને માટે તૈયાર કરી હતી, તેના પર તેઓએ હામાનને ફાંસી આપી. ત્યાર પછી રાજાનો ક્રોધ શમી ગયો.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×