Bible Versions
Bible Books

2 Chronicles 20 (GUV) Gujarati Old BSI Version

1 પછી મોઆબીઓ, આમ્મોનીઓ તથા તેમની સાથે કેટલાક મેઉનીઓ યહોશાફાટની સામે યુદ્ધ કરવા માટે આવ્યા.
2 કોઈએ આવીને યહોશાફાટને ખબર આપી, “સમુદ્રને પેલે પારથી એટલે અરામમાંથી તમારી વિરુદ્ધ એજ મોટી ફોજ આવે છે; તેઓ હાસસોન-તામાર એટલે એન-ગેદી માં છે.”
3 આથી યહોશાફાટ ભયભીત થઈને યહોવાની શોધ કરવા લાગ્યો. અને તેણે આખા યહૂદિયામાં ઉપવાસ કરવાનો ઢંઢેરો પિટાવ્યો.
4 યહૂદિયાના લોકો યહોવાની સહાય માગવા માટે એકત્ર થયા.એટલે યહૂદિયાના સર્વ નગરોમાંથી તેઓ યહોવાની શોધ કરવા માટે આવ્યા.
5 યહોશાફાટે યહોવાના મંદિરના નવા ચોક આગળ યહૂદિયા તથા યરુશાલેમના લોકોની સભામાં ઊભા થઈને કહ્યું,
6 “હે અમારા પિતૃઓના ઈશ્વર, યહોવા, શું તમે આકાશવાસી ઈશ્વર નથી? શું તમે વિદેશીઓનાં સર્વ રાજ્યો પર અધિકારી નથી?તમારા હાથમાં એટલું બધું બળ તથા પરાક્રમ છે કોઈ તમારી સામે ટકવાને સમર્થ નથી.
7 હે અમારા ઈશ્વર શું, દેશના મૂળ રહેવાસીઓને તમારા ઇઝરાયલ લોકથી હાંકી કાઢીને તમે તે દેશ સદાને માટે તમારા મિત્ર ઇબ્રાહિમના વંશજોને આપ્યો નથી?
8 તેઓ તેમાં રહ્યાં, ને તેઓએ તેમાં તમારા નામને માટે તમારું પવિત્રસ્થાન એવા વિચારથી બાંધ્યું છે કે,
9 જો કંઈ પણ આપત્તિ, એટલે તરવાર કે ન્યાયાસન કે મરકી કે દુકાળ અમારા ઉપર આવ્યાથી અમે મંદિર આગળ તથા તમારી હજૂરમાં ઊભા રહીએ, (કેમ કે મંદિરમા તમારું નામ છે, ) ને અમારી આપત્તિમાં અમે તમારી પ્રાર્થના કરીએ, તો તમે તે સાંભળીને અમારો બચાવ કરશો.
10 હવે, જુઓ, આમ્મોનીઓ, મોઆબીઓ તથા સેઈર પર્વતના લોકો ઉપર ઇઝરાયલને મિસર દેશમાંથી નીકળતી વખતે તમે હલ્લો કરવા દીધો, પણ તેઓ ફંટાઈને બીજે માર્ગે ગયા, અને તેઓનો નાશ કર્યો.
11 જુઓ, તમે અમને જે તમારા વતનનો વારસો આપ્યો છે તેમાંથી અમને કાઢી મૂકવાને તેઓ આવ્યા છે. જુઓ, તેઓ અમને કેવો બદલો આપે છે!
12 હે અમારા ઈશ્વર, તમે તેઓનો ન્યાય નહિ કરશો? કેમ કે મોટુ સૈન્ય જે અમારી વિરુદ્ધ આવે છે તેની સામે થવાને અમારામાં કંઈ શક્તિ નથી; અને અમાટે શું કરવું તે પણ અમને સૂઝતું નથી. પણ અમે તે તમારી તરફ જોઈએ છીએ.”
13 યહૂદિયાના સર્વ લોકો, તેઓના બાળકો, તેઓની સ્ત્રીઓ તથા તેઓનાં છોકરાં યહોવાની આગળ ઊભા રહ્યાં.
