Bible Versions
Bible Books

Isaiah 36 (GUV) Gujarati Old BSI Version

1 હિઝકિયા રાજાની કારકિર્દીના ચૌદમા વર્ષમાં આશૂરના રાજા સાહનેરિબે યહૂદિયાનાં સર્વ કિલ્લાવાલાં નગરો ઉપર ચઢાઈ કરીને તેઓને જીતી લીધાં.
2 તેણે લાખીશથી રાબશાકેને મોટા લશ્કરસહિત હિઝકિયા રાજાની પાસે યરુશાલેમ મોકલ્યો. તે ધોબીના ખેતરની સડક પર ઉપલા તળાવના ગરનાળા પાસે ઊભો રહ્યો.
3 ત્યારે હિલ્કિયાનો દીકરો એલિયાકીમ જે રાજમહેલનો અધિકારી હતો તે, શેબના ચિટનીસ તથા આસાફનો દીકરો યોઆ ઈતિહાસકાર, તેઓ તેની પાસે બહાર આવ્યા.
4 રાબશાકેએ તેમને કહ્યું, “હિઝકિયાને કહેજો, આશૂરનો મહારાજાધિરાજ એમ પૂછે છે કે, તું કોના પર ભરોસો રાખે છે?
5 હું પૂછું છું કે, માત્ર મોંની વાતો યુદ્ધને માટે સલાહ તથા પરાક્રમનું કામ સારે? તેં કોના ઉપર ભરોસો રાખીને મારી સામે બંડ કર્યું છે?
6 જો, તું ભાંગેલા બરુના દાંડા પર, એટલે મિસર પર, ભરોસો રાખે છે કે, જેના ઉપર જો કોઈ ટેકે તો તે તેની હથેલીમાં પેસીને તેને વીંધી નાખશે! મિસરનો રાજા ફારુન તેના પર ભરોસો રાખનાર સર્વ પ્રત્યે તેવો છે.
7 કદાચ તું મેન કહેશે, ‘અમારા ઈશ્વર યહોવા પર અમે ભરોસો રાખીએ છીએ, તો શું તે દેવ નથી કે જેનાં ઉચ્ચસ્થાનો તથા જેની વેદીઓ હિઝકિયાએ કાઢી નાખ્યાં છે, ને યહૂદિયાને તથા યરુશાલેમને કહ્યું છે, ‘તમારે વેદી આગળ પ્રણામ કરવા?’
8 તો હવે હું તને બે હજાર ઘોડા આપું, તેઓ પર સવારી કરનાર માણસો પૂરા પાડવાની મારા ધણી આશૂર રાજાની સાથે તું હોડ માર.
9 જો તારાથી બની શકે તો તું રથોને માટે તથા સવારોને માટે મિસર પર ભરોસો રાખીને મારા ધણીના એક નબળામાં નબળા સરદારને કેમ કરીને પાછો ફેરવી શકે?
10 હવે શું હું યહોવાની આજ્ઞા વિના જગાનો નાશ કરવા માટે તેના ઉપર ચઢી આવ્યો છું? યહોવાએ મને કહ્યું છે, ‘આ દેશ પર સવારી કરીને તેનો નાશ કર.’”
11 પછી એલિયાકીમે, શેબનાએ તથા યોઆએ રાબશાકેને કહ્યું, “કૃપા કરીને તારા ચાકરોની સાથે અરામી ભાષામાં બોલ; કેમ કે અમે તે સમજીએ છીએ. પણ કોટ પર જે લોકો છે તેમના સાંભળતાં અમારી સાથે યહૂદી ભાષામાં બોલતો નહિ.”
12 ત્યારે રાબશાકેએ તેઓને કહ્યું, “શું મારા ધણીએ વચનો ફકત તારા ધણીને તથા તેને કહેવાને માટે મને મોકલ્યો છે? જે માણસો કોટ ઉપર બેઠેલા છે, અને જેઓ તારી સાથે પોતાની વિષ્ટા ખાવાને ને પોતાનું મૂત્ર પીવાને નિર્માણ થયેલા છે, તેઓને કહેવાને માટે મેન મોકલ્યો નથી?”
13 પછી રાબશાકેએ ઊભા રહીને મોટા અવાજે યહૂદી ભાષામાં પોકારીને કહ્યું, “આશૂરના મહારાજાધિરાજનાં વચનો સાંભળો.
14 રાજા એવું કહે છે, ‘હિઝકિયાથી તમે છેતરાશો નહિ; કેમ કે તે તમને છોડાવી શકશે નહિ.’
15 વળી યહોવા આપણને જરૂર છોડાવશે, ને નગર આશૂર રાજાના હાથમાં જશે નહિ, એમ કહીને હિઝકિયા તમારી પાસે યહોવા પર ભરોસો કરાવે નહિ.
16 તમારે હિઝકિયાનું કહેવું સાંભળવું નહિ; કેમ કે આશૂરનો રાજા કહે છે, ‘મારી સાથે સલાહ કરીને મારે શરણે આવો;
17 અને જ્યાં સુધી હું આવીને જે દેશ તમારા દેશના જેવો, ધાન્ય તથા દ્રાક્ષારસનો, રોટલી તથા દ્રાક્ષાવાડીનો દેશ, તેમાં તમને લઈ જાઉં નહિ ત્યાં સુધી તમે પોતપોતાના દ્રાક્ષાવેલાનું, પોતપોતાની અંજીરીનું ફળ ખાજો, અને પોતપોતાના ટાંકાનું પાણી પીજો.
18 ખબરદાર! રખેને યહોવા આપણને છોડાવશે, એમ કહીને હિઝકિયા તમને સમજાવે. શું વિદેશીઓના કોઈ પણ દેવે પોતાના દેશને આશૂર રાજાના હાથમાંથી છોડાવ્યો છે?
19 હમાથ તથા આર્પાદના દેવો ક્યાં છે? સફાર્વાઇમના દેવો ક્યાં છે? શું તેઓએ મારા હાથમાંથી સમરૂનને છોડાવ્યું છે?
20 દેશોના સર્વ દેવોમાંથી કયા દેવે પોતાના દેશને મારા હાથમાંથી છોડાવ્યો છે કે, યહોવા યરુશાલેમને મારા હાથમાંથી છોડાવે?’”
21 તેઓ છાના રહ્યા, ને તેના જવાબમાં એકે શબ્દ બોલ્યા નહિ; કેમ કે રાજાની આજ્ઞા એવી હતી, “તેને ઉત્તર આપવો નહિ.”
22 પછી હિલ્કિયાનો દીકરો એલિયાકીમ જે મહેલનો કારભારી હતો તે, શેબના ચિટનીસ તથા આસાફનો દીકરો યોઆબ ઇતિહાસકાર પોતાનાં વસ્ત્ર ફાડીને હિઝકિયા પાસે પાછા આવ્યા, ને તેને રાબશાકેના શબ્દો કહી સંભળાવ્યા.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×