Bible Versions
Bible Books

Judges 16 (GUV) Gujarati Old BSI Version

1 સામસૂન ગાઝામાં ગયો, ને ત્યાં એક વેશ્યાને જોઈને તેની પાસે ગયો.
2 ગાઝીઓને ખબર મળી કે, સામસૂન અહીં આવ્યો છે. તેઓએ તેને ઘેરી લીધો, ને સવારે દિવસ ઊગતાં આપણે તેને મારી નાખીશું એમ વિચાર કરીને તેઓ આખી રાત નગરના દરવાજામાં સંતાઈ રહ્યા ને આખી રાત ગુપચુપ બેસી રહ્યા.
3 મધરાત લગી સામસૂન સૂઈ રહ્યો, ને મધરાતે ઊઠીને તેણે નગરનો દરવાજાનાં કમાડ તથા બન્‍ને બારસાખો પકડીને ભૂંગળસહિત ખેંચી કાઢ્યાં, ને તેમને ખાંધ પર મૂકીને હેબ્રોનની સામેના એક પર્વતના શિખર પર લઈ ગયો.
4 તે પછી એવું બન્યું કે, તેને સારેકની ખીણમાંની દલિલા નામની એક સ્‍ત્રીની સાથે પ્રેમ થયો.
5 ત્યારે પલિસ્તીઓના સરદારોએ દલિલાની પાસે આવીને તેને કહ્યું, “તેનું મહાબળ શામાં રહેલું છે, તથા શા ઉપાય વડે તેના પર પ્રબળ થઈને અમે તેને બાંધીને દુ:ખ આપીએ તું તેને ફોસલાવીને શોધી કાઢ; તો અમારામાંનો પ્રત્યેક જણ તને અગિયારસો રૂપિયા આપશે.”
6 દલિલાએ સામસૂનને કહ્યું, “તારું મહાબળ શામાં રહેલું છે, તથા તું શાથી બંધાય કે જેથી તને દુ:ખ આપી શકાય તે તું કૃપા કરીને મને કહે.”
7 સામસૂને તેને કહ્યું, “કદી નહિ સુકાયેલા એવા સાત લીલા બંધથી જો તેઓ મને બાંધે, તો હું નિર્બળ થઈને બીજા માણસના જેવો થઈ જાઉં.”
8 ત્યારે પલિસ્તીઓના સરદારો કદી નહિ સુકાયેલા એવા સાત લીલા બંધ દલિલાની પાસે લાવ્યા, તે લઈને તેણે તે વડે સામસૂનને બાંધ્યો.
9 હવે તેણે કેટલાકને અંદરની ઓરડીમાં સંતાડી રાખ્યા હતા. પછી દલિલાએ તેને કહ્યું, “સામસૂન, પલિસ્તીઓ તારા પર ચઢી આવ્યા છે.” એટલે જેમ શણની દોરી આગને અડક્યાથી તૂટી જાય છે, તેમ તેણે તે બંધ તોડી નાખ્યા. એમ તેના બળ વિષે ખબર પડી નહિ.
10 પછી દલિલાએ સામસૂનને કહ્યું, “તેં મારી મશ્કરી કરીને મને જૂઠી વાતો કહી છે. હવે તું કઈ રીતે બંધાઈ શકે તે કૃપા કરીને મને કહે.”
11 સામસૂને તેને કહ્યું, “કદી વપરાયા હોય એવા નવા દોરથી જો તેઓ મને બાંધે, તો હું નિર્બળ થઈને બીજા માણસના જેવો થઈ જાઉં.”
12 તેથી દલિલાએ નવા દોર લીધા ને તે વડે તેને બાંધ્યો:પછી તેને કહ્યું, “સામસૂન, પલિસ્તીઓ તારા પર ચઢી આવ્યા છે.” અંદરની ઓરડીમાં માણસો સંતાઈ રહ્યા હતા. પણ તેણે સૂતરના દોરાની જેમ પોતના હાથના બંધ તોડી નાખ્યા.
13 ત્યારે દલિલાએ સામસૂનને કહ્યું, “તેં અત્યાર સુધી મારી મશ્કરી કરી છે, ને મને જૂઠી વાતો કહી છે. તું શા વડે બંધાઈ શકે તે મને કહે.” સામસૂને તેને કહ્યું, “જો તું મારા માથાની સાત લટો થાનની સાથે વણે તો.”
14 તેણે સાળના ખીલા સાથે તે બાંધીને તેને કહ્યું, “સામસૂન, પલિસ્તીઓ તારા પર ચઢી આવ્યા છે.” તેણે ઊંધમાંથી જાગીને સાળનો ખીલો તથા થાન ખેંચી કાઢ્યા.
15 ત્યારે તેણે તેને કહ્યું, “તારું દિલ મારા પર નથી, છતાં તું એમ કેમ કહી શકે કે હું તારા પર હેત રાખું છું? ત્રણ વાર તેં મારી મશ્કરી કરી છે, ને તારું મહાબળ શામાં રહેલું છે તે મને કહ્યું નથી.”
16 અને એમ થયું કે, તેણે પોતાનાં વચનો વડે તેને એમ થયું કે, તેણે પોતાનાં વચનો વડે તેને દરરોજ આગ્રહ કરીને હઠેઠ કરી, જેથી તેનો જીવ મરણતુલ્ય અકળાયો.
17 ત્યારે સામસૂને પોતાનું દિલ ખોલીને તેને કહ્યું, “મારા માથા પર કદી અસ્‍ત્રો ફર્યો નથી; કેમ કે મારી માના ઉદરમાંથી હું ઈશ્વરને માટે નાઝારી છું. જો મને કોઈ મૂંડે તો મારું બળ જતું રહે, ને હું નિર્બળ થઈને સાધારણ માણસ જેવો થઈ જાઉં.”
