Bible Versions
Bible Books

2 Kings 5 (GUV) Gujarati Old BSI Version

1 હવે અરામના રાજાનો સેનાપતિ નામાન પોતાના ધણી આગળ મોટો તથા માનવંત માણસ ગણાતો હતો; કેમ કે તેની મારફતે યહોવાએ અરામને જય અપાવ્યો હતો. વળી પરાક્રમી શૂરવીર પુરુષ હતો. પણ તે કોઢિયો હતો.
2 અને અરામીઓ ધાડાબંધ નીકળી પડ્યા હતા, ને ઇઝરાયલ દેશમાંથી પાછા આવતાં તેઓ એક નાની છોકરીને પકડી લાવ્યા હતા; અને તે નામાનની પત્નીની દાસી થઈ રહી હતી.
3 તેણે પોતાની શેઠાણીને કહ્યું, “ઈશ્વર કરે ને મારા મુરબ્બી સમરુનમાંના પ્રબોધક પાસે જાય તો કેવું સારું! કેમ કે ત્યારે તો પ્રબોધક એમનો કોઢ મટાડે.”
4 અને એક જણે અંદર જઈને પોતાના ધણીને કહ્યું, ”ઇઝરાયલ દેશની જે છોકરી છે તેણે આમ આમ કહ્યું.”
5 ત્યારે અરામના રાજાએ કહ્યું, “ઠીક ત્યારે, હું ઇઝરાયલના રાજા પર પત્ર મોકલીશ.” પછી તે પોતાની સાથે દશ તાલંત રૂપું, સોનાની હજાર મહોર, તથા દશ જોડ વસ્ત્ર લઈને ત્યાંથી ચાલી નીકળ્યો.
6 અને તે એક પત્ર ઇઝરાયલના રાજા પાસે લાવ્યો, જેમાં એમ લખેલું હતું, ‘હવે પત્ર તમને પહોંચે, ત્યારે તમારે જાણવું કે મેં મારા સેવક નામાનને તમારી પાસે મોકલ્યો છે, માટે કે તમે તેનો કોઢ મટાડો.
7 ઇઝરાયલનો રાજા પત્ર વાંચી રહ્યો ત્યારે એમ થયું કે તેણે પોતાના વસ્ત્ર ફાડીને કહ્યું “શું હું મારનાર તથા જિવાડનાર ઈશ્વર છું કે, માણસનો કોઢ મટાડવા માટે તેમણે એને મારી પાસે મોકલ્યો છે? કૃપા કરીને તમે વિચાર કરો, ને જુઓ કે તે કેવી રીતે મારી વિરુદ્ધ નિમિત્ત શોધે છે.”
8 ઈશ્વરભક્ત એલિશાએ સાંભળ્યું કે ઇઝરાયલના રાજાએ પોતાના વસ્ત્ર ફાડ્યાં છે, ત્યારે એમ થયું કે તેણે રાજા પાસે માણસ મોકલીને કહાવ્યું, “તમે શા મારે તમારાં વસ્ત્ર ફાડ્યાં છે? સેનાપતિને હમણાં મારી પાસે મોકલો, એટલે તે જાણશે કે ઇઝરાયલમાં પ્રબોધક છે.”
9 એમ નામાન પોતાના ઘોડા તથા પોતાના રથો સહિત આવીને એલિશાના ઘરના બારણા આગળ ઊભો રહ્યો.
10 એલિશાએ તેની પાસે માણસ મોકલીને કહાવ્યું, “તમે જઈને યર્દનમાં સાત વાર સ્નાન કરો, એટલે તમને નવું માસ આવશે, ને તમે શુદ્ધ થશો.”
11 પણ નામાન ક્રોધાયમાન થઈને ચાલ્યો ગયો. તેણે કહ્યું, “જો, હું તો ધારતો હતો કે, નક્કી તે મારી પાસે બહાર આવશે, ને ઊભા રહીને પોતાના ઈશ્વર યહોવાને નામે વિનંતી કરશે, ને તે જગા પર પોતાનો હાથ ફેરવીને મને સાજો કરશે.
12 શું દમસ્કસની નદીઓ અબાના ને ફાર્પાર ઈઝરાયલના સર્વ જળાશયો કરતાં સારી નથી? શું હું તેઓમાં ના સ્નાન કરું ને શુદ્ધ થાઉં?” એમ કહીને તે પાછો ફરીને ક્રોધમાં ચાલ્યો ગયો.
13 તેના ચાકરોએ તેની પાસે આવીને તેને કહ્યું, “મારા પિતા, જો પ્રબોધકે કંઈ મોટું કાર્ય કરવાની તમને આજ્ઞા આપી હોત, તો શું તમે તે કરત? તો જ્યારે તે તમને કહે છે કે, સ્નાન કરીને શુદ્ધ થાઓ, તો કેટલું વિશેષ કરીને તે કરવું જોઈએ?”
