Bible Versions
Bible Books

Jeremiah 44 (GUV) Gujarati Old BSI Version

1 જે સર્વ યહૂદીઓ મિસર દેશમાં, મિગ્દોલ, તાહપાન્હેસ, નોફ તથા પાથ્રોસ પ્રદેશમાં રહેતા હતા, તેઓ વિષે જે વચન યર્મિયાની પાસે આવ્યું તે આ:
2 સૈન્યોના ઈશ્વર યહોવા, ઇઝરાયલના ઈશ્વર કહે છે, “જે સર્વ વિપત્તિ હું યરુશાલેમ પર તથા યહૂદિયાનાં સર્વ નગરો પર લાવ્યો છું તે તમે જોઈ છે. જુઓ, તેઓ હમણાં ઉજ્જડ થઈ ગયાં છે, ને કોઈ માણસ તેમાં રહેતું નથી.
3 કારણ કે તેઓએ પાપ કરીને મને રોષ ચઢાવ્યો છે, એટલે તેઓ કે તમે કે તમારા પૂર્વજો જે અન્ય દેવોને જાણતા નહોતા, તેઓની આગળ ધૂપ બાળવા અને તેઓની ઉપાસના કરવા તેઓ ગયા.
4 એમ છતાં પણ જે ધિક્કારપાત્ર કામનો હું તિરસ્કાર કરું છું, તે કરશો નહિ, એવું કહેવાને મેં પ્રાત:કાળે ઊઠીને મારા સર્વ સેવકોને, એટલે પ્રબોધકોને તમારી પાસે મોકલ્યા.
5 પણ તેઓએ સાંભળ્યું નહિ, ને પોતાના દુષ્ટ માર્ગથી ફરીને અન્ય દેવોની આગળ ધૂપ નહિ બાળવાની મારી આજ્ઞા તરફ તેઓએ કાન ધર્યો નહિ.
6 તેથી મારો કોપ તથા મારો ક્રોધ તેઓ પર રેડવામાં આવ્યો, ને યહૂદિયાનાં નગરોમાં તથા યરુશાલેમના મહોલ્લાઓમાં તેની જ્વાળા પ્રગટી; અને જેમ આજે છે, તેમ તેઓ પાયમાલ તથા ઉજ્જડ થઈ ગયાં છે.
7 તેથી સૈન્યોના ઈશ્વર તથા ઇઝરાયલના ઈશ્વર યહોવા કહે છે, તમે શા માટે પોતાના જીવની વિરુદ્ધ અતિ દુષ્ટ કામ કરીને પુરુષ તથા સ્ત્રી, બાળક તથા ધાવણું, બધાંનો યહૂદિયામાંથી નાશ કરો છો, ને તમારી પાછળ કોઈને બાકી રહેવા દેતા નથી?
8 જ્યાં તમે રહેવા ગયા છો, તે મિસર દેશમાં અન્ય દેવોની આગળ ધૂપ બાળીને તમે તમારા હાથની કૃતિથી મને રોષ ચઢાવો છો; એથી તમને કાપી નાખવામાં આવશે, અને સર્વ પ્રજાઓમાં તમે શાપરૂપ તથા નિંદારૂપ થશો.
9 શું તમારા પૂર્વજોના, યહૂદિયાના રાજાઓનાં, તેઓની રાણીઓનાં, તમારાં પોતાનાં તથા તમારી સ્ત્રીઓનાં દુષ્ટ કર્મો, જે યહૂદિયા દેશમાં તથા યરુશાલેમના મહોલ્લાઓમાં કરવામાં આવ્યાં, તે તમે ભૂલી ગયા છો?
10 આજ સુધી તેઓ દીન થઈ ગયા નથી, ને બીધા પણ નથી, ને મારું નિયમશાસ્ત્ર તથા મારા વિધિઓ મેં તમારી આગળ તથા તમારા પૂર્વજોની આગળ મૂક્યાં છે, તે પ્રમાણે ચાલ્યા નથી.”
