Bible Versions
Bible Books

Psalms 78 (GUV) Gujarati Old BSI Version

1 આસાફનું માસ્કીલ. હે મારા લોકો, મારો નિયમ સાંભળો; મારા મુખના શબ્દો પર તમારા કાન ધરો.
2 હું દ્દષ્ટાંત કહીને મારું મુખ ઉઘાડીશ; હું પુરાણી ગૂઢ વાતો ઉચ્ચારીશ કે,
3 જે આપણે સાંભળી તથા જાણી છે, જે આપણા પૂર્વજોએ આપણને કહી છે.
4 યહોવાનાં સ્તોત્ર, તેમનું સામર્થ્ય તથા તેમનાં કરેલાં આશ્ચર્યકારક કામો આવતી પેઢીને જાહેર કરીને તેઓના દીકરાઓથી આપણે તે સંતાડીશું નહિ.
5 કેમ કે તેમણે યાકૂબમાં સાક્ષી સ્થાપી, અને ઇઝરાયલમાં નિયમ ઠરાવ્યો, તે વિષે તેમણે આપણા પિતૃઓને આજ્ઞા કરી કે તેઓ પોતાના દીકરાઓને પણ તે જણાવે.
6 જેથી આવતી પેઢીનાં જે બાળકો જન્મે તેઓ તે જાણે; અને તેઓ મોટાં થઈને પોતાનાં સંતાનને તે જણાવે;
7 જેથી તેઓ ઈશ્વરની આશા રાખે, અને ઈશ્વરનાં કામ વીસરી જાય નહિ, અને તેમની આજ્ઞાઓ પાળે.
8 વળી પોતાના પિતૃઓના જેવી હઠીલી તથા ફિતૂરી પેઢી કે, જે ઓએ પોતાનાં હ્રદય તૈયાર રાખ્યાં નહિ, અને પોતાનો આત્મા ઈશ્વર પર દઢ રાખ્યો નહિ. તેમના જેવા તેઓ થાય.
9 એફ્રાઈમપુત્રો શસ્ત્રસજ્જિત તથા ધનુર્ધારી હોવા છતાં લડાઈના દિવસમાં પાછા હઠી ગયા.
10 તેઓએ ઈશ્વરનો કરાર પાળ્યો નહિ, અને તેમના નિયમ પ્રમાણે વર્તવાને ના પાડી;
11 તેમનાં કૃત્યો તથા ચમત્કારો તેમણે તેઓને બતાવ્યાં હતાં તે તેઓ ભૂલી ગયા.
12 મિસર દેશમાં સોઆના ક્ષેત્રમાં, તેઓના પિતૃઓની નજર આગળ તેમણે આશ્ચર્યકારક કૃત્યો કર્યાં.
13 તેમણે સમુદ્રના બે ભાગ પાડીને તેઓને પાર ઉતાર્યા; અને ઢગલાની જેમ પાણી સ્થિર રાખ્યું.
14 વળી દિવસે મેઘથી, અને આખી રાત અગ્નિના પ્રકાશથી તે તેઓને દોરતા હતા.
15 તેમણે અરણ્યમાં ખડકોને ફાડી નાખીને, જાણે ઊંડાણમાંથી કાઢયું હોય તેમ કરીને તેઓને પુષ્કળ પાણી પાયું.
16 વળી તેમણે ખડકમાંથી પાણીની ધારો કાઢી, અને નદીઓની જેમ પ્રવાહ ચલાવ્યો.,
17 તોપણ તેઓ નિત્ય તેમની વિરુદ્ધ પાપ કરતા રહ્યા, એટલે અરણ્યમાં પરાત્પરની સામે તેઓએ બંડ ચાલુ રાખ્યું.
18 પોતાના ખાઉધરાપણાને વશ થઈને ખોરાક માગીને તેઓએ પોતાના હ્રદયથી ઈશ્વરની પરીક્ષા કરી
19 તેઓ ઈશ્વરની વિરુદ્ધ બોલ્યા; તેઓએ કહ્યું, “શું અરણ્યમાં ઈશ્વર ભોજન તૈયાર કરી શકે?”
20 તેમણે ખડકને લાકડી મારી, અને પાણી વહી નીકળ્યું, અને વહેળા પુષ્કળ ચાલ્યા; પણ શું તે રોટલીયે આપી શકે છે? પોતાના લોકોને માટે તે માંસ પૂરું પાડી શકશે?”
21 સાંભળીને યહોવા કોપાયમાન થયા; યાકોબની વિરુદ્ધ તેમનો અગ્નિ ઊઠયો; ઇઝરાયલ પર તેમનો ક્રોધ ભભૂક્યો;
22 કેમ કે તેઓએ ઈશ્વર પર વિશ્વાસ કર્યો નહિ, અને તેમના તારણનો ભરોસો રાખ્યો નહિ.
