Bible Versions
Bible Books

Isaiah 14 (GUV) Gujarati Old BSI Version

1 કેમ કે યહોવા યાકૂબ પર દયા કરશે, ને ફરીથી ઈઝરાયલને પસંદ કરશે, અને તેઓને પોતાની ભૂમિમાં વસાવશે. પરદેશીઓ તેઓની સાથે જોડાશે, ને તેઓ યાકૂબનાં સંતાનોની સાથે મળીને રહેશે.
2 લોકો તેમને લઈને તેમના વતનમાં તેમને પાછા લાવશે; અને યહોવાની ભૂમિમાં ઇઝરાયલીઓ તેઓને દાસ તથા દાસી તરીકે રાખશે. અને તેઓ પોતાને બંદીવાન કરનારાઓને બંદીવાન કરી લેશે; અને તેમના પર જુલમ કરનારાઓ પર તેઓ અધિકાર ચલાવશે.
3 યહોવા તને તારા કલેશથી તથા તારા સંતાપથી, અને જે સખત વૈતરું તારી પાસે કરાવવામાં આવ્યું તેથી વિસામો આપશે.
4 તે દિવસે તું બાબિલના રાજાને મહેણાં મારીને કહેશે કે, જુલમી કેવો શાંત પડયો છે! તેનો ઉગ્ર ક્રોધ કેવો શાંત થયો છે!
5 જે દુષ્ટની સોટી, અધિકારીઓની છડી,
6 જે કોપમાં લોકોને નિરંતર મારતી, અને ક્રોધમાં નિરંકુશ સતાવણીથી પ્રજાઓ પર અમલ કરતી તેને યહોવાએ ભાંગી છે.
7 આખી પૃથ્વી વિશ્રામ પામીને શાંત થયેલી છે; તેઓ હર્ષનાદ કરવા માંડે છે.
8 હા, દેવદારો તથા લબાનોનનાં એરેજવૃક્ષો તારે લીધે આનંદ કરે છે. તેઓ કહે છે, ‘તું પડયો ત્યારથી કોઈ કઠિયારો અમારા ઉપર ચઢી આવ્યો નથી.’
9 ઊંડાણમાં શેઓલ તારે લીધે, તારા આવતામાં જ, તને મળવાને આતુર થઈ રહ્યું છે! તે તારે લીધે મૂએલાના આત્માઓને, પૃથ્વીના સર્વ સરદારોને જાગૃત કરે છે; તેણે વિદેશીઓના સર્વ રાજાઓને તેમનાં રાજ્યાસનો પરથી ઉઠાડયા છે
10 તેઓ સર્વ બોલી ઊઠશે ને તને કહેશે, ‘શું તું પણ અમારા જેવો નબળો થયો છે? તું અમારા સરખો થયો છે?’
11 તારા ગર્વને તથા તારી વીણાઓના સૂરને શેઓલ સુધી ઉતારવામાં આવ્યા છે. તારી નીચે અળસિયાં પાથરેલાં છે, ને કૃમિ તને ઢાંકે છે.
12 રે તેજસ્વી તારા પ્રભાતના પુત્ર, તું ઊંચે આકાશમાંથી કેમ પડયો છે! બીજી પ્રજાઓને નીચે પાડનાર, તું કાપી નંખાઈને ભોંયભેગો કેમ થયો છે!
13 તેં તારા હ્રદયમાં કહ્યું હતું, “હું આકાશો પર ચઢીશ, ને હું ઈશ્વરના તારાઓ કરતાં મારું રાજ્યાસન ઊંચું રાખીશ. હું છેક ઉત્તરના છેડાના, સભાના પર્વત પર બેસીશ.
14 હું મેઘો પર આરોહણ કરીશ, હું પોતાને પરાત્પર સમાન કરીશ.”
15 તે છતાં તું શેઓલ સુધી, ઘોરના ઊંડાણમાં નીચો પાડવામાં આવશે.
16 જ્યારે તેઓ તને જોશે, તને નિહાળશે, ત્યારે તેઓ તારે વિષે વિચાર કરશે કે, જે માણસે પૃથ્વી થથરાવી હતી, જેણે રાજ્યોને ડોલાવ્યાં હતાં,
17 જેણે જગતને અરણ્ય જેવું કર્યું હતું, ને તેમાંનાં નગરોને પાયમાલ કરી નાખ્યાં હતાં, જેણે પોતાના બંદીવાનોને છૂટા કરીને ઘેર જવા દીધા, તે શું છે?