18 જ્યારે દલિલાએ જોયું કે તેણે પોતાનું દિલ મારી આગળ પૂરેપૂરું ખોલ્યું છે. ત્યારે તેણે પલિસ્તીઓના સરદારોને તેડી મંગાવીને કહ્યું, “તમે એક વાર આવો, કેમ કે તેણે પોતાનું દિલ મારી આગળ પૂરેપૂરું ખોલી દીધું છે.” ત્યારે પલિસ્તીઓના સરદારો હાથમાં પૈસા લઈને તેની પાસે આવ્યા.
19 તેણે તેને પોતાના ખોળામાં સુવાડીને ઊંઘમાં નાખ્યો; પછી એક માણસને બોલાવીને તેણે તેના માથાની સાતે લટો બોડાવી નાખી. અને તે તેને હેરાન કરવા લાગી, ને તેનામાંથી બળ જતું રહ્યું.
20 પછી તેણે કહ્યું. “સામસૂન, પલિસ્તીઓ તારા પર ચઢી આવ્યા છે.” અને ઊંઘમાંથી જાગીને તેણે કહ્યું, “હું અગાઉની જેમ બહાર નીકળીને મારું શરીર ખંખેરીશ.” પણ તે જાણતો નહોતો કે યહોવા તેની પાસેથી જતા રહ્યા છે.”
21 ત્યારે પલિસ્તીઓએ તેને પકડીને તેની આંખો ફોડી નાખી; અને તેઓએ તેને ગાઝામાં લાવીને પિત્તળની બેડીઓ પહેરાવી. અને તે બંદીખાનામાં દળતો હતો.
22 તથાપિ મૂંડણ થયા પછી તેના માથાના વાળ પાછા વધવા લાગ્યા.
23 પલિસ્તીઓના સરદારો પોતાના દેવ દાગોન આગળ મહા યજ્ઞ ચઢાવવાને તથા આનંદ કરવાને એકત્ર થયા; કેમ કે તેઓએ કહ્યું, “અમારા દેવે અમારા વેરી સામસૂનને અમારા હાથમાં સોંપી દીધો છે.”
24 અને લોકોએ તેને જોયો ત્યારે તેઓએ પોતાના દેવની સ્તુતિ કરી; કેમ કે તેઓએ કહ્યું, “અમારો શત્રુ તથા અમારા દેશનો નાશ કરનાર, જેણે અમારામાંના ઘણાને મારી નાખ્યા છે, તેને અમારા દેવે અમારા હાથમાં સોંપી દીધો છે.”
25 અને એમ થયું કે તેઓનાં દિલ ખુશ થયાં હતાં ત્યારે તેઓએ કહ્યું, “સામસૂનને બોલાવો કે તે આપણી આગળ કંઈ તમાશો કરે.” તેઓએ સામસૂનને કેદખાનામાંથી બોલાવી મંગાવ્યો; અને તેણે તેઓની આગળ તમાશો કર્યો. પછી તેઓએ તેને થાંભલાઓની વચ્ચે ઊભો રાખ્યો.
26 જે જુવાને તેનો હાથ પકડયો હતો તેને સામસૂને કહ્યું, “જે થાંભલાઓ પર ઘરનો આધાર રહેલો છે તે મને ફંફોસી કાઢવા દે કે, હું તેઓને અઢેલીને ઊભો રહું.”
27 હવે તે ઘર તો પુરુષોથી તથા સ્‍ત્રીઓથી ચિકાર હતું. પલિસ્તીઓના સર્વ સરદારો ત્યાં હતા; અને સામસૂન તમાશો કરતો હતો ત્યારે તેને જોનારાં, પુરુષો તથા સ્‍ત્રીઓ મળીને, આશરે ત્રણ હજાર માણસો ધાબા ઉપર હતાં.
28 ત્યારે સામસૂને યહોવાની પ્રાર્થના કરી, “ઓ ઈશ્વર યહોવા, કૃપા કરીને મને સંભારો. હે ઈશ્વર, કૃપા કરીને એક વાર મને બળવાન કરો કે, હું મારી બન્‍ને આંખો લીધા નું સામટું વેર પલિસ્તીઓ પર વાળી શકું.”
29 પછી વચ્ચેના બન્‍ને થાંભલા જેના પર ઘરનો આધાર રહેલો હતો, તે સામસૂને પકડ્યા, એટલે એકને જમણા હાથથી ને એકને ડાબા હાથથી, ને તેમને અઢેલીને તે ઊભો થયો.
30 અને સામસૂને કહ્યું, “હું પલિસ્તીઓની સાથે ભલે કરું.” પછી પોતાના સંપૂર્ણ બળથી તે વાંકો વળ્યો; એટલે સરદારો પર તથા તેની અંદરના સર્વ માણસો પર તે ઘર તૂટી પડ્યું, પ્રમાણે મરતી વેળા જેઓને તેણે મારી નાખ્યાં તેઓની સંખ્ય તેની હયાતીમાં તેણે મારી નાખેલાં માણસો કરતાં વધારે હતી.
31 પછી તેનાં ભાઈ તથા તેના પિતાના ઘરનાં સર્વ માણસો ત્યાં આવીને તેને લઈ ગયાં, ને સોરા તથા એશ્તાઓલની વચમાં તેના પિતા માનોઆના કબરસ્તાનમાં તેઓએ તેને દાટ્યો. તેણે વીસ વર્ષ સુધી ઇઝરાયલનો ન્યાય કર્યો હતો.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×