11 તેથી સૈન્યોના ઈશ્વર યહોવા, ઇઝરાયલના ઈશ્વર કહે છે, “જુઓ, હું તમારી વિરુદ્ધ મારું મુખ ફેરવીશ, અને વિપત્તિ લાવીને આખા યહૂદિયાનો નાશ કરીશ.
12 યહૂદિયાના બાકી રહેલાઓમાંના જેઓએ મિસર દેશમાં જઈ રહેવા માટે ઠરાવ કર્યો છે, તેઓને હું જોઈ લઈશ, ને તેઓ સર્વનો નાશ થશે. મિસર દેશમાં તેઓ પડશે. તેઓ તરવારથી તથા દુકાળથી નાશ પામશે; નાનાથી તે મોટા સુધી તમામ તરવારથી તથા દુકાળથી માર્યા જશે; અને તેઓ ધિક્કારરૂપ, વિસ્મયરૂપ, શાપરૂપ તથા નિંદારૂપ થઈ પડશે.
13 જેમ મેં યરુશાલેમને શિક્ષા કરી, તેમ જેઓ મિસર દેશમાં રહે છે તેઓને હું તરવારથી, દુકાળથી તથા મરકીથી શિક્ષા કરીશ.
14 તેથી યહૂદિયાના જે બાકી રહેલા લોકો મિસર દેશમાં રહેવા માટે ગયા છે, તેઓમાંથી કોઈ બચશે કે જીવતો રહેશે નહિ, અને પાછા આવીને જ્યાં તેઓ રહેવા ઇચ્છે છે, તે યહૂદિયા દેશમાં પાછા આવનાર કોઈ પણ બાકી રહેશે નહિ. કેમ કે જેઓ નાસી જશે, તેઓ સિવાય કોઈ પાછો આવશે નહિ.”
15 પછી પોતાની સ્ત્રીઓ અન્ય દેવોની આગળ ધૂપ બાળે છે એમ જે પુરુષો જાણતા હતા, તથા જે સ્ત્રીઓ ત્યાં ઊભી હતી, તેઓ સર્વના મોટા સમુદાયે, એટલે મિસર દેશના પાથ્રોસમાં રહેનારા સર્વ લોકોએ યર્મિયાને ઉત્તર આપ્યો,
16 “જે વચન તેં યહોવાને નામે અમને કહ્યું છે, તે વિષે અમે તારું માનીશું નહિ.
17 પણ અમે, અમારા પૂર્વજો, અમારા રાજાઓ તથ અમારા સરદારો યહૂદિયાનાં નગરોમાં તથા યરુશાલેમના મહોલ્લાઓમાં જેમ કરતા હતા, તેમ આકાશની રાણીની આગળ ધૂપ બાળવા વિષે તથા તેની આગળ પેયાર્પણો રેડવા વિષે અમે જે માનતા લીધી છે, તે પ્રમાણે અમે અવશ્ય કરીશું, કેમ કે તે વખતે તો અમારી પાસે પુષ્કળ રોટલી હતી, અને અમારી સ્થિતિ સારી હતી, ને અમે વિપત્તિ જોઈ નહોતી.
18 પણ અમે આકાશની રાણીની આગળ ધૂપ બાળવાનું ને તેને પેયાર્પણો રેડવાનું મૂકી દીધું, ત્યારથી અમને સર્વ પ્રકારની તંગી પડવા માંડી છે, ને અમે તરવારથી તથા દુકાળથી નાશ પામીએ છીએ.
19 જ્યારે અમે આકાશની રાણીની આગળ ધૂપ બાળતી હતી, તથા તેને પેયાર્પણો રેડતી હતી, ત્યારે શું તમે અમારા ધણી ની સંમતિ વગર તેને નૈવેદ ધરાવવાને રોટલીઓ બનાવતી હતી, તથા તેને પેયાર્પણો રેડતી હતી?”