23 તોપણ તેમણે વાદળાંને આજ્ઞા આપી, અને આકાશનાં દ્વાર ઉઘાડ્યાં;
24 ખોરાકને માટે તેમના ઉપર તેમણે માન્ના વરસાવ્યું, અને તેઓને સ્વર્ગીય ભોજન આપ્યું.
25 માણસોએ ઈશ્વરદૂતોની રોટલી ખાધી; તેઓને તૃપ્તિ થતાં સુધી તેમણે ખોરાક મોકલ્યો.
26 તેમણે આકાશમાં પૂર્વ તરફથી વાયુ ફુંકાવ્યો; અને પોતાના સામર્થ્યથી દક્ષિણ તરફથી વાયુ ચલાવ્યો.
27 તેમણે ધૂળની જેમ માંસ, અને સમુદ્રની રેતીની જેમ પક્ષીઓ તેમના પર વરસાવ્યાં.
28 તેઓની છાવણી વચ્ચે, તેઓનાં રહેઠાણોની ચારે બાજુએ તેમણે તે પાડ્યાં.
29 તેઓ તે ખાઈને બહુ તૃપ્ત થયા; તેઓને જે ઉત્કંઠા હતી તે ઈશ્વરે પૂરી કરી.
30 તેઓની ઉત્કંઠા હજી તો પૂરી થઈ હતી, અને ભોજનના કોળિયા તેમનાં મોઢામાં હતા,
31 એટલામાં તો ઈશ્વરનો કોપ તેમના પર સળગી ઊઠયો, તેમણે તેઓમાંના સૌથી હ્રષ્ટપુષ્ટોને મારી નાખ્યા, ઇઝરાયલના જુવાન પુરુષોને માર્યા.
32 સર્વ બનવા છતાં પણ તેઓ તો પાપ કરતા રહ્યા, અને તેમનાં આશ્ચર્યકારક કામ પર વિશ્વાસ કર્યો નહિ.
33 માટે તેમણે તેઓના દિવસો વ્યર્થપણામાં, અને તેઓનાં વર્ષોને ત્રાસમાં સમાપ્ત કર્યાં.
34 તેમણે તેઓને માર્યા ત્યારે તેઓએ તેમને શોધ્યા; તેઓ પાછા વળ્યા, અને આતુરતાથી ઈશ્વરને શરણે આવ્યા.
35 તેઓએ સંભાર્યું કે ઈશ્વર તેઓનો ખડક છે, તથા પરાત્પર ઈશ્વર તે તેઓના છોડાવનાર છે.
36 પરંતુ તેઓએ પોતાને મુખે તેમની ખુશામત કરી, અને પોતાની જીભે તેમની આગળ જૂઠું બોલ્યા.
37 કેમ કે તેઓનાં હ્રદય તેમની આગળ સિદ્ધ હતાં, અને તેઓ તેમના કરાર બાબત દઢ રહ્યા હતા.
38 પણ તે પૂર્ણ રહેમી હોવાથી તેમણે તેઓનું પાપ માફ કર્યું, અને તેઓનો નાશ કર્યો નહિ; હા, વારંવાર તેમણે પોતાનો કોપ શમાવ્યો, અને પોતાનો રોષ પૂરો સળગાવ્યો નહિ.
39 તેમણે સંભાર્યું કે તેઓ કેવળ ક્ષુદ્ર છે; અને જતો રહીને પાછો આવનાર વાયુ જેવા છે.
40 તેઓએ કેટલી વાર અરણ્યમાં તેમની સામે ફિતૂર ઉઠાવ્યું; અને રાનમાં તેમને દુ:ખી કર્યા!
41 તેઓએ પાછા હઠીને ઈશ્વરની પરીક્ષા કરી, અને ઇઝરાયલના પવિત્ર ઈશ્વર ને માઠું લગાડ્યું.
42 તેઓએ તેમના બળવાન હાથને, વળી તેમણે શત્રુથી તેઓને છોડાવ્યા તે દિવસને સંભાર્યો નહિ.
43 તેમણે કેવી રીતે મિસરમાં પોતાનાં ચિહ્ન તથા સોઆનના ક્ષેત્રમાં પોતાના ચમત્કાર કર્યા;
44 તેમણે તેઓની નદીઓને તથા તેઓના વહેળાઓને લોહી વહેતાં બનાવી દીધાં, જેથી તેઓ તે પી શકે નહિ.
45 તેમણે ડાંસનાં ટોળેટોળાં મોકલ્યાં, તેઓએ તેમને ખાઈ નાખ્યા; વળી દેડકાંઓને મોકલ્યાં, તેઓએ તેમને નષ્ટ કર્યા;
46 તેમણે તેઓની પેદાશ કાતરાને તથા તેઓની મહેનતનું ફળ તીડને આપી દીધું.
47 તેમણે કરાથી તેઓના દ્રાક્ષાવેલાઓનો, તથા હિમથી તેઓનાં ગુલ્લરઝાડોનો નાશ કર્યો.
48 વળી તેમણે તેઓનાં ઢોર કરાને, તથા તેઓનાં ટોળાં વીજને સ્વાધીન કર્યાં.
