Bible Versions
Bible Books

2 Chronicles 33 (GUV) Gujarati Old BSI Version

1 મનાશ્શા રાજ કરવા લાગ્યો ત્યારે તે બાર વર્ષનો હતો. તેણે પંચાવન વર્ષ સુધી યરુશાલેમમાં રાજ કર્યું.
2 જે વિદેશીઓને યહોવાએ ઇઝરાયલી લોકોની આગળથી હાંકી કાઢ્યા હતા, તેઓના જેવા ધિક્કારપાત્ર કૃત્યો કરીને યહોવાની ર્દષ્ટિમાં જે ભૂંડું હતું તે તેણે કર્યું,
3 કેમ કે તેના પિતા હિઝકિયાએ જે ઉચ્ચસ્થાનો તોડી પાડ્યાં હતાં, તે તેણે ફરી બાંધ્યાં. વળી તેણે બાલીમને માટે વેદિઓ ઊભી કરી, અશેરોથ મૂર્તિઓ બનાવી, તથા આકાશના તારામંડળને ભજીને તેઓની સેવા કરી.
4 યરુશાલેમમાંના જે મંદિર વિષે યહોવાએ કહ્યું હતું કે ‘તેમાં મારું નામ કાયમ રહેશે’, તે મંદિરમાં તેણે વેદીઓ બાંધી.
5 તેણે આકાશના તારામંડળને માટે યહોવાના મંદિરનાં બન્ને ચોકમાં વેદીઓ બાંધી.
6 વળી તેણે હિન્નોમપુત્રોની ખીણમાં પોતાનાં છોકરાંનું અગ્નિમાં બલિદાન આપ્યુ, શુકન જોવડાવ્યાં, જાદુમંત્રોનો ઉપયોગ કર્યો, ને ભૂવા તથા જાદુગરોની સાથે વ્યવહાર રાખ્યો. પ્રમાણે યહોવાની ર્દષ્ટિમાં ભુડું કરીને તેણે પોતાના ઉપર તેનો કોપ વહોરી લીધો.
7 જે મંદિર વિષે ઈશ્વરે દાઉદને તથા તેના પુત્ર સુલેમાનને કહ્યું હતું, ‘આ મંદિરમાં તેમ યરુશાલેમ કે જે નગર મેં ઇઝરાયલના સર્વ કુલોમાંથી પસંદ કર્યું છે, તેમાં મારું નામ હું સદા રાખીશ, તે ઈશ્વરના મંદિરમાં તેણે કોતરેલી મૂર્તિ મૂકી.
8 મૂસાની મારફતે જે આજ્ઞાઓ મેં આપી છે તે પ્રમાણે સર્વ નિયમ, વિધિઓ તથા કાનૂનો જો ફક્ત તેઓ પાળશે અને અમલમાં લાવશે, તો જે દેશ મેં તમારા પિતૃઓને ઠરાવી આપ્યો છે, તેમાંથી ઇઝરાયલના પગ હું ફરીથી કદી ખસેડીશ નહિ.
9 મનાશ્શાએ યહૂદિયાને તથા યરુશાલેમના રહેવાસીઓને કુમાર્ગે ચઢાવીને જે પ્રજાઓની યહોવાએ ઇઝરાયલી લોકો આગળથી નાશ કર્યો હતો તેઓના કરતાં પણ તેમની પાસે વધારે દુષ્ટતા કરાવી.
10 યહોવાએ મનાશ્શાને તથા તેના લોકને ચેતવ્યા, પણ તેઓએ બિલકુલ ગણકાર્યું નહિ.
11 તેથી તેઓની વિરુદ્ધ યહોવા આશૂરના રાજાના સેનાપતિઓને લાવ્યા. અને તેઓ મનાશ્શાને સાકળોથી જકડી લઈને તથા બેડીઓ પહેરાવીને બાબિલ લઈ ગયા.
12 તે સંકટમાં આવી પડયો, ત્યારે તેણે પોતાના ઈશ્વર યહોવાના કાલાવાલા કર્યા; અને પોતાના પિતૃઓના ઈશ્વરની આગળ તે અતિશય દીન થઈ ગયો.