20 જ્યારે પુરુષોએ તથા સ્ત્રીઓએ, એટલે સર્વ લોકોએ, તેને આવો ઉત્તર આપ્યો ત્યારે તે સર્વ લોકોને યર્મિયાએ કહ્યું,
21 “યહૂદિયાનાં નગરોમાં તથા યરુશાલેમના મહોલ્લાઓમાં તમે, તમારા પૂર્વજોએ, તમારા રાજાઓએ, તમારા સરદારોએ તથા દેશના લોકોએ જે ધૂપ બાળ્યો છે, તે શું યહોવાના સ્મરણમાં નહોતું?
22 તમારાં દુષ્કર્મોને તથા તમારાં કરેલાં ધિક્કારપાત્ર કૃત્યોને યહોવા સહન કરી શક્યા નહિ; એથી જેમ આજે છે, તેમ તમારો દેશ ઉજ્જડ, વિસ્મયજનક, શાપરૂપ તથા વસતિહીન થયો છે.
23 તમે ધૂપ બાળ્યો તથા યહોવાની વિરુદ્ધ પાપ કર્યું, ને યહોવાનું વચન માન્યું નહિ, ને તેમના નિયમશાસ્ત્ર, તેમના વિધિઓ તથા તેમનાં સાક્ષ્યો પ્રમાને ચાલ્યા નહિ, તેથી જેમ આજે છે, તેમ વિપત્તિ તમારા પર આવી પડી છે.”
24 વળી સર્વ લોકોને તથા સર્વ સ્ત્રીઓને યર્મિયાએ કહ્યું, “મિસર દેશમાં આવી રહેલા સર્વ યહૂદીઓ, યહોવાનું વચન સાંભળો:
25 સૈન્યોના ઈશ્વર યહોવા, ઇઝરાયલના ઈશ્વર, કહે છે, ‘આકાશની રાણીની આગળ ધૂપ બાળવાની તથા તેને પેયાર્પણો રેડવાની લીધેલી માનતાઓ પ્રમાણે અમે અવશ્ય કરીશું, એવું તમે તેમ તમારી સ્ત્રીઓ પણ મુખતથી બોલ્યાં છો, તથા તમારા બોલવા પ્રમાણે તમારા હાથોએ કર્યું છે; તો હવે તમારી માનતાઓ પ્રમાણે તમે ભલે વર્તો.
26 તે માટે મિસર દેશમાં રહેનારા સર્વ યહૂદીઓ, યહોવાનું વચન સાંભળો:યહોવા કહે છે, જુઓ, મેં મારા મોટા નામના સમ ખાધા છે કે પ્રભુ યહોવાના જીવના સમ, એવું કહીને હવેથી કોઈ પણ યહૂદી માણસ આખા મિસર દેશમાં મારું નામ હોઠ ઉપર લે નહિ.
27 જુઓ, હું હિત કરવા માટે નહિ, પણ વિપત્તિ લાવવા માટે તેઓ પર નજર રાખું છું; અને જે યહૂદીઓ મિસર દેશમાં છે, તેઓ બધા પતી જશે ત્યાં સુધી તેઓ તરવારથી તથા દુકાળથી નાશ પામતા જશે.
28 વળી તરવારથી બચેલા થોડા માણસ મિસર દેશમાંથી યહૂદિયા દેશમાં પાછા આવશે; અને જે બાકી રહેલા યહૂદીઓ મિસર દેશમાં રહેવા માટે ગયા છે, તેઓ જાણશે કે કોનું વચન, મારું કે તેઓનું, કાયમ રહેશે.
29 વળી યહોવા કહે છે, તમારા પર વિપત્તિ લાવવાનાં મારાં વચનો ખચીત કાયમ રહેશે, તમે જાણો માટે જગ્યાએ હું તમને શિક્ષા કરીશ, એનું ચિહ્ન તમારે માટે થશે:
30 યહોવા કહે છે કે, ‘જુઓ જેમ મેં યહૂદિયાના રાજા સિદકિયાને તેના શત્રુ તથા તેનો જીવ શોધનાર બાબિલના રાજા નબૂખાદનેસ્સારના હાથમાં સોંપ્યો, તેમ હું મિસરના રાજા ફારુન હોફ્રાને તેના શત્રુના હાથમાં તથા તેનો જીવ શોધનારાઓના હાથમાં સોંપીશ.’”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×