49 તેમણે રોષ, કોપ તથા સંકટ સંહારક દૂતોની માફક મોકલીને તેઓ પર પોતાનો કોપ પ્રગટાવ્યો.
50 તેમણે પોતાના કોપને માટે રસ્તો કર્યો; તેમણે મરણથી તેઓના પ્રાણ બચાવ્યા નહિ, પણ તેઓના જીવ મરકીને સ્વાધીન કર્યા;
51 તેમણે મિસરમાં સર્વ પ્રથમ જન્મેલાને મારી નાખ્યા; હામના તંબુઓમાં તેઓના પ્રથમ જન્મેલા નરબાળકોને માર્યા;
52 પણ તે પોતાના લોકોને ઘેટાંની જેમ કાઢી લાવ્યા, અને અરણ્યમાં ટોળાંની જેમ તેઓને દોર્યા.
53 તેમણે તેઓને એવા સહીસલામત ચલાવ્યા કે, તેઓ બીધા નહિ; પણ સમુદ્રે તેઓના શત્રુઓને ગરક કરી દીધા.
54 તે પોતાના પવિત્ર દેશની હદમાં, એટલે તેમને જમણે હાથે ખરીદાયેલા પહાડી દેશમાં, પોતાના લોકોને લાવ્યા.
55 વળી તેમણે તેઓની સામેથી વિદેશીઓને કાઢી મૂક્યા, અને જમીન માપીને ઇઝરાયલનાં કુળોને વારસાના ભાગ પાડી આપ્યા, અને તેમને તેઓના તંબુઓમાં વસાવ્યા.
56 તોપણ તેઓએ પરાત્પર ઈશ્વરની પરીક્ષા કરીને તેમની સામે બળવો ઉઠાવ્યો. અને તેમનાં સાક્ષ્યો પાળ્યાં નહિ;
57 પણ તેઓ પાછા ફરી જઈને પોતાના પૂર્વજોની જેમ નિમકહરામ થયા; વાંકા ધનુષ્ય નાં બાણ ની જેમ તેઓ આડે રસ્તે ચઢ્યા.
58 કેમ કે તેઓએ પોતાનાં ઉચ્ચસ્થાનો વડે તેમને રોષ ચઢાવ્યો, અને પોતાની કોરેલી મૂર્તિઓ વડે તેમને ગુસ્સો ઉત્પન્ન કર્યો.
59 ઈશ્વરે સાંભળ્યું ત્યારે તે કોપાયમાન થયા, અને તેમને ઇઝરાયલ પર બહુ કંટાળો આવ્યો;
60 તેથી તેમણે શીલોહનો માંડવો, એટલે જે તંબુ તેમણે માણસોમાં ઊભો કર્યો હતો, તેનો ત્યાગ કર્યો.
61 તેમણે પોતાનું સામર્થ્ય બંધનમાં, અને પોતાનું ગૌરવ શત્રુના હાથમાં, સોંપ્યાં.
62 વળી તેમણે પોતાના લોક તરવારને સ્વાધીન કર્યા; અને પોતાના વારસા પર તે કોપાયમાન થયા.
63 અગ્નિએ તેઓના જુવાનોને ખાઈ નાખ્યા; અને તેઓની કન્યાઓનાં લગ્નમાં ગીત ગાવામાં આવ્યાં નહિ.
64 તેઓના યાજકો તરવારથી માર્યા ગયા; અને તેઓની વિધવાઓએ કંઈ રુદન કર્યું નહિ.
65 જેમ કોઈ ઊંઘમાંથી જાગે, તેમ, દ્રાક્ષારસ ના કેફ થી હોકારો કરનાર પરાક્રમી પુરુષની જેમ પ્રભુ જાગ્યા.
66 તેમણે પછવાડેથી પોતાના શત્રુઓને માર્યા; તે તેઓના ઉપર સદાને માટે અપમાન લાવ્યા.
67 વળી તેમણે યૂસફના તંબુનો ઇનકાર કર્યો, અને એફ્રાઈમના કુળને નાપસંદ કર્યું;
68 પણ તેમણે યહૂદાના કુળને, એટલે પોતાના વહાલા સિયોન પર્વતને, પસંદ કર્યો.
69 અને પર્વતો જેવું, અને સદાને માટે સ્થાપન કરેલી પૃથ્વીના જેવું તેમણે પોતાનું પવિત્રસ્થાન બંધાવ્યું.
70 તેમણે ઘેટાંના વાડાઓમાંથી પોતાના સેવક દાઉદને પસંદ કરીને લીધો;
71 દૂઝણી ઘેટીઓની પાછળ ફરતો હતો ત્યાંથી તેમના લોક યાકૂબ નાં સંતાન નું તથા તેમના વારસા ઇઝરાયલનું પાલન કરવા તે તેને લાવ્યા.
72 તેમણે પોતાના હ્રદયની નિર્દોષતાથી તેઓનું પાલન કર્યું; અને પોતાના હાથના ચાતુર્યથી તેઓને ચલાવ્યા.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×