18 દેશોના સર્વ રાજાઓ તો પોતપોતાના ઘરમાં માન સહિત સૂતેલા છે.
19 પરંતુ જેઓને તરવારથી વીંધીને મારી નાખવામાં આવ્યા છે, ને જેઓ ઘોરના પથ્થરોમાં ઊતરી જનારા છે, તેઓથી વિષ્ટિત થઈને તુચ્છ ડાળીની જેમ તને તો તારી પોતાની કબરથી દૂર ફેંકી દેવામાં આવ્યો છે; તું ખુંદાયેલા મુડદા જેવો છે.
20 તને તેમની સાથે દાટવામાં આવશે નહિ, કેમ કે તેં પોતાના દેશનો નાશ કર્યો છે, પોતાના લોકને કતલ કર્યા છે. ભૂંડું કરનારાઓના સંતાનનાં નામ સર્વકાળ સુધી કોઈ લેશે નહિ.
21 તેના દીકરાઓને માટે તેમના પિતાઓના અન્યાયને લીધે વધસ્થાન તૈયાર કરો; રખેને તેઓ ઊઠે, ને પૃથ્વીનું વતન પામે, ને જગતનું પૃષ્ઠ નગરોથી ભરપૂર કરે.
22 વળી સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, “હું તેઓની સામો ઊઠીશ, અને બાબિલમાંથી તેઓનું નામ તથા શેષ ને પુત્રપૌત્રાદિ કાપી નાખીશ, યહોવાનું વચન એવું છે.
23 “હું તેને શાહુડીનું વતન તથા પાણીનાં ખાબોચિયાં કરી નાખીશ; અને નાશના ઝાડુથી તેને ઝાડી કાઢીશ”; સૈન્યોના ઈશ્વર યહોવાનું વચન એવું છે.
24 સૈન્યોના ઈશ્વર યહોવાએ સમ ખાઈને કહ્યું છે, “જે પ્રમાણે મેં ધારણા કરી છે તે પ્રમાણે નક્કી થશે; અને મેં જે ઠરાવ કર્યો છે તે કાયમ રહેશે:
25 એટલે મારા દેશમાં હું આશૂરના કકડેકકડા કરીશ, અને મારા પર્વતો પર હું તેને ખૂંદી નાખીશ; તે વખતે એની ઝૂંસરી તેઓ પરથી નીકળી જશે, ને એનો ભાર તેઓની ખાંધ પરથી ઉતારવામાં આવશે.
26 જે સંકલ્પ આખી પૃથ્વી વિષે કરેલો છે તે છે; અને જે હાથ સર્વ દેશો સામે ઉગામેલો છે તે છે.
27 કેમ કે સૈન્યોના ઈશ્વર યહોવાએ જે યોજના કરી છે તેને કોણ રદ કરશે? તેમનો હાથ ઉગામેલો છે, તેને કોણ પાછો ફેરવશે?”
28 આહાઝ રાજા મરણ પામ્યો તે વરસે ઈશ્વરવાણી થઈ.
29 “હે સર્વ પલિસ્તીઓ, જે છડીએ તમને માર્યા તે ભાંગી ગઈ છે, માટે તમે હરખાશો નહિ; કેમ કે સાપના મૂળમાંથી નાગ નીકળશે, તે તેમાંથી ઊડણ સર્પ ઉત્પન્ન થશે.
30 ગરીબમાં ગરીબ માણસ અન્ન ખાશે, અને દરિદ્રી નિર્ભયતાથી સૂશે. હું તારા મૂળને દુકાળથી મારી નાખીશ, ને તારો શેષ કતલ કરવામાં આવશે.
31 હે નગરદ્વાર, વિલાપ કર; હે નગર, આક્રંદ કર; હે પલિસ્તી દેશ, પીગળી જા; કેમ કે ઉત્તર તરફથી ધુમાડો આવે છે, ને તેના સૈન્યમાં કોઈ પાછળ રહી જનાર નથી.
32 તો દેશના એલચીઓને કેવો ઉત્તર આપવો? તે આ-યહોવાએ સિયોનનો પાયો નાખેલો છે, ને તેના લોકોમાંના જેઓ દુ:ખી છે તેઓ એના આશ્રયમાં આવી રહેશે.”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×