14 એટલે તે ગયો, ને ઈશ્વરભક્તના કહ્યા પ્રમાણે યર્દનમાં સાત વાર ડૂબકી મારી, એટલે તેનું માસ બદલાઈને નાના છોકરાના માંસ જેવું થઈ ગયું, ને તે શુદ્ધ થયો.
15 તે પોતાના આખા રસાલા સહિત ઈશ્વરભક્ત પાસે પાછો આવ્યો, ને આવીને તેની આગળ ઊભો રહ્યો. અને તેણે કહ્યું, “હવે, મને ખાતરી થઈ છે કે, કેવળ ઇઝરાયલમાં ઈશ્વર છે, તે સિવાય આખી પૃથ્વી પર બીજે કયાંય નથી. તો હવે કૃપા કરીને તમારા સેવક પાસેથી બક્ષિસ લો.”
16 પણ એલિશાએ કહ્યું, “યહોવા જેમની સામે હું ઊભો રહું છું, તેમના જીવના સમ કે, હું કંઈ પણ લઈશ નહિ.” તેણે તે લેવા એલિશાને આગ્રહ કર્યો; પણ એણે માન્યું નહિ.
17 અને નામાને કહ્યું, “જો લો તોપણ કૃપા કરીને મને બે ખચ્ચરના બોજા જેટલી મટોડી અપાવો; કેમ કે હું હવે પછી યહોવા સિવાય બીજા કોઈ દેવને દહનીયાર્પણ કે યજ્ઞ ચઢાવીશ નહિ.
18 એક બાબતમાં યહોવા મને ક્ષમા કરો. એટલે કે જ્યારે મારો ધણી મારા હાથ પર ટેકો દઈને રિમ્મોનના મંદિરમાં પૂજા કરવા જાય છે, ત્યારે હુ રિમ્મોનના મંદિરમાં નમું છું. રિમ્મોનના મંદિરમાં મારા નમવાની બાબતમાં યહોવા તમારા સેવકને ક્ષમા કરો.”
19 અને એલિશાએ તેને કહ્યું, “શાંતિએ જા.” માટે તે એની પાસેથી થોડેક દૂર ગયો.
20 પણ ઈશ્વરભકત એલિશાના ‍ચાકર ગેહઝીએ કહ્યું, “જો, અરામી નામાન જે લાવ્યો હતો, તે તેની પાસેથી લીધા વગર મારા શેઠે એને જવા દીધો છે; પણ યહોવાના જીવના સમ કે હું તો એની પાછળ દોડીને એની પાસેથી કેટલુંક લઈશ.”
21 એમ કહીને ગેહઝી નામાનની પાછળ ગયો. નામાને કોઈને પોતાની પાછળ દોડતો જોયો ત્યારે તે તેને મળવા પોતાના રથમાંથી ઊતર્યો, ને તેને પૂછયું, “સર્વ ક્ષેમકુશળ છે?”
22 ગેહઝીએ કહ્યું, “સર્વ ક્ષેમકુશળ છે. મારા શેઠે મને મોકલીને કહાવ્યું છે, ‘જો, હમણાં એફ્રાઈમના પહાડી મુલકમાંથી પ્રબોધકોના પુત્રોમાંના બે જુવાન મારી પાસે આવ્યા છે. કૃપા કરીને તેમને માટે એક તાલંત રૂપું તથા બે જોડ વસ્ત્ર આપો.’”
23 નામાને કહ્યું, “ખુશીથી બે તાલંત લે.” નામાને તેને આગ્રહ કરીને બે તાલંત રૂપું તથા બે જોડ વસ્ત્ર બે થેલીમાં બાંધીને પોતાના બે ચાકરોને માથે તે ચઢાવી; અને તેઓ તે ઊંચકીને તેની આગળ ચાલ્યા.
24 ગેહઝી ઓફેલ પહોંચ્યો, ત્યારે તેણે થેલીઓ તેઓના હાથમાંથી લઈને ઘરમાં મૂકી. અને તેણે તે માણસોને રજા આપી, ને તેઓ વિદાય થયા.
25 પછી પોતે અંદર જઈને પોતાના શેઠ આગળ ઊભો રહ્યો. એલિશાએ તેને પૂછ્યું, “ગેહઝી, તું ક્યાંથી આવે છે?” તેણે કહ્યું, “હું ક્યાંય ગયો નહોતો.”
26 એલિશાએ એને કહ્યું, “પેલો માણસ પોતાના રથમાંથી ઊતરીને તને મળવા પાછો આવ્યો, ત્યારે મારું હ્રદય શું તારી સાથે આવ્યું નહોતુ? શું રૂપું લેવાનો, અને વસ્ત્ર, જૈતવાડીઓ, દ્રાક્ષાવડીઓ, ઘેટાં, બળદ, દાસો તથા દાસીઓ લેવાનો વખત છે?
27 માટે નામાનનો કોઢ તને તથા તારાં સંતાનને સદા વળગી રહેશે.” આથી તે હિમ જેવો કોઢિયો થઈને તેની આગળથી ચાલ્યો ગયો.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×