Bible Versions
Bible Books

Job 1 (GUV) Gujarati Old BSI Version

1 ઉસ દેશમાં એક માણસ હતો. તેનું નામ અયૂબ હતું. તે નિર્દોષ તથા પ્રમાણિક હતો, તેમ ઈશ્વરભક્ત તથા ભૂંડાઈથી દૂર રહેનારો હતો.
2 તેને સાત પુત્રો તથા ત્રણ પુત્રીઓ હતાં.
3 વળી સાત હજાર ઘેટાં, ત્રણ હજાર ઊંટ, પાંચસો જોડ બળદ, પાંચસો ગધેડીઓ, અને પુષ્કળ રાચરચીલું, તેની સંપત્તિ હતી. તેથી પૂર્વના લોકોમાં સૌથી મોટો પુરુષ મનાતો હતો.
4 તેના પુત્રોમાંનો દરેક પોતપોતાને ઘેરે મિજબાની આપતો, અને પોતાની ત્રણ બહેનોને પણ પોતાની સાથે ખાવાપીવા માટે આમંત્રણ આપતો.
5 તેઓની ઉજાણીના દિવસો વીત્યા પછી અયૂબ તેમને બોલાવીને પવિત્ર કરતો, અને પરોઢિયે ઊઠીને તે સર્વની ગણતરી પ્રમાણે દરેકને માટે દહનીયાર્પણ કરતો. તે કહેતો, “કદાચ મારા પુત્રોએ પાપ કરીને પોતાના હ્રદયમાં ઈશ્વરનો ઈનકાર કર્યો હોય.” અયૂબ પ્રમાણે હમેશ કરતો હતો.
6 એક દિવસ ઈશ્વરદૂતો યહોવાની આગળ હાજર થયા, અને તેમની સાથે શેતાન પણ આવ્યો.
7 યહોવાએ શેતાનને પૂછયું, “તું ક્યાં જઈ આવ્યો?” ત્યારે શેતાને યહોવાને ઉત્તર આપ્યો, “પૃથ્વી પર આમતેમ સર્વત્ર ફરીને આવ્યો છું.”
8 ત્યારે યહોવાએ શેતાનને પૂછયું, “શું તેં મારા સેવક અયૂબને લક્ષમાં લોધો છે? પૃથ્વી ઉપર તેના જેવો નિર્દોષ તથા પ્રમાણિક, ઈશ્વરભક્ત તથા દુષ્ટતાથી દૂર રહેનાર બીજો કોઈ પુરુષ નથી.”
9 ત્યારે શેતાને યહોવાને ઉત્તર આપ્યો, “શું અયૂબ કારણ વગર ઈશ્વરની ભક્તિ કરે છે?
10 શું તમે તેનું, તેના ઘરનું તથા તેન સર્વસ્વનું ચારે તરફ રક્ષણ કરતા નથી? તમે તેને તેના કામધંધામાં આશીર્વાદ આપ્યો છે, જેથી દેશમાં તેની સંપત્તિ વધી ગઈ છે.
11 પણ તમારો હાથ લંબાવીને તેના સર્વસ્વને સ્પર્શ કરો, એટલે તે તમારે મોઢે ચઢીને તમારો ઈનકાર કરશે.”
12 યહોવાએ શેતાણે કહ્યું, “જો, તેનું સર્વસ્વ હું તારા હાથમાં સોંપું છું. પણ તેના પંડ પર તારો હાથ નાખતો નહિ.” પછી શેતાન યહોવાની હજૂરમાંથી ચાલ્યો ગયો.
13 એક દિવસે તેના પુત્રો તથા તેની પુત્રીઓ તેમના મોટા ભાઈના ઘરમાં ખાતાં તથા દ્રાક્ષારસ પીતાં હતાં, તે વખતે,
14 એક સંદેશિયાએ આવીને અયૂબને કહ્યું, “બળદો હળે જોતરેલા હતા અને ગધેડાં તેઓની નજીક ચરતાં હતાં,
15 એટલામાં શબાઈમ લોકો હુમલો કરીને તે બધાંને લઈ ગયા. તેઓએ ચાકરોને તરવારથી કાપી નખ્યા છે, અને ફકત હું એકલો તમને ખબર આપવાને બચી ગયો છું.”
16 તે હજી તો કહેતો હતો, એટલામાં વળી બીજાએ આવીને કહ્યું, “ઈશ્વરના અગ્નિએ આકાશમાંથી પડીને ઘેટાંને તથા ચાકરોને બાળીને ભસ્મ કર્યાં છે. અને ફકત હું એકલો તમને ખબર આપવાને બચી ગયો છું.”
17 તે હજી તો કહેતો હતો, એટલામાં બીજાએ આવીને કહ્યું, “કાસ્દીઓની ત્રણ ટોળીઓ ઊંટો પર હુમલો કરીને તેઓને લઈ ગયા છે, વળી ચાકરોને તરવારથી મારી નાખ્યા છે. અને ફકત હું એકલો તમને ખબર આપવાને બચી ગયો છું.”
18 તે હજી તો કહેતો હતો એટલામાં વળી બીજાએ આવીને કહ્યું, “તમારા પુત્રો તથા તમારી પુત્રીઓ તેમના વડા ભાઈના ઘરમાં ખાતાં તથા દ્રાક્ષારસ પીતાં હતાં;
19 તે વખતે અરણ્યમાંથી ભારે વાવાઝોડું આવ્યું, તેનો ધક્કો ઘરના ચારે ખૂણાને લાગ્યાથી તેની અંદરના જુવાનિયા ઉપર તે તૂટી પડયું, અને તેઓ મરી ગયાં છે, અને ફકત હું એકલો તમને ખબર આપવાને બચી ગયો છું.”
20 ત્યારે અયૂબે ઊઠીને પોતાનો જામો ફાડીને માથું મૂંડાવ્યું, અને ભૂમિ પર પડીને સ્તુતિ કરતાં
21 કહ્યું, “મારી માના ઉદરમાંથી હું નગ્ન આવ્યો હતો, અને નગ્ન પાછો જઈશ. યહોવાએ આપ્યું, અને યહોવાએ લઈ લીધું છે; યહોવાના નામને ધન્ય હો.”
22 બધામાં અયૂબે પાપ કર્યું નહિ, અને ઈશ્વરને દોષ આપ્યો નહિ.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×