14 ત્યારે આસાફના કુટુંબનો લેવી યાહઝીએલ કે, જે માત્તાન્યાના પુત્ર યેઈએલના પુત્ર બનાયાના પુત્ર ઝખાર્યાનો પુત્ર હતો; તેના ઉપર સભાની મધ્યે યહોવાનો આત્મા આવ્યો.
15 તેણે કહ્યું, હે યહૂદિયાના તથા યરુશાલેમના સર્વ રહેવાસીઓ, તથા હે યહોશાફાટ રાજા, તમે સર્વ સાંભળો. યહોવા તમને કહે છે કે, મોટા સૈન્યને લીધે તમારે બીવું નહિ ગભરાવું નહિ; કેમ કે યુદ્ધ તમારું નથી, પણ ઈશ્વરનું છે.
16 કાલે તમે તેઓની સામે નીકળી પડો.તેઓ સીસને ઘાટે થઈને ચઢી આવે છે. તેઓ તમને યરુશાલેમનાં અરણ્યની ખીણને છેડે સામા મળશે.
17 લડાઈ માં તમારે યુંદ્ધ કરવું નહિ પડે. હે યહૂદિયાના તથા યરુશાલેમ ના લોકો સ્થિર થઇને ઊભા રહો, અને યહોવા તમારું કેવું રક્ષણ કરે છે તે જુઓ, બીશો નહિ. તેમ ગભરાશો પણ નહિ; કાલે નીકળીને તેઓની સામે જાઓ; યહોવા તમારી સાથે છે.”
18 સાંભળીને યહોશાફાટે ભૂમી સુધી મુખ નમાવીને નમન કર્યું. અને સર્વ યહૂદિયા તથા યરુશાલેમના રહેવાસીઓએ યહોવાનું ભજન કરીને તેમને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા.
19 કહાથીઓના તથા કોરાહીઓના વંશજોમાંના લેવીઓ અતિ મોટે અવાજે ઇઝરાયલના ઈશ્વર યહોવાની સ્તુતી કરવા માટે ઊભા થયા.
20 તેઓ સવારમાં વહેલા ઊઠીને અકોઆના અરણ્યમાં ગયા. તેઓ ચાલતા હતા તે દરમ્યાન યહોશાફાટે ઊભા રહીને કહ્યું, “હે યહૂદિયા તથા યરુશાલેમનાં રહેવાસીઓ, મારું સાંભળો. તમારા ઈશ્વર યહોવા પર વિશ્વાસ રાખો, ને તમે સ્થિર થશો; તેમના પ્રબોધકોનું માનો ને તમે આબાદ થશો.”
21 તેણે લોકોને બોધ આપ્યા પછી, સૈન્યની આગળ ચાલતાં ચાલતાં યહોવાની આગળ ગાયન કરનારાઓને, પવિત્ર વસ્ત્ર પહેરીને તેની સ્તુતી કરનારાઓને તથા ‘યહોવાનો આભાર માનો કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.’ સ્તોત્ર ગાનારાઓને ઠરાવ્યા.
22 તેઓએ ગાયનો તથા સ્તુતિ કરવાનો પ્રારંભ કર્યો, એટલે યહોવાએ આમ્મોનીઓ, મોઆબીઓ તથા સેઇર પર્વતના લોકો, જેઓ યહૂદિયાની સામે લડવા આવ્યા હતા, તેઓના માર્ગમાં કેટલાક માણસોને સંતાડી રાખ્યા. અને તેઓએ માર ખાધો.
23 આમ્મોન તથા મોઆબના લોકોએ સેઈર પર્વતના રહેવાસીઓની સામે થઈને તેઓનો સંપૂર્ણ સંહાર કર્યો. સેઈરના રહેવાસીઓને પૂરા કરી રહ્યા પછી તેઓએ માંહોમાંહે લડીને એકબીજાનો નાશ કર્યો.
24 જ્યારે યહૂદિયા ના લોકો અરણ્યની ચોકીના કિલ્લા પાસે જઈ પહોંચ્યાં, ત્યારે તેઓએ તે સૈન્ય તરફ નજર કરી; તો તેઓની લાશો જમીન પર પડેલી જોઈ, ને તેઓમાંનો એક પણ માણસ બચ્યો હતો.