13 તેણે એની પ્રાર્થના કરી, ત્યારે યહોવાએ તેની આજીજી માન્ય કરીને તેની વિનંતી સાંભળી, અને તેને યરુશાલેમમાં તેના રાજ્યમાં પાછો લાવ્યા. આથી મનાશ્શાએ જાણ્યું કે યહોવા તે ઈશ્વર છે.
14 તે પછી તેણે દાઉદનગરનો બહારનો કોટ, ગિહોનની પશ્ચિમ બાજુએ, ખીણમાં છેક મચ્છી ભાગળના નાકા સુધી બાંધ્યો. તેણે ઓફેલની આસપાસ વધારીને તેને ઘણો ઊંચો કર્યો; તેણે યહૂદિયાના સર્વ કિલ્લાવાળા નગરોમાં શૂરા સરદારો રાખ્યા.
15 તેણે અન્ય દેવોને તથા યહોવાના મંદિરમાંથી પેલી મૂર્તિને, તથા જે સર્વ વેદીઓ તેણે યહોવાના મંદિરના પર્વત પર તથા યરુશાલેમમાં બાંધી હતી, તે સર્વને કાઢીને નગર બહાર નાખી દીધી.
16 તેણે યહોવાની વેદીને સમારીને તેના પર શાંત્યર્પણોના તથા આભાર માનવાને કરેલા અર્પણના યજ્ઞો કર્યા, ને યહૂદિયાને ઇઝરાયલના ઈશ્વર યહોવાની સેવા કરવાની આજ્ઞા આપી.
17 તેમ છતાં હજી પણ લોકો ઉચ્ચસ્થાનોમાં યજ્ઞ કરતા હતા, પણ તે ફક્ત પોતાના ઈશ્વર યહોવા પ્રત્યે કરતા.
18 મનાશ્શાનાં બાકીના કૃત્યો, તેણે પોતાના ઈશ્વરની આગળ કરેલી પ્રાર્થના, ઇઝરાયલના ઈશ્વર યહોવાને નામે પ્રબોધકોને તેની આગળ ઉચ્ચારેલાં વચનો તે સર્વ ઇઝરાયલના રાજાઓના પુસ્તકમાં લખેલાં છે.
19 તેની પ્રાર્થના, માન્ય થયેલા તેના કાલાવાલા, તેણે દીનતા ધારણ કરી તે અગાઉનાં તેનાં સર્વ પાપ, તથા તેનું ઉલ્લંઘન, તથા જે જગાઓમાં તેણે ઉચ્ચસ્થાનો બાંધ્યાં, ને અશેરીમ તથા કોતરેલી મૂર્તિઓ બેસાડી તે સર્વ હોઝાયની તવારીખમાં લખેલાં છે.
20 મનાશ્શા પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો, ને4 લોકોએ તેને તેના પોતાના મહેલમાં દાટ્યો. તેનો પુત્ર આમોન તેની જગાએ રાજા થયો.
21 આમોન રાજા થયો ત્યારે તે બાવીસ વર્ષનો હતો; તેણે યરુશાલેમમાં બે વર્ષ સુધી રાજ કર્યું.
22 જેમ તેના પિતા મનાશ્શાએ કર્યું હતું તેમ તેણે યહોવાની ર્દષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું, તેના પિતા મનાશ્શાએ કોતરેલી મૂર્તિઓ બનાવી હતી તે સર્વને આમોને બલિદાન આપ્યાં ને તેઓની ઉપાસના કરી.
23 જેમ તેનો પિતા મનાશ્શા દીન થયો નહિ; પણ આમોન ઉત્તરોત્તર અધિક અપરાધ કરતો ગયો.
24 તેના ચાકરોએ તેની વિરુદ્ધ બંડ કરીને તેના પોતાના મહેલમાં તેને કાપી નાખ્યો.
25 પણ દેશના લોકોએ આમોન રાજાની વિરુદ્ધ બંડ ઉઠાવનાર સર્વને મારી નાખીને તેના પુત્ર યોશિયાને તેની જગાએ રાજા ઠરાવ્યો.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×