25 યહોશાફાટ તથા તેના સૈનિકો તેઓને લૂટવાં માંડ્યા, ત્યારે તેઓને પુષ્કળ દ્રવ્ય, વસ્ત્ર તથા કિંમતી જવાહિર મળ્યાં, તે તેઓએ પોતાને માટે ઉતારી લીધાં, પણ તે વધારે હોવાને લીધે તેઓ તે ઊંચકી લઈ જઈ શક્યાં નહિ. તે લૂટ એટલી બધી હતી કે તે લઈ જતાં તેમને ત્રણ દિવસ લાગ્યા.
26 ચોથે દિવસે તેઓ બરાખાની ખીણમાં એકત્ર થયાં; ત્યાં તેઓએ યહોવાની સ્તુતિ કરી; તેથી તે જગાનું નામ આજ દિન સુધી બરાખા (આશીર્વાદ) ની ખીણ એવું પડ્યું.
27 પછી યહૂદિયા તથા યરુશાલેમના તમામ પુરુષો આનંદભેર યરુશાલેમ પાછા આવ્યા. યહોશાફાટ તેમને મોખરે ચાલતો હતો. કેમ કે યહોવાએ તેમના શત્રુઓનો પરાજય કરીને તેઓને હર્ષ પમાડ્યો હતો.
28 તેઓ સિતાર, વીણા, તથા રણશિંગડા વગાડતા યરુશાલેમમાં યહોવાના મંદિરમાં આવ્યાં.
29 જ્યારે આસપાસના સર્વ રાજ્યોએ સાંભળ્યું કે યહોવા ઇઝરાયલના શત્રુ સામે લડ્યા, ત્યારે તેઓ ઈશ્વરથી ડરવા લાગ્યા.
30 પ્રમાણે યહોશાફાટના રાજ્યમાં શાંતિ થઈ, કેમ કે તેના ઈશ્વરે ચારે તરફથી તેને આરામા આપ્યો હતો.
31 યહોશાફાટ યહૂદિયા પર રાજ કરવા લાગ્યો. જ્યારે તે રાજ કરવા લાગ્યો ત્યારે તે પાત્રીસ વર્ષનો હતો. તણે યરુશાલેમમાં પાત્રીસ વર્ષ સુધી રાજ કર્યું, તેની માનું નામ અઝુબા હતું. તે શિલ્હીની દીકરી હતી.
32 તે પોતાના પિતા આસાને માર્ગે ચાલ્યો, ને તેથી જરા પણ આડોઆવળો ગયો નહિ, અને યહોવાની ર્દષ્ટિમાં જે સારું હતું તે તેણે કર્યું.
33 પરંતુ ઉચ્ચસ્થાનો કાઢી નાખવાનમાં આવ્યા નહિ, તેમ લોકો હજું સુધી પોતાના પિતૃઓના ઈશ્વર પર ખરા અંત:કરણથી ભરોસો રાખતા નહોતા.
34 યહોશાફાટના બાકીના કૃત્યો પહેલેથી તે છેલ્લે સુધી હનાનીના પુત્ર યેહૂની તવારીખ કે જે ઇઝરાયલના રાજાઓના પુસ્તકમાં દાખલ કરેલી છે, તેમા લખેલા છે.
35 ત્યાર પછી યહૂદિયાના રાજા યહોશફાટે ઇઝરાયલના રાજા અહાઝ્યાની સાથે સંપ કર્યો. તે તો ઘણો દુરાચારી હતો.
36 તેણે તેની સાથે મળી જઈને તાર્શીશ જવા માટે એસ્યોન-ગેબેરમાં વહાણો બનાવ્યાં.
37 ત્યારે મારેશાના રહીશ દોદાવાહુના પુત્ર અલીએઝેરે યહોશાફાટની વિરુદ્ધ પ્રબોધ કરીને કહ્યું, તેં અહાઝ્યાની સાથે સંપ કર્યો છે, માટે યહોવાએ તારાં કામોનો નાશ કર્યો છે. વહાણો ભાંગી ગયાં, ને તેથી તેઓ તાર્શીશ જઈ શક્યાં નહિ.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×